Jan 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-708

 

જેમ,સર્પો દરમાં રહીને પોતાના શરીરને છુપાવે છે,તેમ,કેટલાક (દંભી)મનુષ્યો પોતાના ગુરુના શિક્ષણથી અથવા દંભી વર્તનથી પોતાના પાપોને છુપાવે છે.આવા પુરુષો પર મૂઢ મનુષ્યો મોહ પામે છે,ને તે દંભી પુરુષો તે મૂઢોને નરકમાં નાખવા મોહિત કરે છે,માટે પરમાત્માના લાભને માટે સારી રીતે પરીક્ષા કરેલ સજ્જનોની જ સંગતિ કરવી જોઈએ.જીવન્મુકતને અનુભવ થાય છે કે 'હું ત્રણે કાળમાં અસત એવા દેહાદિકના ધર્મવાળો નથી,માટે મને જીવન-મૃત્ય નથી,ને જયારે મને બંધન નથી તો મોક્ષ કોનાથી?

સત્ય અને અસત્યરૂપ જગત સત્ય તથા સમાન એવા બ્રહ્મને આધીન છે અને કાર્ય-કારણની ઉત્પત્તિનું સ્થાન હું એક જ છું'

તેવા મને -સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (22)

એ ચૈતન્યરૂપ બ્રહ્મ,સારા કર્મથી ઉત્કૃષ્ટ થતા નથી અથવા નઠારાં કર્મથી અધમ થતા નથી.આ ઉત્તમ-અધમ પણું તો મનુષ્યોમાં જ જોવામાં આવે છે.એ ચિદરૂપ બ્રહ્મ કૈવલ્યના જેવા છે એમ જાણવું.અર્થાંત જેમ,કૈવલ્યમાં પુણ્ય-પાપનો સ્પર્શ થતો નથી,તેમ,બ્રહ્મવેત્તાને પણ પુણ્ય-પાપનો સ્પર્શ થતો નથી,માટે પૂર્વોક્ત પ્રકારે યોગ કરનારાએ તે બ્રહ્મને હરકોઈ રીતે પ્રાપ્ત કરવાની ઈચ્છા કરવી.યોગીઓ તે સનાતન ભગવાનને પ્રત્યક્ષ જુએ છે (23)નિંદાવચનો,આત્મવેત્તાના હૃદયને તપાવતા નથી,તેમ જ 'મેં અધ્યયન કર્યું નહિ કે અગ્નિહોત્રમાં હોમ કર્યો નહિ'એવી ચિંતાઓ પણ તેના મનને તપાવતી નથી.બ્રહ્મવિદ્યા,પુરુષને તુરત તે જ્ઞાન અર્પણ કરે છે કે જે જ્ઞાનને ધ્યાનવાળા પુરુષો અવશ્ય પ્રાપ્ત કરે છે.પૂર્વોક્ત કારણો જેને તપાવતા નથી,તે બ્રહ્મરૂપ સનાતન ભગવાનનો યોગીઓ સાક્ષાત્કાર કરે છે (24)


એ પ્રમાણે જે પુરુષ,જુદાંજુદાં કામોમાં જોડાયેલા સર્વ પ્રાણીઓમાં,ગુરુના ઉપદેશથી આત્માને જુએ છે,તે શા માટે શોક કરે?

જેમ,ચોતરફ પાણીથી ભરેલા મોટા સરોવરમાંથી મનુષ્ય,ઉપયોગ જેટલા જળથી સ્નાન-પાન વગેરે કાર્ય સિદ્ધ કરે છે,તેમ,આત્મવેત્તા પુરુષ પણ સર્વ વેદોમાંથી સારમાત્ર ગ્રહણ કરીને કૃતાર્થ થાય છે (26)હૃદયમાં રહેલા,અંગુઠા જેવડા તે મહાત્મા પુરુષ જોવામાં આવતા નથી,પણ તે અજન્મા,આળસરહિત થઈને રાત્રિદિવસ ઉદ્યોગી રહે છે.

જ્ઞાની પુરુષ તેને આત્મા જાણી,કર્મથી શાંત થઈને પ્રસન્ન થઈને રહે છે (27)


હું જ માતા તથા પિતા કહેવાઉ છું,વળી પુત્ર પણ હુંજ છું અને ભૂત,ભવિષ્ય તથા વર્તમાન કાળમાં સર્વનો આત્મા પણ હું જ છું.હે ભારત,હું વૃદ્ધ પિતામહ છું,પિતા છું તથા પુત્ર છું.તમે મારા જ આત્મામાં રહેલા છો,પરંતુ તમે મારા નથી અને અમે તમારા નથી (29)મારુ અધિષ્ઠાન આત્મા જ છે,મારા જન્મનો હેતુ પણ આત્મા જ છે,અચલ પ્રતિષ્ઠાવાળો હું જગતમાં ઓતપ્રોત રહેલો છું અને અજન્મા એવો હું આળસરહિત થઈને નિત્ય વિચર્યા કરું છું,મને જાણીને જ્ઞાની પ્રસન્ન રહે છે (30)

આત્મા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે.સુમના એટલે દિવ્ય ચક્ષુવાળા છે અને સર્વ પ્રાણીઓમાં અંતર્યામીરૂપે જાગ્રત છે.તે સર્વના પિતા,સર્વ પ્રાણીઓના હૃદયકમળમાં રહેલા છે એમ જ્ઞાનીઓ જાણે છે (31)

અધ્યાય-46-સમાપ્ત 

સનત્સુજાત પર્વ સમાપ્ત