અધ્યાય-૫૪-ધૃતરાષ્ટ્રને ઠપકો
II संजय उवाच II एवमेतन्महाराज यथा वदति भारत I युद्धे विनाशः क्षत्रस्य गाण्डीवेन प्रद्र्श्यते II १ II
સંજય બોલ્યો-હે ભારત,મહારાજ,તમે જેમ કહો છો તે તેમ જ છે.યુદ્ધમાં ગાંડીવ ધનુષ્ય વડે ક્ષત્રિયોનો વિનાશ પ્રત્યક્ષ દેખાય છે,પરંતુ તમે ધીર છો ને અર્જુનનાં તત્વને જાણો છો છતાં નિત્ય પુત્રને અધીન રહો છો એમાં મને સમજણ પડતી નથી.તમે શાંતિ કરવા બોલો છો,પરંતુ તમારી એ બુદ્ધિ સ્થિર રહેશે નહિ કારણકે પાંડવોનો અપરાધ કરવાની તમને ટેવ પડી ગઈ છે.તમે જ પ્રથમ પાંડવોની સાથે ખરાબ રીતે વર્ત્યા છો.દ્રોહ કરનારો વડીલ ગણાતો નથી.દ્યુત સમયે તમે બાળકની જેમ હરખાતા હતા ને તમારા પુત્રો પાંડવોને કઠોર વચનો કહેતા હતા ત્યારે તમે તેની દરકાર કરી નહોતી.વળી 'મારા પુત્રો આખું રાજ્ય જીતી લે છે'એમ માનીને તમે વિનાશ તરફ તો દ્રષ્ટિ જ કરતા નહોતા.(6)
કુરુસહિત જાન્ગલ પ્રદેશનું રાજ્ય,તમારા બાપદાદાનું રાજ્ય ગણાય,બાકી બીજી સઘળી પૃથ્વી તો વીર પાંડવોએ સંપાદન કરેલી તમને મળી છે.પોતાના બાહુબળથી સંપાદન કરેલી ભૂમિ પાંડવોએ તમને અર્પણ કરી છે છતાં 'એ પરાક્રમ મેં કર્યું છે'એમ તમે માનો છો.હે મહારાજ,ગંધર્વરાજે તમારા પુત્રોને કેદ કર્યા હતા ત્યારે અર્જુન તેઓને પાછા લઇ આવ્યો હતો.પણ,
એ પાંડવો દ્યુતમાં હારીને વનમાં જવા લાગ્યા ત્યારે તમે બાળકની જેમ વારંવાર મનમાં રાજી થતા હતા.પરંતુ ત્યારે તમે એ વિચાર્યું નહોતું કે અર્જુન જયારે બાણોનો વરસાદ વરસાવે છે ત્યારે સમુદ્રો પણ શોષાઈ જાય છે તો મનુષ્યોની તો શી વાત?
બાણ છોડનારાઓમાં અર્જુન શ્રેષ્ઠ,ધનુષ્યોમાં ગાંડીવ શ્રેષ્ઠ,પ્રાણીઓમાં શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ,આયુધોમાં સુદર્શન શ્રેષ્ઠ અને સર્વ ધ્વજોમાં વાનરને લીધે ઝળકનારો અર્જુનનો ધ્વજ શ્રેષ્ઠ છે.સર્વ શ્રેષ્ઠ વસ્તુઓથી સંપન્ન એવો તે શ્વેત ઘોડાઓવાળો અર્જુનનો રથ,કાળચક્રની જેમ આપણો સંહાર વાળશે.હે રાજન,જેના ભીમ અને અર્જુન યોદ્ધા છે,તે જ રાજા છે અને આખી પૃથ્વી તેની જ છે એમ તમે જાણો.ઘણેભાગે ભીમસેનથી હણાયેલી અને વિમુખ થતી તમારી સેનાને જોઈને જ દુર્યોધન વગેરે ક્ષય પામશે.અને તેને અનુસરનારા રાજાઓ પણ ભયભીત થઇ જશે ને તેઓ વિજય મેળવી શકશે નહિ.
વળી,કેકયો,મત્સ્યો,શાલ્વ,શૂરસેન આદિ સર્વ તમને માન આપતા નથી ને અર્જુનના પરાક્રમને વખાણે છે.ને તેના પક્ષમાં છે.ને યુધિષ્ઠિર પર તેમની ભક્તિ હોવાથી તેઓ સર્વદા તમારા પુત્રોનો વિરોધ ધરાવે છે.જે ધર્મવાળા હોવાથી વધ કરવાને અયોગ્ય,પાંડવોને,જેણે,અન્યાયથી કષ્ટ આપ્યું અને હજી પણ જે,તેઓનો દ્વેષ કરે છે,તે તમારા પાપી પુત્રને,તેના અનુનાયીઓની સાથે સર્વ ઉપાયોથી કબ્જે કરવો જોઈએ.હે મહારાજ,હવે તમારે શોક કરવો યોગ્ય નથી,કારણકે દ્યુત સમયે મેં અને વિદુરે તમને સર્વ કહ્યું હતું પણ તમે સાંભળ્યું નહોતું.અને હવે અસમર્થ પુરુષની જેમ પાંડવોને સંભારીને તમે જે વિલાપ કરો છે તે સર્વ નિરર્થક જ છે (22)
અધ્યાય-54-સમાપ્ત