Jan 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-720


અધ્યાય-૫૫-દુર્યોધનનું ભાષણ 

II दुर्योधन उवाच II न भेतव्यं महाराज न शोच्या भवता भयम् I समर्थाः स्म परान्जेतु बलिनः समरे विभो II १ II

દુર્યોધન બોલ્યો-હે મહારાજ,તમારે ડરવું નહિ તથા અમારે માટે શોક કરવો નહિ કારણકે હે વિભો,અમે યુદ્ધમાં બળવાન શત્રુઓને જીતવા સમર્થ છીએ.જે વખતે વનમાં કાઢી મુકેલા પાંડવોને મળવા માટે,ઈંદ્રપ્રસ્થથી થોડે છેટે,પ્રચંડ સેનાઓ લઈને શ્રીકૃષ્ણ,કેકયો,ધૃષ્ટકેતુ,ધૃષ્ટદ્યુમ્ન આદિ અનેક લોકો પાંડવોની પાસે આવ્યા હતા ને સર્વ એકઠા થઈને તમારી નિંદા અને યુધિષ્ઠિરનું સન્માન કરવા લાગ્યા હતા.પછી,તેઓ ઠરાવ પર આવ્યા હતા કે 'પરિવાર સાથે આપણો વિનાશ કરીને રાજ્ય પાછું લેવું.' એ સાંભળીને મેં ભીષ્મ,દ્રોણ અને કૃપને કહ્યું હતું કે-'પાંડવો પોતાના કરાર પ્રમાણે ચાલશે,પરંતુ શ્રીકૃષ્ણ આપણા સર્વનો વિનાશ કરવા ઈચ્છે છે.એક વિદુર ને ધૃતરાષ્ટ્ર સિવાય,આપણા સર્વનો સંપૂર્ણ વિનાશ કરીને શ્રીકૃષ્ણ સર્વ રાજ્ય યુધિષ્ઠિરને આપવા ઈચ્છે છે.માટે આવા પ્રસંગમાં શું સંધિને માટે તેમને નમન કરવું,નાસી જવું કે પ્રાણોની દરકાર રાખ્યા વિના તેમની સામે યુદ્ધ કરવું? નમી પડવામાં મને મારા પિતાનો શોક થાય છે કેમ કે તેમને મારે લીધે જ નમાવવા મને કષ્ટદાયક લાગે છે.'(16)

ત્યારે મને મોટી ચિંતામાં પડેલો જોઈને દ્રોણ,ભીષ્મ કૃપ ને અશ્વસ્થામા બોલ્યા હતા કે-'જો કે આપણે શત્રુઓ સાથે દ્રોહ કર્યો છે છતાં પણ તારે ડરવું નહિ,અમને જીતવા શત્રુઓ સમર્થ નથી,ભલે તેઓ સામે ચડી આવે અમે તેઓના ગર્વને ઉતારી નાખશું'

હે રાજન,પૂર્વે એકલા ભીષ્મએ જ સર્વ રાજાઓને જીતી લીધા હતા.તે ભીષ્મ,સંગ્રામમાં આપણી સાથે રહીને શત્રુઓને જીતવા સારી રીતે સમર્થ છે,માટે તમારો ભય દૂર થાઓ.અમાપ તેજવાળા દ્રોણ પણ સમર્થ છે.હમણાં,શત્રુઓ પક્ષ વિનાના ને વીર્યહીન થઇ ગયા છે ને આપણને જીતવા સમર્થ નથી.હે રાજન,હમણાં પૃથ્વી આપણા તાબામાં છે ને મારા બોલાવેલા રાજાઓ સુખદુઃખમાં સમાન ભાગ લે તેવા છે.તે રાજાઓ મારે માટે અગ્નિમાં પ્રવેશ કરે કે સમુદ્રમાં ઝંપલાવે તેવા છે.હે રાજન,તમે શત્રુઓના ગુણોનું વર્ણન સાંભળીને ભયભીત ને દુઃખી થઈને અનેક પ્રકારના વિલાપ કરો છો તેથી તેઓ તમને હસે છે.


મારી પાસેના એકે એક રાજા પાંડવોની સામે યુદ્ધ કરવામાં પોતાને સમર્થ માને છે માટે તમારો ભય દૂર થાઓ.મારી સર્વ સેનાને જીતવા ઇન્દ્ર કે બ્રહ્મા પણ સમર્થ નથી.તે યુધિષ્ઠિરે,નગરોની માગણી ન કરતાં,માત્ર પાંચ ગામની યાચના કરી છે-તે પરથી જ સમજાય છે કે તે મારા સૈન્યના પ્રભાવથી ડરી ગયો છે.હે રાજન,તમે ભીમસેનને સમર્થ માનો છો તે મિથ્યા જ છે,કેમ કે તમે મારા સંપૂર્ણ પ્રભાવને જાણતા નથી.આ પૃથ્વી પર મારા જેવો ગદાયુદ્ધ કરનારો બીજો કોઈ નથી,પહેલાં કોઈ થઇ ગયો નથી અને હવે પછી પણ કોઈ થશે નહિ.મને ભીમથી કોઈ ડર નથી.હું જયારે બલરામની પાસે ગદાયુદ્ધ શીખવા ગયો હતો ત્યારે જ તેમણે કહ્યું હતું કે-'ગદાયુદ્ધમાં દુર્યોધન જેવો કોઈ નથી' યુદ્ધમાં મારા ગદાપ્રહારને ભીમ કદી પણ સહન કરી શકે તેમ નથી.હું ક્રોધ કરીને.તે ભીમને એક જ ગદાપ્રહાર કરું તો તે તેને તુરત જ યમલોકમાં પહોંચાડી દેશે.