યાનસંધિ પર્વ
અધ્યાય-૪૭-સંજય સભામાં આવ્યો
II वैशंपायन उवाच II एवं सनत्सुजातेन विदुरेण च धीमता I सार्ध कथयेतो राज्ञः स व्यतीयाय शर्वरी II १ II
વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે સનત્સુજાત અને બુદ્ધિમાન વિદુરની સાથે વાર્તાલાપ કરતા ધૃતરાષ્ટ્રની તે રાત વીતી ગઈ.પ્રભાત થતા,સર્વે રાજાઓ સંજયને મળવાની ઈચ્છાથી પ્રસન્ન થઈને સભામાં દાખલ થયા.તે સુંદર રાજસભામાં,પાંડવોનાં ધર્મ તથા અર્થયુક્ત વચનો સાંભળવાની ઈચ્છાથી ધૃતરાષ્ટ્રને આગળ કરીને ભીષ્મ,દ્રોણ,કૃપ વગેરે અને દુર્યોધનને આગળ કરીને શકુનિ,કર્ણ વગેરે તથા સર્વ રાજાઓ દાખલ થયા.પછી,સંજય પણ ત્યાં આવી પહોંચ્યો ને કહેવા લાગ્યો કે-'હું પાંડવોની પાસે જઈને પાછો આવ્યો છું.પાંડવો સર્વ કૌરવોને વયના પ્રમાણમાં અભિનંદન ને વૃદ્ધોને વંદન આપ્યા છે.પાંડવોએ મળીને જે સંદેશો કહ્યો છે તે હું હવે સર્વને કહીશ,તે તમે સર્વ સાંભળો (17)
અધ્યાય-47-સમાપ્ત
અધ્યાય-૪૮-અર્જુનના સંદેશાનું નિવેદન
II धृतराष्ट्र उवाच II प्रुच्छामि त्वां संजय राजमध्ये किमवाक्यमदीनसत्थ: I धनंजयस्तात युधां प्रणेता दुरात्मनां जीवितच्छिन्म्हात्मा II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,હું તને રાજાઓની વચ્ચે પૂછું છું કે-ઉદાર બળવાળા,યોદ્ધાઓના નેતા
અને દુરાત્માઓનાં જીવિતનો નાશ કરનાર એવા મહાત્મા અર્જુને શું કહ્યું છે તે કહે
સંજય બોલ્યો-યુદ્ધ કરવાની ઈચ્છાવાળા,અર્જુને,યુધિષ્ઠિરની સંમતિથી,શ્રીકૃષ્ણના સાંભળતાં જે વચનો કહ્યાં છે તે વચનો દુર્યોધને શ્રવણ કરવાં.અર્જુને વાસુદેવની સમક્ષ મને કહ્યું છે કે-હે સંજય,જે મંદ બુદ્ધિવાળો,કાળ વડે પરિપક્વ થયેલો અને અત્યંત મૂર્ખ કર્ણ,મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખે છે,તેની અને અમારી સામે જે રાજાઓને યુદ્ધ કરવા માટે બોલાવ્યા હોય તેમના સાંભળતાં,તથા કૌરવોની ને પ્રધાનોની વચ્ચે દુર્યોધનને મારા કહેલા સમગ્ર વચન સંભળાવજે.(5)