અધ્યાય-૬૮-સંજયે કહેલું કૃષ્ણનું માહાત્મ્ય
II संजय उवाच II अर्जुनो वासुदेवश्च धन्विनौ पर्मरचितौ I कामादन्यत्र संभूतौ सर्वभावाय संमितौ II १ II
સંજયે કહ્યું-ધનુર્ધારી અર્જુન અને પરમપૂજ્ય વાસુદેવ એ બંને બ્રહ્મભાવમાં સમાન છે.તેઓનો જન્મ કર્મને લીધે નથી,પણ લોકોના અનુગ્રહને માટે જ સૂર્યની જેમ તેઓ પ્રગટ થયા છે.વાસુદેવનું સુદર્શન ચક્ર,મધ્યમાં પાંચ હાથ પહોળું છે,પણ શ્રીકૃષ્ણ તેને જેટલા પ્રમાણવાળું થવાની ધારણા કરીને છોડે છે તેટલા પ્રમાણમાં તે પહોળું થઈને જાય છે.તેજવાળું તે ચક્ર કોઈનું પણ સારાસારનું બળ જાણવા માટે નિર્માયું છે ને તે પાંડવોનું માનીતું છે ને કૌરવોનો સંહાર વાળનારું છે.મહાબળવાન શ્રીકૃષ્ણે ભયંકર જણાતા નરકાસુર,શમ્બરાસુર,કંસ અને શિશુપાલને રમતાં રમતાં જીતી લીધા હતા.ઐશ્વર્યસંપન્ન તથા શ્રેષ્ઠ રૂપવાળા પુરુષોત્તમ,માત્ર મનના સંકલ્પથી જ પૃથ્વી,અંતરિક્ષને ને સ્વર્ગને કબ્જે કરીલે તેવા છે.(5)
હે રાજા,તમે પાંડવોનું સારાસાર બળ જાણવા માટે મને વારંવાર પૂછો છો,તો હું તમને સંક્ષેપમાં કહું છું કે-એક તરફ આખું જગત હોય અને એક તરફ એકલા શ્રીકૃષ્ણ હોય,તો સારમાં આખા જગત કરતાં શ્રીકૃષ્ણ અધિક થાય.શ્રીકૃષ્ણ,સંકલ્પ માત્રથી આ જગતને ભસ્મ કરી નાખે,પરંતુ આખું જગત શ્રીકૃષ્ણને ભસ્મ કરવા સમર્થ નથી.જ્યાં સત્ય,ધર્મ,અકાર્યમાં લજ્જા અને સરળતા હોય,ત્યાં શ્રીકૃષ્ણ હોય છે અને જ્યાં શ્રીકૃષ્ણ હોય છે ત્યાં જ જય છે.પુરુષોમાં ઉત્તમ અને સર્વ પ્રાણીઓના અંતરાત્મા શ્રીકૃષ્ણ,ક્રીડા કરતા હોય તેમ પૃથ્વીને,અંતરિક્ષને ને સ્વર્ગને ચલાયમાન કર્યા કરે છે.(10)
તે શ્રીકૃષ્ણ,લોકને મોહિત કરતા હોય તેમ,પાંડવોના બહાનાથી તમારા અધર્મપરાયણ મૂર્ખ પુત્રોને બાળી નાખવા ઈચ્છે છે.શ્રીકૃષ્ણ,પોતાના ચૈતન્યસંબંધથી,કાળચક્રને,જગતચક્રને,અને યુગચક્રને,હંમેશાં ફેરવ્યા કરે છે.કાળ,મૃત્યુ એ સ્થાવર-જંગમરૂપ જગત,એ સર્વના શ્રીકૃષ્ણ જ નિયંતા છે,એ હું તમને સત્ય કહું છું.જેમ,ખેડૂત પોતાના વાવેલા ખેતરને કાપે છે તેમ,મહાયોગી શ્રીકૃષ્ણ સર્વ જગતના પાલક છે છતાં પોતે જ તેના સંહારના માટે કર્મો કરે છે.અને પોતાની માયાના યોગથી લોકોને મોહિત કરે છે,પરંતુ જે મનુષ્યો તે શ્રીકૃષ્ણને જ શરણે જાય છે તેઓ માયાથી મોહ પામતા નથી (15)
અધ્યાય-68-સમાપ્ત