Jan 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-704

 

અધ્યાય-૪૫-સનત્સુજાતનો ઉપદેશ (ચાલુ)


II सनत्सुजात उवाच II शोकः क्रोधश्च लोभश्च कामो मानः परासुता I ईर्ष्या मोहो विधित्सा च कृपासूया जुगुप्सुता II १ II

સનત્સુજાત બોલ્યા-શોક,ક્રોધ,લોભ,કામ,માન,પરાસુતા(નિંદ્રાધીનપણું),ઈર્ષ્યા,મોહ,વિધિત્સા (કાર્ય કરવાની ઈચ્છા),કૃપા,

અસૂયા (ગુણમાં દોષનો આરોપ) ને જુગુપ્સતા(નિંદકપણું)-આ બાર મહાદોષો,મનુષ્યના પ્રાણને નાશ કરનારા છે.આમાંનો એકએક દોષ મનુષ્યોના આશ્રય માટે તેઓની ઉપાસના કર્યા કરે છે,કે જે દોષોથી વ્યાપ્ત થયેલો મૂઢ બુદ્ધિવાળો પુરુષ પાપકર્મ કરવા માંડે છે (2)લાલચુ,ઉગ્ર,પરુષ (કઠોર વાણીવાળો),વદાન્ય (બહુબોલો)મનમાં ક્રોધ રાખનારો અને બડાઈખોર-આ છ ક્રૂર ધર્મવાળા મનુષ્યો,સંપત્તિ પ્રાપ્ત થતાં પણ બીજાને માન આપતા નથી,પણ અપમાન આપે છે (3)

સ્ત્રીસંભોગ વગેરેમાં પુરુષાર્થ બુદ્ધિથી મશગુલ,અતિમાની,દાન આપીને બડાઈ હાંકનારો,કૃપણ,દુષ્ટ બુદ્ધિવાળો,

પોતાની બહુ પ્રશંસા કરનારો અને સર્વદા સ્ત્રીનો દ્વેષ કરનારો-આ સાત પાપશીલ પુરુષો ક્રૂર કહેવાય છે (4)

ધર્મ,સત્ય,તપ,દમ,મત્સરનો અભાવ,લજ્જા,સહનશક્તિ,અદેખાઇનો અભાવ,દાન,શાસ્ત્રાભ્યાસ,ધૈર્ય અને ક્ષમા-આ બાર બ્રાહ્મણનાં મહાવ્રતો છે (5)જે પુરુષ આ બાર મહાવ્રતોથી ભ્રષ્ટ થતો નથી,તે આ સર્વ પૃથ્વીનો અધિપતિ થાય છે.જે મનુષ્ય આમાંથી ત્રણ,બે કે એક ગુણવાળો હોય છે તો તેનું પોતાનું કંઈ પણ નથી (તેણે સર્વનો ત્યાગ કર્યો છે એમ માનવું)(6)


દમ,ત્યાગ અને અપ્રમાદ એઓમાં મોક્ષ રહેલો છે અને એ બુદ્ધિમાન બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણોના ગુણો છે (7)

સત્ય અથવા અસત્ય એવા પારકાના દોષો કહેવા એ બ્રાહ્મણને માટે શ્રેષ્ઠ નથી,જે લોકો એ પ્રમાણે કરે છે તેઓ નરકમાં સ્થિતિ કરે છે.(8) મદ (જે આગળ કહ્યો તે)અઢાર દોષોવાળો છે.લોકદ્વેષ્ય (પરસ્ત્રીગમન વગેરે),પ્રાતિફૂલ્ય(ધર્માદિકમાં વિઘ્ન નાખવું),

અભ્યસૂયા(ગુણીજનમાં દોષારોપ,મિથ્યા વચન,કામ,ક્રોધ,પારતંત્ર્ય (મદ્ય આદિને અધીન થવું),નિંદા,ચાડિયાપણું,અર્થહાનિ,

વિવાદ,માત્સર્યં,પ્રાણપીડા,ઈર્ષ્યા,મોદ (ગર્વથી થનારો હર્ષ)અતિવાદ,સંજ્ઞાનાશ (કાર્ય-અકાર્યના વિવેકનો અભાવ),

અભ્યસુચિતા (નિરંતર પારકાનો દ્રોહ કરવાનો સ્વભાવ)-આ અઢાર મદ ના દોષો છે,માટે બુદ્ધિમાન મનુષ્યે એમાં પડવું નહિ,કારણકે સજ્જનોએ મદમત્તપણાને સદા નિંદયું છે (11)