અધ્યાય-૫૮-ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનનો સંવાદ
II धृतराष्ट्र उवाच II क्षत्रतेज ब्रह्मचारी कौमारादपि पाण्डवः I तेन संयुगमेष्यन्ति मंदा विलपतो मम II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-યુધિષ્ઠિર બાળપણથી જ ક્ષાત્રતેજથી યુક્ત તથા બ્રહ્મચારી છે.હું વિલાપ કરું છું છતાં તે યુધિષ્ઠિરની સાથે મારા મૂર્ખ પુત્રો યુદ્ધ કરવા તૈયાર થયા છે.ઓ દુર્યોધન,તું યુદ્ધ કરવાનું માંડી વાળ.વિદ્વાનો કોઈ પણ અવસ્થામાં યુદ્ધને વખાણતા નથી.તારા મંત્રીઓની સાથે તને આજીવિકા માટે અર્ધી પૃથ્વી પૂરતી છે.માટે તું પાંડવોને યથાયોગ્ય ભાગ આપી દે.તું પાંડવો સાથે શાંતિ રાખવા ઈચ્છે-એ વાતને જ સર્વે કૌરવો ધર્મયુક્ત માને છે.તું તારી પોતાની સેના તરફ દ્રષ્ટિ કર,તે તારો વિનાશ સૂચવે છે.પણ તું મોહને લીધે સમજતો નથી.હું પોતે યુદ્ધને ઈચ્છતો નથી,બાલહિક યુદ્ધને ઇચ્છતા નથી,તેમ જ ભીષ્મ,દ્રોણ,અશ્વસ્થામા,સંજય,સોમદત્ત,શલ,કૃપ,સત્યવ્રત,પુરુમિત્ર,જાય ને ભૂરિશ્રવા એ સર્વે પણ યુદ્ધની ઈચ્છા રાખતા નથી.(7)ટુંકાણમાં શત્રુઓથી પીડાયેલા કૌરવો જેઓને આશ્રયે રહે,તે સર્વ યુદ્ધને ઇચ્છતા નથી તો એ વાત તને પણ પસંદ પડો.આ યુદ્ધ તું પોતે પણ પોતાની ઈચ્છાથી નહિ પણ,કર્ણ,દુઃશાસન અને શકુનિ જ તારી પાસે કરાવે છે (9)
દુર્યોધન બોલ્યો-મેં જે રાજાઓને અહીં બોલાવ્યા છે તે,તમે,ને તમે કહ્યા તે ભીષ્મ,દ્રોણ આદિના પર ભાર રાખીને બોલાવ્યા નથી.હું અને કર્ણ એ બંને આ રણયજ્ઞ માંડ્યો છે ને યુધિષ્ઠિરને એ યજ્ઞમાં પશુ તરીકે નિમીને અમે બંનેએ યજ્ઞ દીક્ષા ગ્રહણ કરી છે.અમે બંને આત્મયજ્ઞ વડે રણમાં યજન કરી,વિજય મેળવી,રાજ્યશ્રી સંપન્ન થઈને પાછા આવીશું.હે પિતા,હું,કર્ણ અને દુઃશાસન એ ત્રણ જણા પાંડવોને યુદ્ધમાં મારીશું.કાં તો હું પાંડવોને મારીને આ પૃથ્વી પર રાજ્ય કરીશ અથવા તે મને મારીને આ પૃથ્વી પર રાજ્ય કરશે.મેં જીવિત,રાજ્ય,ધન સર્વેનો ત્યાગ કર્યો છે હું હવે એ પાંડવોની સાથે કદી પણ વાસ કરીશ નહિ,
હું સોયની તીણી અણીથી વીંધાય તેટલી ભૂમિ પણ પાંડવોને આપીશ નહિ (18)
ધૃતરાષ્ટ્ર બોલ્યા-તું યમલોકમાં જવા તૈયાર થયો છે તો તારી પાછળ આ સર્વે પણ પણ યમલોકમાં જશે,હું તમારા સર્વેનો શોક કરું છું.જેમ,વાઘો,રુરુ જાતના મૃગના ટોળામાંથી ઉત્તમ મૃગોને મારી નાખે,તેમ,પાંડવો એકઠા થઈને તમારા ઉત્તમ યોદ્ધાઓને મારી નાખશે.મને સેનાસંબંધી કંઈ ઉલટું જ ચિહ્નન દેખાય છે.તમારી સેનાને,સાત્યકિ પોતાના કબ્જામાં લઈને,અસ્તવ્યસ્ત કરીને મર્દન કરી નાખી હોય એવું મને દેખાય છે.યુધિષ્ઠિરના સંપૂર્ણ બળને અધિક પૂર્ણ કરતો તે સાત્યકિ,બાણોની વૃષ્ટિ કરતો યુદ્ધમાં ઉભો રહેશે.મોખરા પર ભીમસેન ઉભો રહેશે ને સર્વ યોદ્ધાઓ,નિર્ભય ઉભા રહેલા તે ભીમનો આશ્રય લેશે.ભીમસેનના ઝપાટાથી તું ડરી જઈશ ત્યારે મારા વચનોને યાદ કરીશ.અગ્નિમાં નાખેલી આહુતિની જેમ,ભીમસેનથી,રથ,ઘોડા ને હાથીવાળું તારું સૈન્ય બળેલું જોઇશ ત્યારે તું મારા વચનને યાદ કરીશ.તમે જો પાંડવોની સાથે સલાહસંપ નહિ કરો તો તમારા પર મોટો ભય આવી પડશે ને તમે ભીમસેનની ગદાથી હણાયા પછી જ શાંતિ પામશો.(28)
ધૃતરાષ્ટ,આ પ્રમાણે સર્વે રાજાઓ ને દુર્યોધનને કહીને ફરીથી સંજયને પૂછવા લાગ્યા (29)
અધ્યાય-58-સમાપ્ત