અધ્યાય-૫૦-પાંડવોના પક્ષનું સંજયનું ભાષણ
II धृतराष्ट्र उवाच II किमसौ पाण्डवो राज धर्मपुत्रोभ्यभाषत I श्रुत्वेह बहुलाः सेनाः प्रीत्यर्थ नः समागताः II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,અહીં અમારી પ્રીતિને માટે ઘણી સેનાઓ આવી છે,એ સાંભળીને ધર્મપુત્ર યુધિષ્ઠિર શું બોલ્યો?
યુદ્ધની ઈચ્છાથી તે શી તૈયારી કરી રહ્યા છે? અને તેને યુદ્ધ કરવા માટે કોણ સાથ આપે છે ને કોણ રોકે છે?
સંજય બોલ્યો-પાંડવોની સાથે પાંચાલો,યુધિષ્ઠિરની આજ્ઞા ઉઠાવવા માટે તેમની સામે ઉભા છે.પાંચાલો,સોમકો યુધિષ્ઠિરને અભિનંદન આપે છે ને તેમનું સન્માન કરે છે.કેકયો અને મત્સ્યો પણ તેમનું સન્માન કરે છે.(8)
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-પાંડ્વો કોના સૈન્યની સહાયથી યુદ્ધ કરવા તૈયાર થયા છે? ધૃષ્ટદ્યુમ્નના સૈન્ય કે સોમકોના સૈન્યથી?
ત્યારે સભાની વચ્ચે તે સંજય લાંબા નિસાસા નાખીને વિચારમાં પડ્યો હોય તેવો થઇ ગયો ને તેને મૂર્છા આવી,
થોડીવારે તેને ભાન આવ્યું ત્યારે સ્વસ્થ થઈને તે કહેવા લાગ્યો કે-હે રાજેન્દ્ર,મેં પાંડવોને જોયા,તે વિરાટને ઘેર પરાધીન રહેવાથી સુકાઈ ગયા છે,અને હવે જેની સહાયતાથી તેઓ યુદ્ધ કરવા તૈયાર થયા છે,તે તમે સાંભળો.મુખ્યત્વે ધૃષ્ટદ્યુમ્નની સહાયતાથી,યુધિષ્ઠિર યુદ્ધ માટે તૈયાર થયા છે.ભીમસેને જે કાશી,અંગ,મગધ અને કલિંગના રાજાઓને જીત્યા હતા તેઓની સાથે મળી,ને પોતાના બળ વડે તે યુદ્ધમાં તૈયાર થયો છે.તે ભીમસેને પોતાના બળ વડે લાક્ષાગૃહ પ્રસંગે સર્વને બચાવ્યા હતા,જયદ્રથ પાસેથી દ્રૌપદીને બચાવી હતી,ને દ્રૌપદીનું પ્રિય કરવા ગંધમાદન પર્વતમાં પ્રવેશ કરીને ક્રોધવશ નામના રાક્ષસોને માર્યા હતા,જેના બાહુમાં દશ હજાર હાથીનું બળ છે તેની મદદથી પાંડવો તમારી સામે બાથ ભીડવા તૈયાર થયા છે (25)
વળી,પૂર્વે જે અર્જુને અગ્નિને તૃપ્ત કરવા શ્રીકૃષ્ણને સાથે રાખીને ઇન્દ્રને જીત્યો હતો,જેણે મહાદેવને યુદ્ધથી સંતુષ્ટ કર્યા હતા,ને જેણે લોકપાલોને વશ કર્યા હતા તે અર્જુનના બળથી પાંડવો તમારી સામે યુદ્ધ કરવા સજ્જ થયા છે.જે નકુળે,મ્લેચ્છગણોથી ભરેલી પશ્ચિમ દિશાને વશ કરી હતી,તે નકુલના બળથી પાંડવો યુદ્ધ માટે તૈયાર થયા છે ને જે સહદેવે કાશી-આદિના રાજાઓને જીત્યા હતા તેની સહાયથી પાંડવો યુદ્ધ માટે સજ્જ થયા છે.આ સર્વની સામે તમારું મહાવિનાશક યુદ્ધ થશે (23)
હે રાજન,પૂર્વજન્મમાં કાશીરાજની કન્યા હોઈને,આ જન્મમાં ભીષ્મના વધની ઈચ્છાથી જેણે ઉગ્ર તપ કર્યું છે તે દ્રુપદની કન્યા થઈને દેવયોગે પુનઃ પુરુષ થઇ છે,ને તે યુદ્ધમાં કુશળ શિખંડીની સાથે પાંડ્વો યુદ્ધ માટે સજ્જ થયા છે.તે શિખંડીને,યક્ષે,ભીષ્મના નાશની ઈચ્છાથી પુરુષ કર્યો છે ને તે મહાધનુર્ધારી શિખંડીની સાથે પાંડવો તમારી સામે યુદ્ધ કરશે.કેકય દેશના પાંચ ભાઈઓ,યાદવવીર સાત્યકિ,વિરાટરાજ,કાશીરાજ આદિની સહાયથી પાંડવો યુદ્ધ માટે સજ્જ થયા છે.(41)
યુદ્ધમાં દુર્જય દ્રૌપદીના પાંચ પુત્રો,વયમાં બાળક છે,પણ સર્પના જેવા દુઃસ્પર્શ છે તેઓની સાથે પાંડવો યુદ્ધ માટે તૈયાર છે.
પરાક્રમમાં શ્રીકૃષ્ણ સમાન ને ઇન્દ્રિયદમનમાં યુધિષ્ઠિર સમાન અભિમન્યુ,શિશુપાલના પુત્ર ધૃષ્ટકેતુ ને ચેદીદેશના રાજા સાથે પાંડ્વો યુદ્ધ કરવા તૈયાર થયા છે.જેમ,દેવોનો આધાર ઇન્દ્ર છે તેમ,શ્રીકૃષ્ણ જેમનો આધાર છે તે પાંડ્વો તમારી સામે યુદ્ધ કરવા તૈયાર થયા છે.જરાસંઘના પુત્રો સહદેવ ને જયત્સેન,ને મહાતેજસ્વી દ્રુપદ મોટી સેનાએ લઈને પાંડ્વો માટે પ્રાણાર્પણ કરવા તત્પર થઈને યુદ્ધની ઈચ્છાથી તૈયાર થયા છે.આ ઉપરાંત,પૂર્વ તથા ઉત્તરના પુષ્કળ રાજાઓ પાંડવો પાસે આવ્યા છે.(50)
અધ્યાય-50-સમાપ્ત