દુર્યોધન,જો અજમીઢવંશી યુધિષ્ઠિર રાજાને રાજ્ય આપશે નહિ તો,ધૃતરાષ્ટ્રના પુત્રોએ જેનું ફળ હજી ભોગવ્યું નથી,એવું પાપકર્મ પૂર્વે અવશ્ય કરેલું છે એમ માનવું કેમ કે પાંડવો,શ્રીકૃષ્ણ,સાત્યકિ,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી આદિ અને જે અપકારનું ચિંતન કરવાથી જ પૃથ્વી ને સ્વર્ગને બાળી મૂકે તેવા છે તે યુધિષ્ઠિરની સાથે અવશ્ય યુદ્ધ કરવું પડશે.દુર્યોધન જો યુદ્ધ કરવાની જ ઈચ્છા રાખતો હોય તો પાંડવોને સંપૂર્ણ રાજ્ય મળ્યું છે-એમ જ સમજ.માટે પાંડવોના હિતને માટે તું અર્ધું રાજ્ય મળે તેમ કરીશ નહિ પણ જો તારી માન્યતા હોય તો યુદ્ધ થવા જ દેજે.(10)
ધર્માચરણ કરનારા યુધિષ્ઠિરને વનમાં કાઢવાથી તેમને દુઃખશય્યામાં પડવું પડ્યું છે,માટે દુર્યોધન પણ પ્રાણ વિનાનો થઈને તે અતિ દુઃખદાયક અને અનર્થથી ભરેલી અંતકાળની શય્યા પર ભલે શયન કરે.અમારા યુધિષ્ઠિર રાજા,નમ્રતા,સરળતા,તપ,દમ,
ધર્મરક્ષણ અને બળથી યુક્ત હોવા છતાં કપટથી ફસાયા છે અને સત્ય જ બોલવાથી બહુ સમયથી દુઃખ ભોગવે છે,તો પણ સહન કર્યા કરે છે,પરંતુ ઘણા વર્ષોથી દાબી રાખેલો તેમનો ભયંકર ક્રોધ,જો કૌરવો પર છૂટશે તો દુર્યોધનને યુદ્ધ કરવા માટે પશ્ચાતાપ થશે.તેમની ક્રોધની દ્રષ્ટિમાત્રથી દુર્યોધનની સેના બળશે.અને જયારે એ દુર્યોધન,હાથમાં ગદા લઈને ક્રોધરૂપી વિષને ઓકતા,અસહનશીલ ને ભયંકર વેગવાળા ભીમને જોશે ત્યારે તે યુદ્ધ કરવા માટે પશ્ચાતાપ કરશે.(16)
સુખ ભોગવવાને યોગ્ય પણ લાંબા સમયથી વનના દુઃખો ભોગવીને ક્રોધાયમાન થયેલા,નકુળ ને સહદેવ,ઝેરી સર્પની જેમ ક્રોધરૂપી વિષ ઓકવા માંડશે ને યોદ્ધાઓને કાપીને તેમના મસ્તકોનો ઢગ કરશે ત્યારે યુદ્ધ કરવા માટે દુર્યોધન પશ્ચાતાપ કરશે.
વળી,બાળવયવાળા છતાં પ્રૌઢ જેવા જણાતા અસ્ત્રવિદ્યામાં કુશળ દ્રૌપદીના પાંચ પુત્રો,જયારે પ્રાણોની દરકાર કર્યા વિના કૌરવો પર તૂટી પડશે ત્યારે દુર્યોધનને યુદ્ધ કરવા પશ્ચાતાપ થશે.અસ્ત્રવિદ્યામાં કુશળ ને શ્રીકૃષ્ણ જેવો જ પરાક્રમી અભિમન્યુ જયારે સેનામાં પ્રવેશ કરી સેના પર તરાપ મારશે,ત્યારે દુર્યોધનને યુદ્ધ કરવા માટે પશ્ચાતાપ થશે.(34)
વૃદ્ધ તથા મહારથી એવા વિરાટ અને દ્રુપદ,જુદુંજુદું સૈન્ય લઈને ક્રોધ કરીને સેનાનો ઘાણ કાઢી નાખશે ત્યારે દુર્યોધનને યુદ્ધ કરવા પશ્ચાતાપ થશે.સજ્જનોમાં શ્રેષ્ઠ અને કૌરવોમાં મહાવીર એવા ભીષ્મને યુદ્ધમાં શિખંડી મારશે,એટલે અમારા શત્રુઓ કદીપણ જીવી શકશે નહિ,એ હું ખરેખર સત્ય કહું છું,ને ત્યારે દુર્યોધનને યુદ્ધ કરવા માટે પશ્ચાતાપ થશે.શત્રુઓના મારાને સહન કરનારો,ને દ્રોણે જેને ગુહ્ય અસ્ત્રવિદ્યા શીખવી છે તેવો ધૃષ્ટદ્યુમ્ન,જયારે બાણો વડે,કૌરવોનો સંહાર કરતો,દ્રોણની સામે ચડી જશે ત્યારે દુર્યોધન યુદ્ધ કરવા માટે પશ્ચાતાપ કરશે.યાદવસિંહ સાત્યકિને શત્રુઓ સહન કરી શકશે નહિ.તે અમારો સહાયક થયો છે.શસ્ત્રવિદ્યામાં કુશળ એવો તે બાણોની વૃષ્ટિ કરીને યોદ્ધાઓને ઢાંકી દેશે ત્યારે દુર્યોધનને યુદ્ધ માટે પશ્ચાતાપ થશે.(50)
જયારે સુવર્ણ અને મણિથી ઝળહળતા,શ્વેત ઘોડાઓ જોડેલા,ધ્વજમાં ભયંકર વાનરવાળા અને શ્રીકૃષ્ણ જેના પર બેઠેલા હશે તે તે મારા રથને દુર્યોધન જોશે ત્યારે તે અવશ ચિત્તવાળો મૂર્ખ સંતાપ કરશે.જયારે મહાયુદ્ધમાં હું ગાંડિવની દોરી ખેંચીને તે ધનુષ્યને કંપાવીશ ત્યારે તેના મહાભયંકર શબ્દને મંદબુદ્ધિવાળો દુર્યોધન સાંભળશે અને પોતાના સૈન્યને નાસભાગ કરતું જોશે ત્યારે તે દુર્બુદ્ધિમાન તથા મૂર્ખ દુર્યોધન સંતાપ કરશે.એકઠા મળેલા ચોરના ટોળાનો નાશ કરવા માટે અને પ્રલયકાળે બીજા યુગધર્મને પ્રવર્તાવવા માટે,અગ્નિની જેમ હું કૌરવોને બાળી નાખીશ,ત્યારે પુત્રની સાથે ધૃતરાષ્ટ્ર સંતાપ કરશે.ક્રોધને અધીન દુર્યોધન,ભાઈઓ સૈન્ય સાથે ઐશ્વર્યથી ભ્રષ્ટ થશે ત્યારે તે મૂર્ખ ગર્વરહિત તથા ઘાયલ થઈને પશ્ચાતાપ કરશે.(66)