અધ્યાય-૫૯-શ્રીકૃષ્ણનો સંદેશો
II धृतराष्ट्र उवाच II यद्व्रुतां महात्मानौ वासुदेवधनंजयौ I तन्मे ब्रुहि महाप्राज्ञ शुश्रूषे वचनं तव II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે મહાપ્રાજ્ઞ,મહાત્મા કૃષ્ણ તથા અર્જુને જે કહ્યું હોય તે મને સાંભળવાની ઈચ્છા છે.
સંજય બોલ્યો-હે રાજન,હું જયારે તે બે નરદેવોને તમારો સંદેશો કહેવા વિનયયુક્ત થઈને બે હાથ જોડીને તેમના અંતઃપુરમાં દાખલ થયો ત્યારે તે અંતઃપુરમાં શ્રીકૃષ્ણ,અર્જુન,દ્રૌપદી અને સત્યભામા બેઠેલાં હતાં.એ સ્થાનમાં અભિમન્યુ,નકુળ કે સહદેવ પણ પ્રવેશ કરતા નહિ.શ્રીકૃષ્ણ અને અર્જુને ચંદનનો અંગરાગ,પુષ્પની માળો અને ઉત્તમ વસ્ત્રો તથા દિવ્ય અલંકારો ધારણ કરેલા હતા.સુવર્ણના મોટા આસન પર તેઓ બેઠેલા હતા.મને જોઈને અર્જુને સુવર્ણનો બાજઠ મારા તરફ ખસેડ્યો,પરંતુ મેં તેનો બે હાથથી સ્પર્શ કરીને પૃથ્વી પર જ બેઠો.મને અર્જુનના સુંદર પગોના તળિયાની ઉર્ધ્વરેખા અને બીજા સુંદર લક્ષણો દેખાણા હતા.તે બંને ઇન્દ્ર તથા વિષ્ણુના સમાન છે,પણ મંદ બુદ્ધિવાળો દુર્યોધન દ્રોણ અને ભીષ્મના આશ્રયથી અને કર્ણના બકવાદથી તેઓના સ્વરૂપને ઓળખાતો નથી.આ બંને જેની આજ્ઞામાં રહેલા છે તે ધર્મરાજાનો માનસિક સંકલ્પ સિદ્ધ થશે,એવો મને તે વખતે નિશ્ચય થયો હતો.(12)
અન્ન,પાન વગેરેથી અને અન્ય પ્રકારે મારો સત્કાર થયા પછી,મેં સ્વસ્થ બેસીને તે બંનેને અહીંનો સંદેશો કહ્યો.ત્યારે અર્જુને,
શ્રીકૃષ્ણ તરફ વિનયપૂર્વક જોઈને તેમને ઉત્તર આપવાની ઈચ્છા દર્શાવી.ત્યારે વક્તાઓમાં શ્રેષ્ઠ,એવા તે,આનંદકારક,બોલવા યોગ્ય,ધૃતરાષ્ટ્રના પુત્રોને ત્રાસ આપનારી,આરંભમાં કોમળ પણ પાછળથી દારુણ વાણીમાં મને કહેવા લાગ્યા કે-
'હે સંજય,તું ભીષ્મ અને દ્રોણના સાંભળતા ધૃતરાષ્ટ્રને આ સંદેશો કહેજે કે-તમે અનેક પ્રકારના યજ્ઞોથી યજન કરો,બ્રાહ્મણોને દાન આપો અને પુત્રો તથા સ્ત્રીઓની સાથે આનંદ ભોગવી લો,કારણકે તમારા પર મોટો ભય આવી પડ્યો છે.યુધિષ્ઠિર વિજયને માટે ઉતાવળ કરે છે.જયારે,હું દૂર હતો ત્યારે દ્રૌપદીએ મને 'હે ગોવિંદ' કહીને બૂમ મારી હતી,એ તેનું ઋણ ચઢી ગયું છે અને તે હજી હૃદયમાંથી દૂર થતું નથી,અર્થાંત વસ્ત્રહરણ વખતે દ્રૌપદીએ ગોવિંદ નામથી વિલાપ કર્યો હતો,તે વિલાપનું ઋણ,માત્ર વસ્ત્ર આપવાથી ફીટયું નથી પણ તે હૃદયમાં રહેલું છે અને તે કૌરવોના વિનાશ કર્યા વિના મીટવાનું નથી.(22)
જેની પાસે ગાંડીવ છે અને જેને મારો સાથ છે તે અર્જુનની જોડે તમારે વેર થયું છે,જે કાળથી ઘેરાયેલો ન હોય,તેવો કયો પુરુષ મારી સહાયતાવાળા અર્જુનની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા કરે?સાક્ષાત ઇન્દ્ર પણ ઈચ્છા કરે નહિ.સંગ્રામમાં જે અર્જુનને જીતે,તે બે બાહુથી પૃથ્વીને ઉપાડી લે,ક્રોધ કરીને પ્રજાને બાળી મૂકે ને દેવોને સ્વર્ગમાંથી ગબડાવી મૂકે એમ જ સમજવું.
દેવ-દૈત્ય,મનુષ્ય-યક્ષ,ગંધર્વ અને સર્પોમાં હું એવા કોઈને જોતો નથી કે જે સંગ્રામમાં અર્જુન સામે ચડાઈ કરે.વિરાટમાં તેણે એકલાએ કરેલું અદભુત યુદ્ધ આનું પૂરું ઉદાહરણ છે.શારીરિક બળ,માનસિક ઉત્સાહ,શૌર્ય,કાર્યને ઝટ સમજી લેવાની શક્તિ,વેગથી બાણો છોડવામાં હાથની ચપળતા,ખેદનો ત્યાગ અને ધૈર્ય એ ગુણો,અર્જુન સિવાય બીજા કોઈમાં નથી.(31)
અધ્યાય-59-સમાપ્ત