Jan 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-715

 

અધ્યાય-૫૧-ભીમથી ત્રાસ 


II धृतराष्ट्र उवाच II सर्व एते महोत्साहा ये त्वया परिकीर्तिताः I एकतस्त्वेव ते सर्व समेता भीम एकतः  II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-તેં જે યોદ્ધાઓ કહ્યા તે સર્વે મોટા ઉત્સાહવાળા છે પણ તે એકઠા મળેલાને એક તરફ મૂકીએ અને ભીમ એકલાને એક તરફ મૂકીએ તો તે સર્વની સમાન થાય.જેમ,વાઘથી મહામૃગને ભય લાગે તેમ મને તે ક્રોધી તથા અસહનશીલ ભીમનો મહાભય લાગે છે,ને હું નિસાસા નાખતો રાતોના ઉજાગરા કરું છું.તેના સમાન હું આપણી સેનામાં કોઈને જોતો નથી કે જે તેની સામે યુદ્ધમાં ટકી શકે,તે મહાબળવાન મારા પુત્રોનો સંહાર કરી નાખશે.હું મારા મનથી,ભીમની તે આઠ ખૂણાવાળી ભયંકર ગદાને,ઉગામેલા બ્રહ્મદંડની જેવી જોઉં છું કે જે મહાહઠે ભરાયેલા કૌરવોને યુદ્ધમાં દંડધારી કાળરૂપ થઇ પડશે.(8)

તે ભીમ,સર્વદા ક્રૂર પરાક્રમવાળો,ખાઉધરો,વેગવાળો અને બાળપણમાં તે એકલો જ મારા સર્વ પુત્રોનો શત્રુ થઇ પડ્યો હતો.

બાળપણમાં દુર્યોધન-આદિ તેની સાથે લઢતા,ત્યારે તે હાથીની જેમ તેઓને રગડી નાખતો હતો,એ સ્મરણ થતાં મારુ હૃદય કંપી ઉઠે છે.કૌરવો ને પાંડવો વચ્ચે જે ભેદ પડ્યો તેનું કારણ પણ તે ભીમ જ છે.અસ્ત્રવિદ્યામાં દ્રોણ સમાન,વેગમાં વાયુસમાન,ને ક્રોધમાં મહાદેવની બરોબરી કરનારા શૂરા તથા ક્રોધી ભીમને યુદ્ધમાં કોણ મારી શકે તેમ છે? તેણે મારા પુત્રોને બાળપણમાં જ મારી નાખ્યા નહિ,એ મોટો લાભ હું માનું છું.તે બાળપણમાં પણ મારા દાબમાં રહેતો નહોતો તો હવે મારા દુષ્ટ પુત્રોથી દુઃખી થયેલો તે મારા દાબમાં ક્યાંથી રહી શકશે? તે ક્રોધી ભીમ હવે શી રીતે શાંત થાય?(18)


તે ભીમ,વેગથી,ઘોડાઓને પાછળ પાડે તેવો છે,બળમાં,હાથીઓને હટાવે તેવો છે,અસ્પષ્ટ ભાષણ કરનારો છે.રણમાં ક્રોધ કરીને લોઢાના દંડથી,રથોનો,હાથીઓનો,ઘોડાઓનો તથા પુરુષોનો સંહાર કરશે.તેની ગદાને મારા પુત્રો શી રીતે સહન કરશે?

ભીમરૂપી સમુદ્રને મારા મૂર્ખ પુત્રો તરવાની ઈચ્છા રાખે છે.હું બૂમો પાડું છું પણ તે મૂર્ખો સાંભળતા નથી.વિધાતાથી પ્રેરાયેલા જ તેઓ નરરૂપધારી મૃત્યુની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છે.પૂર્વે,તેણે જરાસંઘ,કે જેણે આખી પૃથ્વી પોતાના બળથી પ્રાપ્ત કરી હતી તેને તેના અંતઃપુરમાં પેસીને,હથિયાર લીધા વિના જ,પોતાના અસીમ બળથી મારી નાખ્યો હતો.