Jan 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-727

 

અધ્યાય-૬૧-દુર્યોધનની આત્મશ્લાઘા 


II वैशंपायन उवाच II पितुरेतद्वचः श्रुत्वा धार्तराष्ट्रोत्यमर्षणः I आधाय विपुलं क्रोधं पुनरेवेदमब्रवीत् II १ II

વૈશંપાયને કહ્યું-પિતાનાં એ વચન સાંભળીને,મૂળથી જ મહાક્રોધી દુર્યોધન,અતિશય ક્રોધ ધારણ કરીને ફરીથી કહેવા લાગ્યો કે-

'હે મહારાજ,દેવોની સહાયતાવાળા પાંડવો જિતાવા અશક્ય છે એવો તમારો ભય દૂર થાઓ.પૂર્વે વ્યાસ,પરશુરામ ને નારદે મને જે વાત કહી હતી તે તમે સાંભળો.કામ,દ્વેષ,લોભ તથા દ્રોહના અભાવથી અને પદાર્થો તરફ ઉપેક્ષા કરવાથી જ દેવો દેવપણાને પામે છે,ને તે દેવો મનુષ્યની જેમ કામ,ક્રોધ લોભ ને દ્વેષથી કોઈ પણ કામ કરતા નથી.તમે કહે છો તેમ જો અગ્નિ,વાયુ,ધર્મ,ઇન્દ્ર ને અશ્વિનીકુમારો,ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરતા હોત તો પાંડવો કદી દુઃખ પામે જ નહિ.માટે તમારે દેવો તરફની એવી કોઈ ચિંતા કરવી નહિ.વળી,દેવો શમ,દમ વગેરે દૈવી ભાવોની નિત્ય ઈચ્છા રાખનારા હોય છે,છતાં,જો તે દેવોમાં કામનાના સંબંધથી દ્વેષ ને લોભ જોવામાં આવે તો વેદના પ્રમાણ પરથી હું તમને કહું છું કે-તે કામાદિના સંબંધવાળાઓનું કરેલું સફળ થશે નહિ (8)

તમે અગ્નિના માટે કહ્યું,પણ તે અગ્નિ જો સર્વને બાળવાની ઈચ્છાથી ચોમેર વ્યાપી જશે તો હું તેને અભિમંત્રિત કરીશ તો તે શાંત થઇ જશે.તમે કહ્યું કે દેવો ઉત્તમ તેજવાળા છે તો મારું પણ દેવો કરતાં અધિક તેજ છે તેમ તમે જાણો.હું લોકોના જોતાં જ ચીરાતી પૃથ્વીને,મંત્રથી સ્થિર કરી શકું તેમ છું,વાયુને શાંત કરી શકું તેવો છું.મેં થંભાવેલા જળ પરથી રથ ને પાળાઓ ચાલ્યા જાય છે.હું દૈવી તથા આસુરી પ્રભાવોને પ્રવર્તાવનારો છું.હું જયારે કોઈએક કાર્યને માટે અક્ષૌહિણી સેના લઈને જાઉં છું,ત્યારે હું જ્યાં જ્યાં જવાની ઈચ્છા કરું ત્યાં ત્યાં મારા ઘોડાઓ જઈ શકે છે.(15)


મારા દેશમાં સર્પ-આદિ ભયંકર પ્રાણીઓ રહેતાં નથી અને બીજાં ભયંકર પ્રાણીઓ,મારા મંત્રથી રક્ષણ કરાયેલાં પ્રાણીઓની હિંસા કરી શકતાં નથી.મારા રાજ્યમાં અતિવૃષ્ટિ,અનાવૃષ્ટિ,તીડ,ઉંદર,આદિ છ પીડાઓ નથી.વાયુ,અગ્નિ આદિ દેવો પણ મેં જેઓનો દ્વેષ કર્યો હોય તેમનું રક્ષણ કરી શકતા નથી.તેઓ જો રક્ષણ કરવા સમર્થ હોત તો તે પાંડવો તેર વર્ષ સુધી દુઃખ પામત નહિ.આ હું તમને સત્ય કહું છું,કે દેવો,ગંધર્વો,અસુરો કે રાક્ષસો મારા શત્રુનું રક્ષણ કરવા સમર્થ નથી.(20)


હે રાજન,હું 'અમુક થશે' એમ કહું તો તે પૂર્વે કદી ઉલ્ટું થયું નથી,અને તેથી લોકો મને સત્યવાણીવાળો જાણે છે.મારુ માહાત્મ્ય લોકોમાં પ્રત્યક્ષ છે અને દિશાઓમાં પ્રખ્યાત છે.તે મેં તમને ધૈર્ય આપવા કહ્યું છે,કંઈ મારા વખાણને માટે કહ્યું નથી.મેં પૂર્વે કદી મારા વખાણ કર્યા નથી કારણકે પોતાના વખાણ કરવા એ દુષ્ટોનું આચરણ ગણાય છે.પાંડવો,મત્સ્યો,કેકયો,પાંચાલો,

સાત્યકિ ને કૃષ્ણને મેં જીત્યા છે એમ તમે સાંભળશો.પાંડવો પરિવાર સાથે નાશ પામશે.મારી ઉત્તમ બુદ્ધિ,

ઉત્તમ તેજ,ઉત્કૃષ્ટ પરાક્રમ,શ્રેષ્ઠ વિદ્યા અને ઉત્તમયોગ એ સર્વ તેઓના કરતાં અધિક જ છે.

ભીષ્મ,દ્રોણ,કૃપ,શલ્ય અને શલ -એ સર્વે અસ્ત્રવિદ્યામાં જે કંઈ જાણે છે તે સર્વ મારામાં પણ છે' 

ત્યારે દુર્યોધનની વાણી સાંભળ્યા છતાં,પણ ધૃતરાષ્ટ્ર,સંજયને ફરીથી અર્જુન સંબંધી પૂછવા લાગ્યો.(29)

અધ્યાય-61-સમાપ્ત