અધ્યાય-૬૪-વિદુરનો ઉપદેશ
II विदुर उवाच II शकुनीनाभिहार्थाय पाशं भूभावयोजयत I कश्विच्छाकुनिकस्तात पुर्ववामिति शुश्रुन II १ II
વિદુરે કહ્યું-હે તાત,અમે વૃદ્ધોની પાસેથી એક વાત સાંભળી છે.એક પારધીએ પક્ષીઓને પકડવા જમીન પર જાળ પાથરી હતી,કે જેમાં બે પક્ષીઓ એક સાથે ફસાઈ ગયાં,પણ તે પક્ષીઓ જાળને લઈને ઉડી ગયાં.પારધી તેની પાછળ દોડવા લાગ્યો,ત્યારે તેને કોઈ મુનિએ જોયો,ને તેને દોડવાનું કારણ પૂછ્યું.ત્યારે પારધીએ કહ્યું કે-'આ બંને પક્ષીઓ સાથે મળીને મારી જાળને લઇ જાય છે પરંતુ તે જ્યાં વિવાદ કરશે ત્યારે મારા તાબામાં આવી જશે' પછી,બન્યું પણ એવું જ.મૃત્યુથી સપડાયેલાં તે બંને પક્ષી પરસ્પર વિવાદ કરવા લાગ્યા અને લડાઈ કરીને જમીન પર પડ્યાં,ત્યારે પારધીએ તેમને પકડી લીધાં.
આ પ્રમાણે જે સંબંધીઓ ધનને માટે પરસ્પરમાં કલહ કરે છે તેઓ શત્રુને વશ થઇ જાય છે.સાથે ભોજન કરવું,સાથે વાતો કરવી,પરસ્પરના કુશળ પ્રશ્ન પૂછવા,એકબીજાનો સમાગમ કરવો-એ જ્ઞાતિજનોનાં કાર્યો છે,તેમનો વિરોધ કરવો યોગ્ય નથી.
જેઓ યોગ્ય સમયે વૃદ્ધોની સલાહ પ્રમાણે વર્તે છે,તેઓનો કોઈ પરાભવ કરી શકતું નથી.જેઓ સતત ધન મેળવીને પણ દીનની જેમ રહે હે,તેઓ પોતાની લક્ષ્મી શત્રુઓને સ્વાધીન કરે છે,એમ સમજવું.
હે કુરુવંશી,બીજું પણ એક ઉદાહરણ હું કહું છું,તે સાંભળ્યા પછી જે કલ્યાણ થાય તેમ તમે કરો.એક વખત અમે બ્રાહ્મણો ને ભીલોની સાથે ગંધમાદન પર્વત ગયા હતા ત્યારે એક નિર્જળ ખીણમાં એક ઘડો ભરાય તેટલું પીળા રંગનું મધ જોયું.તે મધ કુબેરને અત્યંત પ્રિય હતું ને સર્પો તેનું રક્ષણ કરતા હતા.આ મધ ખાવાથી મનુષ્ય અમર થાય છે,આંધળો દેખાતો થાય છે અને વૃદ્ધ તરુણ થાય છે,એવું અમને તે બ્રાહ્મણોએ કહ્યું.પછી,અમારી સાથે આવેલા ભીલો તે મધને લેવા ગયા તો તે વિષમ ખીણમાં પડીને મરણને શરણ થયા.આ જ પ્રમાણે તમારો પુત્ર દુર્યોધન પણ એકલો જ પૃથ્વીનું રાજ્ય ઈચ્છે છે.આ મહામોહને લીધે તે મધને જુએ છે પણ,મરણનું કારણ એવી ખીણને જોતો નથી.દુર્યોધન,અર્જુન સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખે છે પણ હું તેનામાં એ પ્રકારનું તેજ કે પરાક્રમ જોતો નથી.
અર્જુને એકલાએ જ રથમાં બેસી આખી પૃથ્વીનો વિજય કર્યો હતો,તેમજ વિરાટયુદ્ધમાં તેણે એકલાએ જ સર્વનો પરાભવ કર્યો હતો,ભીષ્મ,દ્રોણ કર્ણ આદિ પણ તેનાથી ત્રાસ પામી ભાગ્યા હતા,તેના તે સામર્થ્ય તરફ તમે દ્રષ્ટિ કરો.તે વીર અર્જુન તમારો અભિપ્રાય સમજાય ત્યાં સુધી જ ક્ષમા રાખી રહ્યો છે.પણ પછી ક્રોધે ભરાયેલો તે યુદ્ધમાં કોઈને બાકી રાખશે નહિ.હે ધૃતરાષ્ટ્ર,તમે યુધિષ્ઠિર સાથે સલાહ કરો,કારણકે યુદ્ધમાં કરતા બંને પક્ષોમાં બંને પક્ષનો જય થતો નથી.અર્થાંત એકનો નાશ તો થશે જ અને ગમે તેનો નાશ થાય તે પણ તમારો જ નાશ થયેલો ગણાશે.માટે તમે યુદ્ધનો વિચાર માંડી વાળો.(27)
અધ્યાય-64-સમાપ્ત