Jan 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-723

 

અધ્યાય-૫૭-સંજયનું ભાષણ-પાંડવ પક્ષના યોદ્ધાઓનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II कांस्तत्र संजयापश्यः प्रित्यर्थेन समागतान् I ये योत्स्यते पाण्डवार्थे पुत्रस्य मम वाहिनीं II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,પાંડવોને માટે મારા પુત્રની સેના સાથે યુદ્ધ કરે એવા કયા કયા યોદ્ધાઓને તેં ત્યાં જોયા હતા?

સંજય બોલ્યો-અંધક અને વૃષ્ણિઓમાં મુખ્ય શ્રીકૃષ્ણને મેં ત્યાં આવેલા જોયા.ચેકિતાન અને યુયુધાન સાત્યકિ એ બંને મહારથી,જુદીજુદી એક અક્ષૌહિણી સેના લઈને આવ્યા છે.પંચાલરાજ દ્રુપદ,સત્યજિત,ધૃષ્ટદ્યુમ્ન વગેરે પોતાના દશ વીર પુત્રો સાથે એક અક્ષૌહિણી સેનાથી વીંટાઇને શિખંડીના રક્ષણ હેઠળ પાંડવોનું માન વધારવા આવી પહોંચ્યા છે.

વિરાટરાજા,પોતાના બે પુત્રો શંખ ને ઉત્તર ને મદીરાક્ષ તથા સૂર્યદત્ત વગેરે વીરો સાથે એક અક્ષૌહિણી સેના સાથે યુધિષ્ઠિર પાસે આવ્યા છે.મગધદેશના રાજા જરાસંઘનો પુત્ર સહદેવ તથા ચેદીદેશનો રાજા ધૃષ્ટકેતુ એ બંને જુદીજુદી એક અક્ષૌહિણી સેના લઈને આવ્યા છે.પાંચ કેકય ભાઈઓ એક અક્ષૌહિણી સેના સાથે આવ્યા છે.જે માનુષી,દૈવી,ગાંધર્વ તથા આસુરી વ્યુહને જાણે છે તે મહારથી ધૃષ્ટદ્યુમ્ન પાંડવોની સેનાનો સેનાપતિ છે.ભીષ્મની સામે યુદ્ધ કરવા શિખંડી અને તેના સહાયક તરીકે મત્સ્યદેશના યોદ્ધાઓ સાથે વિરાટરાજા નિમાયા છે.યુધિષ્ઠિરના ભાગે (યુદ્ધ કરવા) મદ્ર દેશના રાજા શલ્યને ઠરાવ્યા છે.

જોકે ભાગ ઠરાવતી વખતે કેટલાકે કહ્યું હતું કે-'એ બંને સમાન નથી' 


સો કૌરવો સાથે દુર્યોધન અને પૂર્વ-દક્ષિણના રાજાઓ,ભીમસેનના ભાગમાં રાખ્યા છે.કર્ણ,વિકર્ણ,અશ્વસ્થામા,જયદ્રથ અને જે રાજાઓ ન જીતી શકાય તેવા છે તે સર્વ,અર્જુને પોતાના ભાગમાં રાખ્યા છે.કેકયોના ભાગમાં,માલવો,શાલ્વકો ને સંશપ્તકો આવ્યા છે.દુર્યોધન ને દુઃશાસનના ના સર્વ પુત્રો તથા બૃહદબલ રાજા એ સર્વને અભિમન્યુએ પોતાના ભાગમાં રાખ્યા છે.

દ્રૌપદીના પુત્રો ધૃષ્ટદ્યુમ્નને આગળ રાખીને દ્રોણની સામે ચઢાઈ કરશે.ચેકિતાન,સોમદત્તની સામે અને સાત્યકિ,કૃતવર્માની સામે યુદ્ધ કરવાની ઈચ્છા રાખે છે.સહદેવે,શકુનિને અને નકુળે,સારસ્વત તથા ઉલુકને પોતાના ભાગમાં રાખ્યા છે.આ પ્રમાણે પાંડવોએ તમારા સૈન્યના ભાગો ઠરાવીને પોતાના સૈન્યના વિભાગો પાડ્યા છે,માટે હવે તમારે જે કરવું હોય તે વિલંબ કર્યા વિના કરો.(25)


ધૃતરાષ્ટ્ર બોલ્યા-દુષ્ટ દ્યુત રમાનારા મારા સર્વે મૂર્ખ પુત્રો હવે રહેવાના જ નથી કારણકે તેમને ભીમની સામે યુદ્ધ કરવાનું આવ્યું છે.તે પાંડવોથી અમારી સેનાને નાસભાગ કરતી હું માનું છે તેમની વહારે કોણ ચડશે? તે કહેલા સર્વ અલૌકિક વીરોની સાથે,

હે સંજય,હું પોકાર કરીને કહું છું છતાં મારો દુષ્ટ પુત્ર યુદ્ધ કરવાની ઈચ્છા રાખે છે.

