Jan 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-722

 

અધ્યાય-૫૬-સંજયનું ભાષણ-પાંડવોના રથાદિનું વર્ણન 


 II दुर्योधन उवाच II अक्षौहिणीः सप्तलब्ध्वा राजाभिः सह संजय I किंस्विदिच्छति कौन्तेयो युध्दःप्रेप्सुर्युधिष्ठिरः II १ II

દુર્યોધને પૂછ્યું-હે સંજય,યુદ્ધની ઈચ્છાવાળા યુધિષ્ઠિર,રાજાઓની સાથે સાત અક્ષૌહિણી સેના મેળવી શું ઈચ્છા રાખે છે?

સંજય બોલ્યો-હે રાજા,યુદ્ધની ઈચ્છાવાળા યુધિષ્ઠિર અતિશય આનંદમાં રહે છે.અર્જુન,ભીમ,નકુળ તથા સહદેવ પણ નિર્ભય જણાય છે.અર્જુને અસ્ત્રના મંત્રોની અસર જાણવાની ઈચ્છાથી સર્વ દિશાઓને પ્રકાશિત કરનારો પોતાનો રથ જોડ્યો હતો.કવચ પહેરીને તૈયાર થયેલા અર્જુને સર્વ તરફનો વિચાર કરીને આનંદ પામતાં મને કહ્યું કે-'હે સંજય,તું અમારું આ પ્રાથમિક ચિહ્નન જો,અમે યુદ્ધમાં જીતીશું'

દુર્યોધન બૉંલ્યો-હે સંજય,તું માત્ર,પાસાઓથી હારી ગયેલા પાંડવોની પ્રસંશા કરે છે ને તેમને અભિનંદન આપે છે,

પણ કહે કે અર્જુને,રથને કેવા ઘોડાઓ જોડ્યા છે અને તેના ધ્વજો કેવા છે?(6)

સંજય બોલ્યો-હે રાજા,વિશ્વકર્મા,ઇન્દ્ર,ત્વષ્ટા અને પ્રજાપતિ-એ સર્વેએ અર્જુનના રથ પર શાશ્વત અનેક ચિત્રોની અને રૂપોની રચના કરેલ છે.વળી,ભીમસેનના સંતોષને માટે વાયુનંદન હનુમાન પણ તે જ રથની ધજા પર પોતાની પ્રતિમાને સ્થાપન કરેલ છે..

તે ધ્વજ,સર્વ દિશાઓમાં ઉપર તથા બાજુઓમાં એક યોજનના અંતરને રોકી રહ્યો છે,અને તેમાં વિશ્વકર્માએ એવી માયા કરેલી છે કે તે ધ્વજ વૃક્ષોથી વીંટાઈ જવા છતાં ક્યાંય અટકી પડતો નથી.ઇંદ્રધનુષ્યનાં રંગોની જેમ તેનું રૂપ અનેક પ્રકારનું જણાય છે.

જેમ,અગ્નિનો ધુમાડો,તૈજસ રૂપ ધારણ કરીને આકાશને ઢાંકી દેતો ઉપર ચડે છે અને તેનો કશાનેય ભાર લાગતો નથી,તેમ,

વિશ્વકર્માએ એ ધ્વજનું નિર્માણ કર્યું છે,તે ધ્વજનો રથને ભાર લાગતો નથી,કે તેને લીધે રથમાં પેસતાં અટકાવ થતો નથી.


અર્જુનના તે રથને ચિત્રરથ ગંધર્વે આપેલ શ્વેત રંગના,વાયુના જેવા વેગવાળા ઉત્તમ દિવ્ય ઘોડાઓ જોડેલા છે.તે ઘોડાઓની ગતિ,પૃથ્વી,આકાશ કે સ્વર્ગમાં ક્યાંયે અટકતી નથી,ને પૂર્વે આપેલ વરદાન પ્રમાણે એ ઘોડાઓમાંથી જેમ જેમ કોઈ ઘોડાઓ હણાય છે તો તેમ તેમ નવા ઘોડાઓ ઉત્પન્ન થઈને તેમની સંખ્યા પુરા સો ની જ રહે છે.(13) યુધિષ્ઠિર,ભીમ,સહદેવ અને નકુળના રથને પણ અર્જુને પ્રસન્ન થઈને આપેલા વિવિધ રંગી ઘોડાઓ વહન કરે છે કે અર્જુનના ઘોડાઓ કરતાં પણ શ્રેષ્ઠ જણાય છે.વળી,દેવોના આપેલા ઊંચા ઉત્તમ ઘોડાઓ સુભદ્રાના તથા દ્રૌપદીના કુમારોને વહન કરે છે(17)

અધ્યાય-56-સમાપ્ત