હે દુર્યોધન,તું જો મારુ કહેવું માનીશ નહિ,તો કૌરવોનો વિનાશ પાસે જ આવી લાગ્યો છે એમ સમજ.તારી બુદ્ધિ અધર્મ ને અર્થથી ભ્રષ્ટ થઇ છે.તારે સર્વને મરણ પામેલા સાંભળવા પડશે કારણકે સર્વ કૌરવો તારા મતને જ અનુસરે છે,ને તું ત્રણના જ મતને માન્ય ગણે છે.કે જેમાંનો એક,પરશુરામે જેને શાપ આપેલો છે તે હલકી જાતિનો સૂતપુત્ર કર્ણ છે,બીજો સુબલનો પુત્ર શકુનિ છે ને ત્રીજો તારો પાપી ભાઈ દુઃશાસન છે (28)
કર્ણ બોલ્યો-હે પિતામહ,આપે જે કહ્યું તે આપના જેવા વૃધ્ધે બોલવું યોગ્ય નથી.હું ક્ષત્રિયના ધર્મમાં રહેલો છું અને સ્વધર્મથી ભ્રષ્ટ થયો નથી.મારામાં એવું કયું દુરાચરણ છે કે જેથી તમે મારી નિંદા કરો છો? હું નિત્ય દુર્યોધનનું જ ભલું કરીશ અને રણભૂમિ પર રહેલા સર્વ પાંડવોનો નાશ કરીશ.વિરુદ્ધ પડેલા (પાંડવો)ની સાથે ડાહ્યા માણસોથી પુનઃ સુલહ કર્મ કરી શકાય?
મારે ધૃતરાષ્ટ્ર રાજાનું સંપૂર્ણ પ્રિય કરવું જોઈએ,કારણકે તે હમણાં ગાદી પર છે (33)
ત્યારે ભીષ્મ,ધૃતરાષ્ટ્રને સંબોધીને કહેવા લાગ્યા કે-હે ધૃતરાષ્ટ્ર,આ કર્ણ રોજ રોજ બક્યા કરે છે કે 'હું પાંડવોને મારીશ' પણ એ પાંડવોના એક અંશ જેટલો પણ નથી.તમારા પુત્રો પર જે અનર્થ આવી પાડવાનો છે તે આ દુર્બુધ્ધિ સૂતપુત્ર કર્ણનું જ કર્મ છે એમ તમે જાણો.દુર્યોધને તેનો આશ્રય કરીને તે દેવતાપુત્રો પાંડવોનું અપમાન કર્યું છે.તે સર્વ પાંડવોએ જે મહાદુષ્કર કર્યાં છે તેવું આ કર્ણે એકાદ પણ કામ કર્યું છે કે? વિરાટનગરમાં અર્જુને પરાક્રમ કરીને એના ભાઈને મારી નાખ્યો ત્યારે તેણે શું કર્યું?
જયારે અર્જુન એકલો આવીને સર્વનો પરાજય કરીને વસ્ત્રો છીનવીને લઇ ગયો ત્યારે તે ક્યાં ગયો હતો? જયારે ઘોષયાત્રામાં ગંધર્વો દુર્યોધનને હરી જતા હતા ત્યારે તે ક્યાં ગયો હતો? હે ધૃતરાષ્ટ્ર,સર્વદા ધર્માર્થનો લોપ કરનારા તથા બક્યા કરતા આ કર્ણનાં,વચનો મિથ્યા છે એમ તમે જાણો.દેવ,તમારું ભલું કરો (42)
ભીષ્મનું ભાષણ સાંભળીને,તેમનાં વચનોની માન આપતા દ્રોણાચાર્ય,ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યા કે-પિતામહ,ભીષ્મે જે કહ્યું તેમ જ તમે કરો.ધનનો લોભ કરનારાઓના કહેવા પ્રમાણે કરવું યોગ્ય નથી.યુદ્ધની પહેલાં જ પાંડવોની સાથે સલાહ કરવી એ હું ઉત્તમ માનું છું.તે અર્જુન બોલ્યા પ્રમાણે જ કરશે,કારણકે તેના જેવો ધનુર્ધારી બીજો કોઈ નથી (46)
ત્યારે ભીષ્મ અને દ્રોણના અર્થયુક્ત વચનોનો અનાદર કરીને ધૃતરાષ્ટ્ર પાછો,સંજયને પાંડવોની જ હકીકત પૂછવા લાગ્યો ત્યારે,ભીષ્મ-આદિ સર્વ લોકો કૌરવોના જીવિતના સંબંધમાં નિરાશ થઇ ગયા (48)
અધ્યાય-49-સમાપ્ત