Jan 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-711

 

હે સંજય,એક દિવસે હું પ્રાતઃકાળમાં સંધ્યાવંદન કરી રહ્યો હતો ત્યારે એક બ્રાહ્મણે મને કહ્યું હતું કે-'હે પાર્થ,તારે શત્રુઓની સામે યુદ્ધ કરવાનું દુષ્કર કર્મ કરવાનું છે.માટે જો તારી ઈચ્છા હોય તો,વજ્રધારી ઇન્દ્ર,હરિ નામના ઘોડાઓ જોડેલ રથમાં બેસીને શત્રુઓનો નાશ કરતા તારી આગળ ચાલશે અથવા શ્રીકૃષ્ણ સૂગ્રીવાદિ ઘોડાઓ જોડેલા રથમાં બેસીને તારું પાછળથી રક્ષણ કરશે' તે વખતે મેં વજ્રધારી ઇન્દ્ર કરતાં આ યુદ્ધને માટે શ્રીકૃષ્ણને જ સહાયક માગી લીધા અને ચોરોનો વધ કરવા તે કૃષ્ણ મને મળ્યા.હું માનું છું કે દેવતાઓએ જ મારે માટે એ નિર્માણ કરેલું છે.શ્રીકૃષ્ણ જાતે યુદ્ધ ન કરે તો પણ તે તેમના મનમાં જે પુરુષના જયની ઈચ્છા કરે તે પુરુષ ઇન્દ્રસહિત સર્વ દેવોનો પણ પરાજય કરી શકે તો પછી સામાન્ય મનુષ્યની તો શાની ચિંતા હોય?

જે પુરુષ,તેજસ્વી અને અત્યંત શૂરા વાસુદેવ શ્રીકૃષ્ણને યુદ્ધ વડે જીતવાની ઈચ્છા કરે તે અપાર જળવાળા મહાસાગરને બે હાથ વડે તરી જવાની ઈચ્છા કરે છે તેમ જાણવું.તે શ્રીકૃષ્ણે,એક રથની સહાયતાથી જ ભોજવંશના રાજાઓનો પરાજય કરીને રુક્મિણીને ભાર્યા તરીકે આણી હતી કે જેનાથી  પ્રદ્યુમ્ન ઉત્પન્ન થયા છે.જે શ્રીકૃષ્ણે,ત્વરાથી ગાંધારોનો નાશ કરીને સુદર્શન રાજાને મુક્ત કર્યો હતો,એ શ્રીકૃષ્ણે છાતીના પ્રહાર માત્રથી પાંડ્ય રાજાને મારી નાખ્યો હતો ને કલિંગના રાજાઓનો સંહાર કર્યો હતો.આ શ્રીકૃષ્ણથી ભીલરાજ એકલવ્ય અને જંભ દૈત્ય હણાયા હતા.આ કૃષ્ણે જ કંસને હણીને ઉગ્રસેનને રાજ્ય આપ્યું હતું.


આ શ્રીકૃષ્ણે,માયાના બળથી આકાશચારી સૌભ વિમાનમાં બેસીને ફરનારા શાલ્વ રાજા સાથે યુદ્ધ કર્યું હતું ને પોતાના પર આવતી શક્તિને હાથમાં પકડી લીધી હતી,આ કૃષ્ણની સામે કયો મનુષ્ય ટકી શકે? અદિતિનાં કુંડળનું હરણ કરનારા,મહાબળવાન એવા નરકાસુર ને મુરદૈત્યને મારીને તેઓ કુંડળોને પાછા લાવ્યા હતા ત્યારે દેવોએ એમને વરો આપ્યાં હતાં કે-'તમને યુદ્ધમાં થાક લાગશે નહિ,આકાશ ને જળમાં તમારી ગતિ અટકશે નહિ,ને તમારા શરીરમાં શસ્ત્રો સંચાર કરશે નહિ' આવા વરો મળવાથી કૃતાર્થ થયેલા તે શ્રીકૃષ્ણમાં સર્વદા ગુણસંપત્તિ રહેલી છે.આવા અસહ્ય અને અનંત પરાક્રમવાળા શ્રીકૃષ્ણને જીતવાની દુર્યોધન આશા રાખે છે ને તેમને બાંધવાનો પ્રયત્ન કરે છે પણ શ્રીકૃષ્ણ,અમારા તરફ જોઈને તે સહન કર્યા  કરે છે.દુર્યોધન,મારી ને શ્રીકૃષ્ણની વચ્ચે કલહ થવાની ઈચ્છા રાખે છે પણ તેની ઈચ્છા નકામી છે તે તે યુદ્ધ વખતે જોશે.(89)


