Jan 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-705

 

સ્નેહના છ ગુણો જાણવા યોગ્ય છે.સ્નેહીનાં સુખથી સુખી થવું,દુઃખથી દુઃખી થવું,પોતાની ગમતી ને ન માગવા જેવી વસ્તુ પણ જો સ્નેહી માગે તો આપવી,પોતાના ઇષ્ટ વૈભવો,પુત્રો અને પોતાની સ્ત્રી પણ,યાચના કરેલ સ્નેહીને અર્પણ કરવા યોગ્ય છે.

જેણે પોતે સર્વસ્વ આપ્યું હોય,તેના ઘરમાં કામથી (એટલે મેં આના પર ઉપકાર કર્યો છે)એવી બુદ્ધિથી વાસ કરવો નહિ.

પોતા મેળવેલા ધનનો જ ઉપભોગ કરવો અને મિત્રના હિતને માટે પોતાનું હિત છોડી દેવું-આ છ સ્નેહના ગુણો છે (13)

જે દ્રવ્યવાન,આવા ગુણોવાળો,દાતા તથા સત્વગુણી હોય છે તે,શબ્દાદિક વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી વાળી શકે છે.

ઇન્દ્રિયોને પાછી વાળવા રૂપ આ તપ ઊંચા પ્રકારનું છે,તો પણ તે કેવળ ઉર્ધ્વગતિ આપનારું છે.અર્થાંત જ્ઞાનની જેમ આ લોકમાં જ કૃતાર્થતા સંપાદન કરી આપતું નથી.જેઓ તીવ્ર વૈરાગ્યના અભાવે,ધૈર્યથી ભ્રષ્ટ થઈને,દિવ્ય ભોગો ભોગવવાના સંકલ્પથી તપનો સંચય કરે છે તેઓને જ ઉપરના લોકોની પ્રાપ્તિ થાય છે (15)જે સંકલ્પથી યજ્ઞો વૃદ્ધિ પામે છે તે સત્ય સંકલ્પના ધારણથી,કોઈનો મન દ્વારા,કોઈની વાણી દ્વારા અને કોઈનો કર્મ દ્વારા યજ્ઞ થાય છે (16)


સંકલ્પસિદ્ધ પુરુષના પર અસંકલ્પ ચિદાત્મા જ અધિપતિપણું ભોગવે છે.નિર્ગુણ બ્રહ્મને જાણનારા બ્રાહ્મણમાં સત્ય સંકલ્પ વગેરે ગુણો અતિશય પ્રગટ થાય છે.(17)બ્રહ્મની પ્રાપ્તિ કરાવતું આ યોગશાસ્ત્ર શિષ્યોને ભણાવવું,કારણકે આ વિનાનાં બીજાં શાસ્ત્રોને પંડિતો વાણીના વિકારો કહે છે.આ યોગમાં સર્વ વિશ્વ રહેલું છે,જેઓ તે જાણે છે તે મુક્ત થાય છે.(18)

હે રાજન,પુણ્ય કર્મ કરવાથી સત્યનો જય (બ્રહ્મ-પ્રાપ્તિ) થતો નથી.અજ્ઞાની મનુષ્ય હોમ કરે અથવા યજન કરે તો પણ તેનાથી તે મોક્ષ પામતો નથી ને અંતકાળે આનંદ પણ અનુભવતો નથી (19)ઇન્દ્રિયોનો વ્યાપાર રોકીને કેવળ એકલાએ જ બ્રહ્મની ઉપાસના કરવી,મનથી પણ ચેષ્ટા કરવી નહિ,તેમ જ કોઈ સ્તુતિ કરે તો પ્રસન્ન થવું નહિ કે નિંદા કરે રોષ કરવો નહિ.(20)


હે ક્ષત્રિય,વેદોમાં,પૂર્વોક્ત દ્રષ્ટિભેદોમાં,આરોપ,વ્યામિશ્ર અને અપવાદના ક્રમથી ગતિ કરનારો,આ લોકમાં જ બ્રહ્મ દર્શન કરે છે.

અર્થાંત જેમ,ઘટાકાશ,ઘટરૂપ ઉપાધિનો લય થવાથી મહાકાશમાં પ્રવેશ કરે છે,તેમ,જીવ,ઉપાધિના લયથી બ્રહ્મમાં લીન થઇ જાય છે માટે પ્રત્યક્ષ પ્રયોજનવાળી તથા અનંત ફળવાળી બ્રહ્મવિદ્યા,અદૃષ્ટ અર્થવાળાં તથા વિનાશી ફળવાળા કર્મથી શ્રેષ્ઠ છે,એમ જાણીને જ્ઞાનના માટે જ પ્રયત્ન કરવો,એમ હું તમને કહું છું (21)

અધ્યાય-45-સમાપ્ત