અધ્યાય-૬૫-ધૃતરાષ્ટ્રનો દુર્યોધનને ઉપદેશ
II धृतराष्ट्र उवाच II दुर्योधन विजानीहि यत्वां वक्ष्यामि पुत्रक I उत्पथं मन्यसे मार्गमनभिज्ञ इवाध्वग II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-હે પુત્ર દુર્યોધન,હું તને જે કહું છું તે તું ધ્યાનમાં લે.જેમ,અજાણ્યો વટેમાર્ગુ અવળા રસ્તાને રસ્તો માની લે છે,તેમ,તું પણ અવળા માર્ગને માર્ગ માને છે.તું જે પાંચ પાંડવોના તેજને હરવાની ઈચ્છા રાખે છે,તે લોકોને ધારણ કરનારા પંચમહાભુતોના તેજને હરણ કરવા જેવી વાત છે.પરમ ધર્મને સેવનારા યુધિષ્ઠિરને તો તું મૃત્યુ પામ્યા વિના આ લોકમાં જીતી શકીશ નહિ.રણભૂમિમાં કાળ જેવા ભીમનો તું તિરસ્કાર કરે છે,એ જેમ,એકાદ ઝાડ પવનનો તિરસ્કાર કરે તેના જેવું જ છે.
જેમ,પર્વતોમાં શ્રેષ્ઠ મેરુ છે તેમ,શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ ગાંડીવધારી અર્જુન સામે કયો બુદ્ધિમાન પુરુષ યુદ્ધ કરવા તૈયાર થાય? જેમ,દેવેન્દ્ર વજ્ર છોડે છે તેમ શત્રુઓમાં બાણો છોડનારો ધૃષ્ટદ્યુમ્ન કોનો વિનાશ નહિ કરે?ને પાંડવોના હિતમાં તત્પર સાત્યકિ પણ તારી સેનાનો વિનાશ કરશે જ.ત્રણે લોકમાંપણ જેના સમાન કોઈ નથી તે શ્રીકૃષ્ણની સામે કયો બુદ્ધિમાન પુરુષ યુદ્ધ કરે?
તે કૃષ્ણને,એક તરફ સ્ત્રીઓ,જ્ઞાતિજનો,બાંધવો,આત્મા ને આ પૃથ્વી છે અને એક તરફ અર્જુન છે.અર્થાંત તેમને સર્વ કરતાં પણ અર્જુન અધિક પ્રિય છે.જ્યાં માનસિક નિગ્રહવાળો અર્જુન હોય ત્યાં શ્રીકૃષ્ણ પણ રહેવાના અને જે સૈન્યમાં શ્રીકૃષ્ણ હોય તે સૈન્ય પૃથ્વીને અસહ્ય થઇ પડશે.(10)
એટલા માટે તું હિતકારક વાત કહેનારા,સજ્જન સ્નેહીઓના કહેવા પ્રમાણે ચાલ અને વૃદ્ધ ભીષ્મ પિતામહના વચનોને સ્વીકાર.કૌરવોનું હિત જોનારો હું પણ જે કહું છું તે તું સાંભળ અને દ્રોણ,કૃપ,વિકર્ણ તથા બાલહીકને પણ તારે મારી જેમ જ માન આપવું જોઈએ.એ સર્વ ધર્મવેત્તાઓ છે અને સમાન સ્નેહવાળા છે.વિરાટનગરના યુદ્ધમાં તારા બંધુઓની સાથે તારું સૈન્ય,ભયભીત થઈને તારી આગળ જ ગાયો છોડીને નાસી છૂટ્યું હતું,અને તે એકલા અર્જુનની સાથે થયેલું તે મહા આશ્ચર્યકારક યુદ્ધ જ તેના તેજનું પૂરતું ઉદાહરણ છે.જો એકલા અર્જુને જ તેવું પરકામ કર્યું હોય તો પછી બધા ભાઈઓ એકઠા મળીને શું ન કરી શકે? માટે તું તેઓને તારા ભાઈઓ જાણીને અર્ધું રાજ્ય આપી તેમને માન આપ.(17)
અધ્યાય-65-સમાપ્ત