Jan 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-712

અધ્યાય-૪૯-ભીષ્મ તથા દ્રોણનાં વાક્યો 


 II वैशंपायन उवाच II समवेतेषु सर्वेषु तेषु राजसु भारत I दुर्योधनमिदं वाक्यं भीष्मः शान्तनवोब्रवीत II १ II

વૈશંપાયને કહ્યું-હે જન્મેજય,તે સર્વે રાજાઓ એકઠા મળ્યા હતા,તેમાં શાંતનુના પુત્ર ભીષ્મ,દુર્યોધનને કહેવા લાગ્યા કે-

'પૂર્વે બૃહસ્પતિ અને શુક્રાચાર્ય બ્રહ્મા પાસે ગયા હતા તે સમયે ઇન્દ્ર સહિત વાયુઓ,આદિત્યો,સપ્તર્ષિઓ-આદિ સર્વ પણ બ્રહ્મા પાસે આવ્યા અને તેમને પ્રણામ કરીને તેમને વીંટળાઈને બેઠા.તે વખતે પોતાના તેજ વડે આકર્ષણ કરતા પુરાતન દેવ નર અને નારાયણ ઋષિ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યારે બૃહસ્પતિએ બ્રહ્માને પૂછ્યું કે-'તમારી ઉપાસના ન કરનારા આ બે કોણ છે?તે કહો.

બ્રહ્મા બોલ્યા-આ બે તપસ્વીઓ,કે જેઓ પૃથ્વી ને સ્વર્ગલોકને પ્રકાશિત કરે છે,તે મહાબળસંપન્ન નર અને નારાયણ છે.એ બંને જીવલોકમાંથી બ્રહ્મલોકને પ્રાપ્ત થયા છે.તેઓ પોતાની તપશ્ચર્યાને લીધે મહાતેજસ્વી,ને મહાપરાક્રમી છે.દેવ અને ગંધર્વોએ પુજેલા આ મહાબુદ્ધિસંપન્ન તથા શત્રુતાપન અસુરોના વિનાશ માટે (એકમાંથી) બે રૂપ થયા છે.(9)

આ સાંભળીને પછી બૃહસ્પતિ વગેરેને લઈને ઇન્દ્ર,જ્યાં તે નરનારાયણ તપ કરતા હતા ત્યાં ગયો.તે સમયે દેવાસુર 

યુદ્ધમાં દેવોને ભય ઉત્પન્ન થયો હતો,તેથી ઇન્દ્રે નરનારાયણને પ્રસન્ન કરી તેમની પાસે 'સહાય'નો વર માગ્યો.

ત્યારે નરનારાયણે તેમને સાથ આપ્યો અને આમ,નરનારાયણની મદદથી ઇન્દ્રે દાનવોનો પરાજય કર્યો.(13)


તેમાંના નરે (કે જે અર્જુન સ્વરૂપે છે) સંગ્રામમાં પૌલોમ અને કાળખંજ નામના સેંકડો અને હજારો શત્રુઓને મારી નાખ્યા હતા,ને ભાલાથી જંભ દાનવનું માથું કાપી નાખ્યું હતું.એ અર્જુને સમુદ્રની સામે પર રહેલા સાઠ હજાર નિવાત-કવચોને યુદ્ધમાં જીતી હિરણ્યપુરનો નાશ કર્યો હતો.એ અર્જુને ઇન્દ્ર સહિત દેવોને પરાજય કરીને અગ્નિને ખાંડવવનથી તૃપ્ત કર્યો હતો.

તે જ રીતે નારાયણે (કે જે શ્રીકૃષ્ણ સ્વરૂપે છે)પણ અહીં પુષ્કળ શત્રુઓનો નાશ કર્યો હતો.

એ બંને દેવો નર ને નારાયણ,અર્જુન અને કૃષ્ણરૂપે આવ્યા છે એમ જાણો (18)


આ મનુષ્યલોકમાં,ઇન્દ્રસહિત દેવો અને દૈત્યોથી પણ એ બંને જીતાય તેવા નથી.નર (અર્જુન) અને નારાયણ (શ્રીકૃષ્ણ) એ બંને એક જ સત્વ છે પણ યોગના પ્રભાવથી બે રૂપે થયેલા છે.એ બંને કર્મ વડે અક્ષય તથા શૃવ એવા લોકોમાં વ્યાપીને રહેલા છે અને યુદ્ધનો સમય આવતા તે તે ઠેકાણે વારંવાર ઉત્પન્ન થાય છે.માટે યુદ્ધ જ તેમનું કર્તવ્ય છે એમ નારદે મને કહ્યું હતું.

હે દુર્યોધન,તું જયારે શંખ,ચક્ર અને ગદાધારી શ્રીકૃષ્ણને ને ચોતરફથી અસ્ત્રોને ગ્રહણ કરતા,ગાંડીવધારી અર્જુનને 

એક જ રથમાં બેઠેલા જોઇશ,ત્યારે તું મારા આ વચનોને યાદ કરીશ.(24)