Jan 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-707

 

તે પરમાત્મા (બ્રહ્મ)થી જ વાયુ ઉત્પન્ન થયો છે અને સર્વદા તેમાં જ અધીન થઈને રહે છે.તે બ્રહ્મથી અગ્નિ તથા સોમ (ભોક્તા-ભોજ્ય) ઉત્પન્ન થયાં છે અને તેનામાં પ્રાણ,દેહ તથા ઇન્દ્રિય-આદિનો સમૂહ વિસ્તાર પામીને રહેલો છે.

આ સર્વ જગત,તેનાથી જ ઉત્પન્ન થયેલું જાણવું.'તત' શબ્દથી કહેવાતા તે પરમાત્મા (બ્રહ્મ)નું વર્ણન કરવા અમે સમર્થ નથી.વાણીના અવિષય તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (12) પ્રાણ,અપાનને ગળે છે,ચંદ્ર પ્રાણને ગળે છે,આદિત્ય ચંદ્રને ગળે છે ને પરમાત્મા આદિત્યને ગળે છે,તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (14)

તે હંસ (પરમાત્મા),સંસારસલિલથી ઉપર ત્રણ ચરણ (જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ અવસ્થા)વડે ગતિ કરે છે અને ચોથો ચરણ (તુરીય અવસ્થા)પ્રકાશિત કરતા નથી.તે ત્રણ ચરણને ચલાવવા વ્યાપ્ત થઈને રહેલા ચોથા ચરણને જે પ્રત્યક્ષ કરે છે તેને મૃત્યુ કે અમૃત પ્રાપ્ત થતાં નથી,તે તુરીય પદરૂપ સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (14)અંગુઠા જેવડા અંતરાત્મા પુરુષ,આ લિંગ શરીરના સંબંધથી નિત્ય આ લોક-પરલોકમાં (જાગ્રત-સ્વપ્નમાં)ગમન કરે છે તે ઈશ,સ્તુતિ કરવા યોગ્ય,ઉપાધિના સ્વીકાર પછી સર્વ કાર્ય કરવા સમર્થ,મૂળ કારણ અને પ્રત્યક-ચૈતન્ય-રૂપે પ્રકાશમાં છે છતાં અજ્ઞાનીઓ જેને જોતા નથી,પણ યોગીઓ તે સનાતન ભગવાનને પ્રત્યક્ષ જુએ છે (15)


મનુષ્યોમાં,સાધનવાળા કે સાધન વિનાના એવા સર્વમાં બ્રહ્મ સમાન દેખાય છે,તે જ પ્રમાણે મુક્ત તથા બદ્ધમાં પણ તે બ્રહ્મ સમાન છે,પરંતુ તેમાં મુક્ત પુરુષો જ બ્રહ્મરસની પરાકાષ્ઠાને પ્રાપ્ત થયા છે.જે આ પ્રમાણે સર્વમાં સમાન છે તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે.(16) જ્ઞાની પુરુષ,બ્રહ્માકાર વૃત્તિ વડે આત્મ ને અનાત્મ-એ બંને લોકોમાં વ્યાપીને ગમન કરે છે અને તે સમયે તેણે નહિ હોમેલું અગ્નિહોત્ર પણ હોમેલું જ ગણાય છે.'પ્રજ્ઞાન'એવું જે બ્રહ્મનું નામ છે તેને ધીર પુરુષો પામે છે અને તે સનાતન બ્રહ્મને (પ્રજ્ઞાન બ્રહ્મને) યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (17)


ઉપર પ્રમાણે વર્ણવેલા પરમાત્મા,ભોક્તા જીવનો પોતાનામાં ઉપસંહાર કરે છે.તે પૂર્ણ પુરુષને જે જાણે છે,તેનો પુરુષાર્થ આ લોકમાં નાશ પામતો નથી,તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે (18) જે કોઈ અનંત પાંખો પહોળી કરીને દૂર ઉડી જાય અને મનના જેવા વેગવાળો હોય તો પણ તે શરીરની અંદર રહેલા હૃદયમાં રહેલા પરમેશ્વરમાં જ આવી જાય છે.એ રીતે દૂર રહેલો પણ જેમાં છે તે સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ જુએ છે.(19)એ પરમાત્માનું રૂપ,ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી ગ્રહણ થતું નથી,પરંતુ અત્યંત શુદ્ધ ચિત્તવાળા પુરુષો ચિત્ત વડે જ તેને ગ્રહણ કરે છે.જયારે પુરુષ સર્વનો હિતૈષી થાય,મનના નિગ્રહ કરવાના સ્વભાવવાળો થાય ને પુત્રાદિનો નાશ થતાં પણ મનમાં સંતાપ પામે નહિ,ત્યારે જ તેની ચિત્તશુદ્ધિ થઇ એમ જાણવું.તે શુદ્ધચિત્ત દ્વારા પરમાત્માને જાણીને જેઓ વિઘ્નના હેતુરૂપ ગૃહ વગેરેનો ત્યાગ કરીને સન્યાસીઓ થાય છે તેઓ અમૃત(મુક્ત)થાય છે ને તે અમૃતરૂપ સનાતન ભગવાનને યોગીઓ પ્રત્યક્ષ કરે છે (20)

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE