અધ્યાય-૬૦-ધૃતરાષ્ટ્રનું વિવેચન
II वैशंपायन उवाच II संजयस्य वचः श्रुत्वा प्रज्ञाचक्षुर्जनेश्वरः I ततः संख्यातुमारेभे तद्वचो गुणदोषतः II १ II
વૈશંપાયને કહ્યું-સંજયનું કહેવું સાંભળીને,અંધરાજા ધૃતરાષ્ટ્ર,તે વચનના ગુણદોષની ગણના કરવા લાગ્યો.વિચક્ષણ ને પોતાના પુત્રોના વિજયની કામનાવાળા ધૃતરાષ્ટ્રે પોતાના બુધ્ધિબળથી,ગુણદોષની યથાયોગ્ય સૂક્ષ્મતાથી ગણના કરીને બંને પક્ષના બળાબળનો નિશ્ચય કર્યો.પછી,તેણે શક્તિ સંબંધી વિચાર કર્યો અને તેમાં પાંડવોને દૈવી તથા માનુષી શક્તિથી અને તેજથી યુક્ત જાણીને અને કૌરવોને અતિ અલ્પ શક્તિવાળા જાણીને તેણે દુર્યોધનને કહ્યું કે-'હે દુર્યોધન,મારી આ ચિંતા કદી પણ શાંત થતી નથી,હું જે કહું છું તે અનુમાનથી નહિ પણ સાચા અનુભવથી કહું છું,એમ મારુ માનવું છે.
સર્વ પ્રાણીઓ પોતાના પર ઉપકાર કરનારા પર સ્નેહ કરે છે અને શક્તિ પ્રમાણે તેઓનું પ્રિય ને હિત પણ કરે છે,અને તેથી જ આ સંગ્રામમાં,અગ્નિ(દેવ),ખાંડવવનમાં અર્જુને કરેલા ઉપકારનું સ્મરણ કરીને તેને સહાયકર્તા થશે.વળી પાંડવો જેઓંથી ઉત્પન્ન થયા છે તે ધર્મ,વાયુ વગેરે દેવો પણ પાંડવોના આમંત્રણથી તેઓને સહાય કરવા આવશે.પાંડવોનું રક્ષણ કરવાની ઈચ્છાવાળા તે દેવો વજ્ર જેવો ક્રોધ ધારણ કરશે.ત્યારે તેમની સાથે રહેલાઓ,તે નરવ્યાઘ્ર પાંડવો સામે કોઈ જોઈ પણ શકશે નહિ.(11)
જે અર્જુન પાસે ગાંડીવ ને દિવ્ય બાણોથી પૂર્ણ બે ભાથાંઓ છે,જેનો દિવ્ય વાનરવાળો ને તથા નિઃસંગ ધુમાડાની ગતિ જેવો (રથની પર)ધ્વજ છે,ને પૃથ્વીમાં જેના જેવો બીજો કોઈ રથ નથી તેવો અતિ દિવ્ય એવો રથ છે કે જે રથનો ગડગડાટ જયારે મહામેઘના જેવો સાંભળવામાં આવે છે ત્યારે શત્રુઓમાં ભય ઉત્પન્ન થાય છે.વળી,લોકો જે અર્જુનને અમાનુષિક પરાક્રમવાળો ને દેવોનો પણ પરાજય કરે તેવો માને છે.જે અર્જુન,પલકારા જેટલા સમયમાં પાંચસો બાણો ભાથામાંથી કાઢે છે,ને તેને ધનુષ પર ચડાવી ફેંકે છે,ત્યારે કોઈની દ્રષ્ટિ તે તરફ કામ કરી શકતી નથી.આવો અર્જુન જયારે યુદ્ધ કરવા ઉભો હોય ત્યારે અમાનુષ બળવાળા રાજાઓ પણ તેનો પરાજય કરી શકે નહિ,એમ,ભીષ્મ,દ્રોણ,કૃપ,અશ્વસ્થામા,શલ્ય-આદિ કહે છે.
જે એક જ વેગથી પાંચસો બાણો ફેંકે છે અને જે બાહુબળમાં સહસ્ત્રાર્જુનની સમાન છે,તે મહેન્દ્ર ને ઉપેન્દ્રના જેવા પરાક્રમવાળો મહાધનુર્ધારી અર્જુન,આ મહાસંગ્રામની ભીડમાં સર્વનો સંહાર વાળતો હોય તેમ હું જોઉં છું.
હે દુર્યોધન,આ પ્રમાણે હંમેશાં વિચાર કરતાં અને કૌરવોના ભલાની ચિંતા કરતાં મને નિંદ્રા આવતી નથી,ને સુખ થતું નથી.અત્યારે કૌરવોના મહાન ક્ષયનો સમય આવી લાગ્યો છે ત્યારે આ કલહનો અંત લાવવો હોય તો શાંતિ વિના બીજો કોઈ ઉપાય નથી,
મને તો પાંડવોની સાથે સલાહ કરવી ગમે છે,વિરોધ ગમતો નથી,કેમ કે હું તેમને અધિક શક્તિવાળા માનું છું (23)
અધ્યાય-60-સમાપ્ત