રાજ્યની ઇચ્છાવાળો હું સંગ્રામમાં,ભીષ્મ,દ્રોણ,કૃપ આદિને નમસ્કાર કરીને યુદ્ધનો પ્રારંભ કરીશ.જે પાપ બુદ્ધિવાળો પુરુષ પાંડવોની સાથે યુદ્ધ કરશે,તેનું મરણ ધર્મ પ્રમાણે પ્રાપ્ત થયું છે એમ હું માનું છું.જે ક્રૂર કૌરવોએ ખોટો ખેલ ખેલીને પાંડવોને હરાવ્યા,ને જેઓને લીધે પાંડવોએ કષ્ટદાયક બાર વર્ષનો વનવાસ ને એક વર્ષનો ગુપ્તવાસ વેઠ્યો,તેઓ પાંડવોના જીવતાં રાજ્યાસન પર બેસીને આનંદ ભોગવે એ કેમ સંભવે? દુર્યોધન,જો પુરુષને કર્મથી બંધાયેલો ન માનતો હોય અને અમને બળહીન માનતો હોય તો ભલે તે તેનો વિજય માને પણ હું તો માત્રે વાસુદેવને સાથે રાખીને,અનુનાયીઓની સાથે દુર્યોધનને મારવાની ઈચ્છા રાખું છું.પૂર્વનાં કર્મ તરફ દ્રષ્ટિ કરતાં,દુર્યોધનનો પરાજય જ થવો ઠીક છે.એમ હું માનું છું.(95)


હે કૌરવો,હું તમને પ્રત્યક્ષ કહું છું કે-યુદ્ધ કરતાં તમે સર્વ નાશ પામશો,પણ જો યુદ્ધ નહિ કરો તો જ તમે બચી જશો.

હું કર્ણ સહિત ધૃતરાષ્ટ્ર પુત્રોને મારીને કૌરવોનું આખું રાજ્ય જીતી લઈશ.માટે તમારે જે કાર્ય કરવું હોય તે કરી લો,અને તમારી સ્ત્રીઓ તથા બીજા વૈભવોને ભોગવી લો.અમારી પાસેના વિદ્વાન ને જ્યોતિષમાં પ્રવીણ બ્રાહ્મણો કહે હે કે કૌરવોનો ક્ષય ને પાંડવોનો વિજય નિશ્ચિત છે.યુધિષ્ઠિર અને શ્રીકૃષ્ણ પણ અમારા જયને માટે સંશય જોતા નથી.હું પોતે પણ સાવધાન બુદ્ધિથી ભાવિનું તેવું જ સ્વરૂપ જોઉં છું.મારુ ગાંડીવ હાથ અડકાડ્યા વિના જ કંપ્યા કરે છે અને મારાં બાણો ભાથાના મુખમાંથી નીકળીને વારંવાર બહાર જવાનું સૂચન કરે છે.મારી તલવાર મ્યાનમાંથી બહાર નીકળી પડે છે અને ધ્વજમાંથી ભયંકર વાણી થાય છે કે-'હે અર્જુન તારો રથ ક્યારે જોડાશે?' (103)


હું પણ શત્રુઓનો વધ કરવાના નિશ્ચયથી મહાસ્ત્ર,પાશુપત,બ્રહ્માસ્ત્ર ને ઇન્દ્રે આપેલું અસ્ત્ર છોડીને કોઈને બાકી રાખીશ નહિ.

અને ત્યારે જ હું શાંત થઈશ એવો મારો દૃઢ અભિપ્રાય છે.એ તું તેઓને કહેજે.યુદ્ધમાં ઇન્દ્ર ને દેવો પણ સામે આવે તો તેઓને જીતી લે એવા પાંડવોની સાથે દુર્યોધન હઠથી યુદ્ધ કરવા ઈચ્છે છે-એ તેના મોહને તો જુઓ !! છેવટે,ભીષ્મ-આદિ વૃદ્ધો જે (યુદ્ધ ન કરવાનું)કહે છે તે જ થાઓ,અને સર્વ કૌરવો આયુષ્યમાન રહો (109)

અધ્યાય-48-સમાપ્ત