આ ભીમસેન,ગદારહિત,ધનુષરહિત,રથ ને કવચરહિત થઈને માત્ર બે હાથથી યુદ્ધ કરે તો પણ તેની સામે કયો પુરુષ ઉભો રહી શકે તેમ છે? તેના પરાક્રમને હું જાણું છું,તેમ જ ભીષ્મ,દ્રોણ અને કૃપ પણ જાણે છે.પરંતુ તે મહાપુરુષો,આર્યપુરુષોના વ્રતને જાણે છે તેથી અને સંગ્રામનો અંત લાવવાની ઈચ્છાથી તેઓ મારા પુત્રોની સેનાના મોખરા પર ઉભા રહેશે.મને પાંડવોનો જય દેખાય છે,છતાં હું મારા પુત્રોને રોકતો નથી,એ ઉપરથી પુરુષનું દૈવ જ બળવાન છે એમ હું માનું છું.(47)
ભીષ્મ વગેરે મહાધનુર્ધારીઓ,પુરાતન સ્વર્ગમાર્ગને પ્રાપ્ત કરી લેવા માટે સંગ્રામમાં ક્ષાત્રયશનું રક્ષણ કરતા પોતાના પ્રાણોનો ત્યાગ કરશે.બાકી,જેવા મારા પુત્રો ભીષ્મના પૌત્રો થાય છે,તેવા પાંડવો પણ પૌત્રો છે,ને દ્રોણ-કૃપ બંનેના ગુરુ છે.પરંતુ એ ત્રણે વૃદ્ધોને રાજ્ય તરફથી જે આશ્રય મળ્યો છે,તેનો બદલો તેઓ આર્ય હોવાથી વાળશે.હું તો પાંડવોની સામે યુદ્ધ કરવા તૈયાર થયેલા સર્વનો શોક કરું છું,પૂર્વે વિદુરે જે ભય મોટા સાદે કહ્યો હતો તે ભય હવે આવી પહોંચ્યો છે.(52)
હે સંજય,જ્ઞાન દુઃખનો નાશ કરે છે,એ વાત હું માનતો નથી,કારણકે અતિબળવાન દુઃખ,જ્ઞાનનું પણ વિનાશક થાય છે.જો,જીવન્મુક્ત ઋષિઓ પણ લોકવ્યવહારમાં પડતાં સુખોથી સુખી ને દુઃખોથી દુઃખી થાય છે.તો મોહમાં પડેલા પુરુષને દુઃખ થાય એ વાતમાં તો કહેવું જ શું? મારે હવે આ સંશયકારક વાતનો શો ઉપાય કરવો? વિચાર કરતાં મને કૌરવોનો વિનાશ જ દેખાય છે અને આ મહાન કષ્ટનું કારણ તે દ્યુત જ જણાય છે.ઐશ્વર્યની કામનાથી દુર્યોધને લોભથી પાપ કર્યું છે.(57)
હું માનું છું કે,આ સંહાર પણ અત્યંત ગતિ કરનારા કાળનો એક પર્યાય ધર્મ જ છે,માટે હવે એ કાલચક્રથી નાસી છૂટાય તેમ નથી.સો પુત્રો મરણ પામશે ત્યારે હું અવશ્ થઈને સ્ત્રીઓની બૂમો સાંભળીશ.મારુ મોત પણ કેમ આવશે?
પ્રદીપ્ત થયેલો અગ્નિ જેમ ઘાસને બાળી મૂકે તેમ,તે ભીમ,હાથમાં ગદા લઈને મારા પુત્રોનો નાશ કરશે (61)
અધ્યાય-51-સમાપ્ત