Jan 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-717

 

અધ્યાય-૫૨-અર્જુન તરફના ભયનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II यस्य वै नानृतावाच: कदचिद्नुशुश्रुम I त्रैलोक्यमपि तस्य स्याध्योद्वा यस्य धनंजयः II १ II

ધૃતરાષ્ટ બોલ્યા-અમે જેની વાણી કોઈ પણ દિવસ મિથ્યા સાંભળી નથી અને જેનો અર્જુન યોદ્ધો છે,તે યુધિષ્ઠિરને ત્રણે લોકનું રાજ્ય મળે તેમ છે.હું વિચાર કરું છું કે એવો કોઈ જ પુરુષ નથી કે જે અર્જુનની સામે અડવા જાય.કર્ણી અને નાલીક જાતનાં,હૃદયને ચીરી નાખનારા બાણો છોડનારા તે ગાંડીવધારી અર્જુનની સામે જનારો તેનો બરોબરીઓ મને કોઈ જ દેખાતો નથી.દ્રોણ અને કર્ણ જો અર્જુનની સામે યુદ્ધ કરવા જાય તો જય કોનો થશે?એ સંબંધી લોકોમાં મોટો સંદેહ ઉત્પન્ન થાય,પરંતુ મારા પક્ષનો તો વિજય થવાનો જ નથી કારણકે કર્ણ દયાળુ ને પ્રમાદી છે અને દ્રોણાચાર્ય વૃદ્ધ અને તેઓના પણ ગુરુ છે.બીજી તરફ અર્જુન,સમર્થ,બળવાન,દૃઢ ધનુષ્યવાળો ને શ્રમરહિત છે.(6)

મહાતુમુલ યુદ્ધ થશે તો પણ સર્વથા તેઓનો જ વિજય થવાનો છે કારણકે તે સર્વ અસ્ત્રવેત્તાઓ,શૂરાઓ ને મહાયશસ્વીઓ છે.તેઓ સર્વ દેવતાઓના ઐશ્વર્યને ત્યજી દે,પણ વિજયનો ત્યાગ કરે તેવા નથી.દ્રોણ અને કર્ણનો વધ થતાં કે અર્જુનનો વધ થતાં અવશ્ય શાંતિ થાય પણ અર્જુનને હણનારો મને કોઈ જ દેખાતો નથી.મારા પુત્રો પર ઉત્પન્ન થયેલો તેનો ક્રોધ કેવી રીતે શાંત થાય? શ્રીકૃષ્ણ જેના રથમાં સારથી છે તેનો અવશ્ય જય જ થવાનો છે.આપણી પાસે ગાંડીવ જેવું ધનુષ્ય નથી,ને શ્રીકૃષ્ણ સમાન કોઈ સારથી નથી,આ વાતને દુર્યોધન અને તેના સાથીઓ જાણતા નથી.


સંગ્રામમાં અર્જુનના ગાંડીવમાંથી નીકળતું ઝળહળાટ કરતુ બાણોનું તેજ,ચોતરફથી મારા પુત્રોની સેનાને બાળી નાખશે.જેમ,મોટી જ્વાળાવાળો અગ્નિ,પવનથી પ્રેરાઈને સર્વ તરફનાં ઘાસનાં બીડને બાળી મૂકે,તેમ તે અર્જુન મારા સૈનિકોને બાળી મુકશે.સર્વનો નાશ કરનાર તે કાળની જેમ અસહ્ય થઇ પડશે.અને હું ઘરમાં રહ્યો રહ્યો કૌરવોના છેદ,ભેદ,પલાયન વગેરે અનેક પ્રકારો સાંભળીશ.રણમાં ચોતરફથી કૌરવોનો વિનાશ જ મને દેખાય છે (20)

અધ્યાય-52-સમાપ્ત