અધ્યાય-૬૭-વ્યાસ તથા ગાંધારીનું આગમન
II वैशंपायन उवाच II दुर्योधने धार्तराष्ट्रे तद्वचो नाभिनन्दति I तुष्णिभूतेषु सर्वेषु समुत्तस्यर्नरर्षभा :II १ II
વૈશંપાયને કહ્યું-ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધને,જયારે તે વચનને અભિનંદન આપ્યું નહિ અને સર્વે મૌન ધારણ કરી રહ્યા,
ત્યારે સર્વ અને બીજા રાજાઓ ત્યાંથી ઉઠીને ચાલી નીકળ્યા.તેઓના ગયા પછી એકાંત થતાં ધૃતરાષ્ટ્ર રાજાએ,
સંજયને,પોતાનો,તટસ્થ રાજાઓનો અને પાંડવોનો નિશ્ચય પૂછવાનો આરંભ કર્યો.
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,આપણી સેનામાં જે સારરૂપ તથા તુચ્છ હોય તે તું મને કહે.વળી પાંડવોને પણ તું જાણે છે,
તો તેઓનું શું શ્રેષ્ઠ છે તે કહે.તું સિદ્ધાંતી,ધર્મ-અર્થમાં કુશળ,સર્વદર્શી અને બંને પક્ષના સારને જાણનારો છે
તેથી હું તને પૂછું છું કે-આ સંગ્રામમાં યુદ્ધ કરનારા કયા નાશ પામશે? તે સર્વ તું મને કહે (5)
સંજય બોલ્યો-હે રાજા,હું તમને એકાંતમાં કદી કંઈ પણ કહીશ નહિ,કારણકે તેમ કરવાથી મારામાં દોષદ્રષ્ટિ ઉત્પન્ન થશે માટે તમે પિતા વ્યાસને ને રાણી ગાંધારીને અહીં તેડાવો.તે બંને ધર્મજ્ઞ છે,નિપુણ છે ને નિશ્ચયને જાણનાર છે તેથી તે તમારી ઈર્ષાને દૂર કરશે,તે બંનેની સમક્ષ જ હું શ્રીકૃષ્ણ ને અર્જુનનો જે મત છે તે કહીશ.
સંજયે એ પ્રમાણે કહ્યું એટલે ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી વિદુરજી વ્યાસ ને ગાંધારીને બોલાવી લાવ્યા.પછી,સંજયનો અને ધૃતરાષ્ટ્રનો અભિપ્રાય જાણીને તેમનો સત્કાર કરીને વ્યાસ બોલ્યા કે-'હે સંજય,ધૃતરાષ્ટ્ર તને જેટલું પૂછે છે તેનો જવાબ તું તેને કહે કારણકે વાસુદેવ અને અર્જુનની,જે જે વાતો છે તે સઘળી તું યથાર્થ રીતે જાણે છે (10)
અધ્યાય-67-સમાપ્ત