અધ્યાય-૬૬-અર્જુનનો સંદેશો
II वैशंपायन उवाच II एवमुक्त्वा महाप्राज्ञो धृतराष्ट्रः सुयोधनम् I पुनरेव महाभाग: संजयं पर्यप्रुच्छत II १ II
વૈશંપાયને કહ્યું-મહાબુદ્ધિમાન ને મહાભાગ્યશાળી ધૃતરાષ્ટ્ર,દુર્યોધનને એ પ્રમાણે કહ્યા પછી ફરી સંજયને પૂછવા લાગ્યા કે-હે સંજય,હવે જે બાકી હોય તે અને શ્રીકૃષ્ણ બોલી રહ્યા પછી અર્જુને તને જે કહ્યું હોય તે તું મને કહે,મને કૌતુક થાય છે.
સંજયે કહ્યું-વાસુદેવના સાંભળતા જ અર્જુને મને કહ્યું કે-હે સંજય,ભીષ્મ પિતામહ,ધૃતરાષ્ટ્ર,દ્રોણ,કૃપ,કર્ણ,બાલહિક,
અશ્વસ્થામા,સોમદત્ત,શકુનિ,દુઃશાસન આદિ અને જે રાજાઓ કૌરવોનું પ્રિય કરવા આવ્યા હોય તેઓને તું મારાં વચનથી યથાયોગ્ય રીતે વંદન ને કુશળ પુછજે.અને રાજાઓની વચ્ચે,તે ક્રોધી,દુર્બુધ્ધિ,પાપાત્મા,મહાલોભી અને પાપીઓનું આશ્રયસ્થાન એવા રાજપુત્ર દુર્યોધનને તથા તેના મંત્રીઓને મારાં આ વચન સંભળાવજે.(10)
'જે યજ્ઞમાં બાણોની અથડામણથી ઉત્પન્ન થયેલા અગ્નિનો ધુમાડો નીકળે છે અને રથનાં પૈડાંઓની ગર્જનારૂપી મંત્રનાદ છે,તે મહાયુદ્ધરૂપી યજ્ઞમાં અસ્ત્રબળવડે આગળ ધસનારા ધનુષરૂપી સરવાથી,જે રીતે હોમ કરવામાં ન આવે,તે રીતે તમે સર્વ એકઠા મળીને લક્ષ્યપૂર્વક પ્રયત્ન કરો.જો યુધિષ્ઠિરને,તેમની ઈચ્છા પ્રમાણે ભાગ આપશો નહિ તો હું તીક્ષ્ણ બાણો વડે,ઘોડા,પાળાઓ,અને હાથીઓની સાથે તમને યમલોકમાં પહોંચાડીશ.'(14) અર્જુનના તે વચનો સાંભળીને,શ્રીકૃષ્ણને વંદન કરીને તેમની આજ્ઞા લઈને હું તરત જ ત્યાંથી નીકળી અહીં આવ્યો હતો.(15)
અધ્યાય-66-સમાપ્ત