Jan 31, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-729

 

અધ્યાય-૬૩-દુર્યોધનની હઠ અને વિદુરનો ઉપદેશ 


II दुर्योधन उवाच II सदशानां मनुष्येषु सर्वेषां तुल्यजन्मनाम् I कथमेकांततस्तेषां पार्थानां न्यसे जयम् II १ II

દુર્યોધને કહ્યું-મનુષ્યોમાં સર્વે સમાન છે અને સમાન રીતે જન્મ ધારણ કરનારા છે,છતાં તમે કેવળ પાંડવોનો જ જય થશે,એમ કેમ માનો છો?અમે અને તેઓ વીર્ય,પરાક્રમ,વય,પ્રતિભા,શાસ્ત્ર,અસ્ત્ર,વીરસમૂહ,શીઘ્રતા અને કૌશલ્ય વડે સમાન છીએ,અમે સર્વ એક જાતિવાળા છીએ અને મનુષ્યયોનિમાં જ જન્મ્યા છીએ.છતાં તેઓ જ જીતશે એમ તમે કેમ માનો છો?

હું કંઈ તમારા,દ્રોણ,કૃપ આદિના પરાક્રમ ઉપર યુધ્ધનો આરંભ કરતો નથી,પણ હું,કર્ણ,ને દુઃશાસન એ ત્રણે સંગ્રામમાં તીવ્ર બાણો વડે તે પાંચે પાંડવોને મારીશું.પછી,હું પુષ્કળ દક્ષિણાવાળા વિવિધ પ્રકારના મહાયજ્ઞોથી યજન કરીશ.યુદ્ધમાં જયારે મારા યોદ્ધાઓ,હાથી ને રથથી વ્યાપ્ત શત્રુઓને પકડી લેશે ત્યારે પાંડવો ને કૃષ્ણ ગર્વ છોડી દેશે.(8)

વિદુરે કહ્યું-સિદ્ધાંતદર્શી વૃદ્ધ પુરુષો આ લોકમાં દમ (ઇન્દ્રિયનિગ્રહ)ને જ કલ્યાણકારી કહે છે.જે મનુષ્ય દમ આચરીને દાન,તપ,જ્ઞાન ને અધ્યયન કરે છે,તેનાં જ તે દાન-આદિ સફળ થાય છે ને ક્ષમા તથા મોક્ષ પણ તેને જ પ્રાપ્ત થાય છે.

ચારેય જાતિઓમાં ને ચારે આશ્રમોમાં દમ ને જ ઉત્તમ વ્રત કહ્યું છે.ઉદયના હેતુરૂપ દમથી યુક્ત પુરુષનાં લક્ષણ એ છે કે તેનામાં ક્ષમા,ધૃતિ,અહિંસા,સંત,સત્ય,આર્જવ,ઇન્દ્રિયજય,ધૈર્ય,માર્દવ,અચાપલ્ય,ઉદારતા,ક્રોધનો ત્યાગ,સંતોષ,અને શ્રદ્ધા-એટલા ગુણો હોય છે.આટલા ગુણો જેનામાં હોય તે મનુષ્ય દાંત કહેવાય છે.આવો મનુષ્ય,કામ,ક્રોધ,ગર્વ,ક્રોધ,ઈર્ષા,માન,શોક આદિનું સેવન કરતો નથી.તેનામાં અકુટિલતા,નિષ્કપટપણું,માનસિક શુદ્ધિ,નિર્લોભતા,અલ્પ ઈચ્છા,કામનાવિહીનતા,ગંભીરતા-આદિ હોય છે.


આવો સદાચારીણી,શીલસંપન્ન,શુદ્ધ ચિત્તવાળો અને આત્મવેત્તા જ્ઞાની મનુષ્ય જ આ લોકમાં સન્માન પામીને મરણ પછી સદગતિ પામે છે.જેને પ્રાણીઓથી ભય નથી ને પ્રાણીઓને જેનાથી ભય નથી તે પુરુષ શ્રેષ્ઠ પરિપક્વ બુદ્ધિવાળો ગણાય છે.

જે મનુષ્ય સર્વ પ્રાણીઓનું હિત કરે છે અને સર્વત્ર મિત્રભાવના રાખે છે તેનાથી લોકોને ત્રાસ થતો નથી,ને તે પોતે આત્મજ્ઞાનથી તૃપ્ત થઈને શાંતિ પામે છે.જે કેવળ મોક્ષમાર્ગનો જ આશ્રય કરે છે તેને માટે સ્વર્ગમાં તેજોમય લોકો તૈયાર થઇ રહે છે (24)

અધ્યાય-63-સમાપ્ત