અધ્યાય-૬૯-શ્રીકૃષ્ણનું માહાત્મ્ય (ચાલુ)
II धृतराष्ट्र उवाच II कथं त्वं माधवं वेत्थ सर्वलोकमहेश्वरम् I कथमेनं न वेदाहं तन्ममाचक्ष्व संजय II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,શ્રીકૃષ્ણ સર્વ લોકના મહેશ્વર છે,એ તું શાથી જાણે છે?અને એને હું કેમ જાણતો નથી? તે કહે.
સંજય બોલ્યો-હે રાજા,તમને જ્ઞાન નથી ને મારુ જ્ઞાન નાશ પામતું નથી.જે પુરુષ જ્ઞાનથી રહિત છે તથા અજ્ઞાનને લીધે સ્વરૂપથી ભ્રષ્ટ થયેલો છે તે શ્રીકૃષ્ણને ઓળખતો નથી.હું જ્ઞાનના સામર્થ્યથી શ્રીકૃષ્ણને જાણું છું કે-તે અધિષ્ઠાનરૂપ હોવાથી સ્થૂળ,સૂક્ષ્મ તથા કારણ શરીર સાથે,દોરીમાં દેખાતા સર્પની જેમ સંબંધવાળા છે.તે વિશ્વના નિમિત્તકારણ છે,કર્મ વડે અસાધ્ય છે અને પંચમહાભૂતના ઉત્પત્તિ ને લયના સ્થાનરૂપ છે (3)
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,તારી જે શ્રીકૃષ્ણમાં નિત્ય ભક્તિ છે,તે કેવા પ્રકારની છે?
કે જે ભક્તિથી તું ત્રણ પ્રકારના શરીર સંબંધવાળા મધુસુદનને ઓળખખે છે?
સંજય બોલ્યો-હું પુત્ર,સ્ત્રી વગેરે આકારમાં પરિણામ પામેલી અવિદ્યાનું સેવન કરતો નથી.મિથ્યા ધર્મનું આચરણ કરતો નથી અને ધ્યાન વડે નિર્મળ ભાવને પામ્યો છું,એટલે 'તત્વમસિ'-ઇત્યાદિ વાક્યોથી શ્રીકૃષ્ણને જાણું છું (5)
ધૃતરાષ્ટ્રે કહ્યું-હે દુર્યોધન,તું ઇન્દ્રિયોના અધિપતિ શ્રીકૃષ્ણને શરણે જા.આપણો સંજય યથાર્થ વક્તા છે.
દુર્યોધને કહ્યું-જો,તે દેવકીપુત્રં,અર્જુનની મિત્રતાનું બહાનું કાઢીને લોકોનો સંહાર કરવાના હોય,
તો હું એવા કૃષ્ણને શરણે જઈશ નહિ
ધૃતરાષ્ટ્રે કહ્યું-હે ગાંધારી,આ દુર્બુદ્ધિવાળો ઇર્ષ્યાખોર,દુરાત્મા,અભિમાની અને
હિતેચ્છુઓનાં વચનને ન માનનારો તારો પુત્ર નરકમાં જવા તૈયાર થયો છે (8)
ગાંધારીએ કહ્યું-ઓ ઐશ્વર્યની કામનાવાળા દુષ્ટાત્મા,વૃદ્ધોની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર મૂર્ખ,તું ઐશ્વર્યને,જીવીતને,
પિતાને અને મને ત્યજીને તેમજ મારા શોકને વધારીને જયારે ભીમસેનથી હણાઇશ,ત્યારે પિતાના વચનને યાદ કરીશ.
વ્યાસે કહ્યું-હે ધૃતરાષ્ટ્ર,મારુ કહેવું સાંભળો.સંજય તમારો દૂત છે તેથી શ્રીકૃષ્ણને તમે પ્રિય જ છો.આ સંજય તમને કલ્યાણ માર્ગમાં જોડશે,કારણકે તે શ્રીકૃષ્ણના સ્વરૂપને સારી રીતે જાણે છે.તેનું કહેવું એકાગ્ર ચિત્તથી સાંભળશો તો તમને તે મહાભયમાંથી મુક્ત કરશે.હે રાજા,જે પુરુષો,ક્રોધ તથા હર્ષથી સારી રીતે વીંટાયેલા છે અને પોતાના ધનથી સંતોષ પામતા નથી તેઓ અનેક પ્રકારના કામાદિ પાશોથી બંધાયેલા રહે હે એની તેવા કામનાથી મૂઢ થયેલા લોકો અંધથી દોરાતા આંધળાઓની જેમ,પોતાના કર્મ વડે વારંવાર યમના તાબામાં જઈ પડે છે.જ્ઞાનમાર્ગ એકલો જ બ્રહ્મની પ્રાપ્તિ કરાવનારો છે કે જે માર્ગે વિવેકી પુરુષો પ્રયાણ કરે છે.મહાત્માઓ જ્ઞાનમાર્ગને જાણીને મૃત્યુને તરે છે અને ફરી સંસારમાં આસક્ત થતા નથી
ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,તું મને એવો સર્વથા નિર્ભય માર્ગ કહે કે જે માર્ગે
હું ઇન્દ્રિયોના અધિપતિ શ્રીહરિની પાસે જઈને મુક્ત થાઉં.
સંજયે કહ્યું-અવશ ચિત્તવાળો પુરુષ,નિત્યસિદ્ધ હરિને કદી પણ જાણતો નથી અને તે આત્મા(હરિ) ને જાણવા માટે ઇન્દ્રિયનિગ્રહ વિના યજ્ઞ-આદિ બીજા ઉપાય વ્યર્થ છે.ઇન્દ્રિયો,વિષયોના સાધનથી ઉન્મત્ત થઇ જાય છે,માટે સાવધાનીથી વિષયોનો ત્યાગ કરવો.પ્રમાદનો ત્યાગ અને અહિંસા એ અવશ્ય જ્ઞાનનાં કારણો છે.માટે હે રાજા,તમે આળસરહિત થઈને ઇન્દ્રિયોના નિગ્રહને માટે તત્પર થાઓ.અને તમારી બુદ્ધિ,તત્વથી ભ્રષ્ટ ન થાય તે માટે તેનો આંતર અને બાહ્ય વિષયોમાંથી નિગ્રહ કરો.મન સહિત ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એ જ જ્ઞાન છે અને એ જ બ્રહ્મપ્રાપ્તિનો માર્ગ છે.ઇન્દ્રિયોનો જય કર્યા વિના મનુષ્યોને શ્રીહરિની પ્રાપ્તિ થતી નથી.શાસ્ત્રોક્ત યુક્તિના લાભથી અને ચિત્તવૃત્તિના નિરોધથી,તે મનુષ્યના ઉપર પરમેશ્વર જ્ઞાન આપીને અનુગ્રહ કરે છે (21)
અધ્યાય-69-સમાપ્ત