હે રાજન,ભીષ્મ,દ્રોણ,કૃપ,અશ્વસ્થામા,કર્ણ,ભૂરિશ્રવા,શલ્ય,જયદ્રથ આદિ સર્વમાંનો એક એક પણ પાંડવોને મારવા સમર્થ છે ત્યારે એકઠા મળીને તો તેઓ એક ક્ષણમાં જ તેમને યમલોકમાં પહોંચાડી દેશે.રાજાઓની આ સમગ્ર સેના,એકલા અર્જુનને જ જીતી શકશે નહિ-એવું જે આપને લાગે છે તેનો હેતુ મને સમજાતો નથી.ગંગાપુત્ર ભીષ્મ દેવોને માટે પણ દુઃસહ છે,તેમનો વધ કરનારો મને કોઈ પણ જણાતો નથી.વળી,તેમને તેમના પિતા શાંતનુએ વરદાન આપેલું છે કે-'તારી ઈચ્છા વિના તારું મરણ થશે નહિ' બ્રહ્મર્ષિ ભરદ્વાજથી દ્રૌણીમાં દ્રોણ ઉત્પન્ન થયા છે,ને દ્રોણથી અશ્વસ્થામા ઉત્પન્ન થયા છે.કૃપાચાર્ય,મહર્ષિ ગૌતમથી ઉત્પન્ન થયા છે,કાસડાના ગુચ્છામાં ઉત્પન્ન થયેલા કૃપાચાર્ય અવધ્ય છે,એમ મારુ માનવું છે.જે અશ્વસ્થામાના પિતા,માતા ને મામા એ ત્રણે યોનિજન્મથી રહિત છે તે શૂરવીર અશ્વસ્થામા મારા પક્ષમાં છે.આ સર્વે મહારથીઓ ઇન્દ્રને પણ ગભરાવી નાખે તેવા છે તેથી તે ભેગા મળીને અર્જુનનો નાશ કરશે જ.
વળી,હું કર્ણને પણ,ભીષ્મ,દ્રોણ તથા કૃપાચાર્યના જેવો જ માનું છું.પરશુરામે કર્ણને 'તું મારા સરખો છે' એમ કહીને ઘેર જવાની આજ્ઞા આપી હતી.કર્ણ જન્મ્યો ત્યારથી તેના કાનમાં કુંડળો હતાં,તે કુંડળો ઇન્દ્રે,ઈન્દ્રાણી માટે માગી લીધાં હતાં ને તેના બદલામાં કદી નિષ્ફળ ન જાય તેવી મહાશક્તિ કર્ણને આપી હતી,કે જે શકિત આગળ અર્જુન કેવી રીતે જીવશે?
હે રાજન,હાથમાં મુકેલા ફળની જેમ,મારો વિજય મારા હાથમાં આવેલો જ દેખાય છે.
આ ભીષ્મ,એક જ દિવસમાં દશ લાખ સૈનિકોને મારે તેવા છે.સંશપ્તક નામના ક્ષત્રિયોના ટોળાઓ કહે છે કે 'અમે અર્જુનને મારીશું કે અર્જુન અમને મારશે' તેઓ 'તે અર્જુનને અમે પુરા પડીશું' એમ માને છે.છતાં તમે પાંડવોથી ડરો છો શા માટે?
હે ભારત,ભીમસેન અને અર્જુનને માર્યા પછી,તેમના પક્ષમાંથી બીજો કોણ લડે તેવો છે? તે તમે જાણતા હો તો કહો.
તે પાંચ ભાઈઓ,ધૃષ્ટદ્યુમ્ન અને સાત્યકિ આ સાત યોદ્ધાઓ શત્રુઓના સારરૂપ બળ ગણાય છે.તો આપણા તરફ મુખ્ય યોદ્ધાઓમાં ભીષ્મ,દ્રોણ,કૃપાચાર્ય,અશ્વસ્થામા,કર્ણ,સોમદત્ત,શલ્ય,જયદ્રથ,દુઃશાસન,ચિત્રસેન,ભૂરિશ્રવા,વિકર્ણ આદિ એ સર્વે છે.વળી મેં અગિયાર અક્ષૌહિણી સેનાએ એકઠી કરી છે ત્યારે શત્રુઓને પાસે માત્ર સાત અક્ષૌહિણી સેના છે.
તો મારો પરાજય કેવી રીતે થશે?બૃહસ્પતિ કહે છે કે-આપણા કરતાં શત્રુઓનું સૈન્ય એકતૃતીયાંશ કમી હોય તો તેની સામે યુદ્ધ કરવું,અને હે રાજન,મારી સેના શત્રુસેના કરતા તૃતીયાંશ અધિક જ છે.હું શત્રુઓના સૈન્યને ગુણહીન અને મારા સૈન્યને અધિક તથા ગુણવાળું જોઉં છું.આ પરથી મારુ અધિક બળ જાણીને તમારા હવે ગભરાવું યોગ્ય નથી'
ધૃતરાષ્ટ્રને આમ કહ્યા પછી,સમયને યોગ્ય કાર્યો જાણવાની ઈચ્છાથી તે ફરીથી સંજયને પૂછવા લાગ્યો (70)
અધ્યાય-55-સમાપ્ત