દુર્યોધન બોલ્યો-અમે બંને એક જ જાતિના ને એક જ ભૂમિ પર વસનારા છીએ,છતાં તમે એકલા પાંડવોનો જ જય શાથી માનો  છો? હે તાત,ભીષ્મ,દ્રોણ,કૃપ,કર્ણ,જયદ્રથ,સોમદત્ત અને અશ્વસ્થામા એ સર્વે મહાધનુર્ધારીઓ છે,તેઓને દેવો સહિત ઇન્દ્ર પણ જીતી શકવા સમર્થ નથી.ત્યારે પાંડવો તો ક્યાંથી જીતી શકે? તે પાંડવો મારા યોદ્ધાઓની સામે જોવા પણ સમર્થ નથી.મારા મોટા રથસમૂહ તથા બાણોની જાળથી તે પાંચાલો પાંડવોની સાથે નાસી છૂટશે.(42)


ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,આ મારો પુત્ર ગાંડાની જેમ બડબડાટ કરે છે પરંતુ એ યુદ્ધમાં,યુધિષ્ઠિરને પણ જીતવા સમર્થ નથી.

પાંડવો અને તેમના પુત્રોના સામર્થ્યને ભીષ્મ,યથાર્થપણે જાણે છે,ને જેથી તેમની સામે લડવાની વાતને એમણે પસંદ કરી નહોતી.

હે સંજય તું મને ફરીથી પાંડવો શું કરે છે તે કહે.તે પાંડવોને કોણ વધુ ઉત્તેજિત (પ્રદીપ્ત) કરે છે? (46)

સંજયે કહ્યું-ધૃષ્ટદ્યુમ્ન સર્વદા પાંડવોને લાડવા માટે ઉત્તેજિત કરે છે તે તેઓને કહે છે કે-'દુર્યોધને જેટલા રાજાઓ એકઠા કર્યા હશે તે સર્વને અને ભીષ્મ,દ્રોણ,કૃપ,કર્ણ,અશ્વસ્થામા,શલ્ય ને દુર્યોધનને હું રોકી રાખવા સમર્થ છું'

ત્યારે યુધિષ્ઠિરે તેને કહ્યું હતું કે-'પાંચાલો ને પાંડવો તારા ધૈર્ય તથા પરાક્રમ પર આધાર રાખીને રહેલા છે,માટે તું અમને સંગ્રામમાંથી પાર પહોંચાડ.કૌરવોને જીતવા તું એકલો જ સમર્થ ને પૂર્ણ છે.યુદ્ધની ઈચ્છાવાળા કૌરવો આગળ આવે ત્યારે તું જે કંઈ કરીશ તેમાં અમારું કલ્યાણ જ છે.તું શુરો,પરાક્રમી,ને ભયાતુર થયેલાઓનો રક્ષક છે એમાં મને સંદેહ નથી (56)


ત્યારે ધૃષ્ટદ્યુમ્ને મને કહ્યું હતું કે-'હે સંજય તું અહીંથી ઝટ જા અને ત્યાં સર્વને કહેજે કે દેવરક્ષિત અર્જુન તમારો વધ ન કરે એટલા માટે તમે યુધિષ્ઠિર સાથે સુલેહ શાંતિથી જ વર્તો ને તત્કાલ યુધિષ્ઠિરને રાજ્ય આપો.અર્જુન જેવો યોદ્ધો આ પૃથ્વી પર બીજો કોઈ નથી.ગાંડીવધારી અર્જુનનો રથ દેવોથી સુરક્ષિત છે અને તે મનુષ્યથી જીતાય તેવો નથી,માટે તમે યુદ્ધ કરવાની વાત મનમાં લાવશો નહિ (62)

અધ્યાય-57-સમાપ્ત