અધ્યાય-૪૪-સનત્સુજાત ગીતા
II धृतराष्ट्र उवाच II
सनत्सुजात यामिमां परां त्वं ब्राह्मीं वाचं वदसे विश्वरूपां I परां हि कामेन सुदुर्लभां कथां प्रब्रूहि मे वाक्यमिदं कुमार II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સનત્સુજાત,પૂર્વે જે કથા કહી,તેનાથી ઉત્તમ,વિશ્વનો પ્રકાશ કરનારો અને બ્રહ્મને પમાડનારી ઉપનિષદવાણીને તમે જાણો છો,તો તમે તે અત્યંત દુર્લભ એવી કથા મને કહો,એવી મારી પ્રાર્થના છે.
સનત્સુજાત બોલ્યા-હે ધૃતરાષ્ટ્ર,તું અતિઆગ્રહ સાથે પ્રશ્ન કરીને હર્ષમાં આવી ગયો છે પણ એ બ્રહ્મ ઉતાવળ
કરનારને પ્રાપ્ત થતું નથી.મન,બુદ્ધિમાં લીન થયા પછી,ચિંતનરહિત એવી જે કોઈ અવસ્થા છે તે વિદ્યા કહેવાય છે
અને તે વિદ્યા બ્રહ્મચર્યથી પ્રાપ્ત થઇ શકે છે (2)
ધૃતરાષ્ટ્ર બોલ્યા-તમે નિત્યસિદ્ધ એવી બ્રહ્મવિદ્યાને,બ્રહ્મચર્ય વડે પ્રાપ્ત થતી કહો છો,પરંતુ બ્રહ્મવિદ્યાનો કંઈ કર્મની જેમ આરંભ કરવો પડતો નથી,કારણકે તે કાર્ય સમયે આત્મામાં જ વાસ કરે છે.જો આમ છે તો પછી,બ્રહ્મને યોગ્ય એવા મોક્ષને માટે શા માટે પ્રયત્ન કરવો જોઈએ? (એટલે કે બ્રહ્મવિદ્યા જો સ્વતઃ પ્રાપ્ત હોય તો પછી મળેલી વસ્તુના લાભ માટે યત્નની શી જરૂર?)
સનત્સુજાત બોલ્યા-વિદ્યા,વૃદ્ધ ગુરુઓમાં જ નિત્ય રહેલી છે અને તે તેઓની બુદ્ધિ દ્વારા તથા બ્રહ્મચર્ય પાળવાથી
જ સિદ્ધ થાય છે.આ પુરાતની બ્રહ્મવિદ્યા હું તને કહીશ,કે જેને પ્રાપ્ત થઈને મનુષ્યો મર્ત્યલોકને ત્યજી જાય છે.
(તાત્પર્ય છે કે-બ્રહ્મ સર્વાત્મ હોવાથી નિત્ય પ્રત્યક્ષ છે તો પણ બુદ્ધિની ઉપાધિના (મેલના) સંબંધ વડે પ્રકાશિત ન થતાં
અસ્પષ્ટ રહે છે માટે તે અસ્પષ્ટ બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવનારી વિદ્યાને માટે યત્ન કરવો જ યોગ્ય છે)(4)
ધૃતરાષ્ટ્ર બોલ્યા-જે વિદ્યા,બ્રહ્મચર્ય વડે સુલભતાથી જાણી શકાય તે બ્રહ્મચર્ય કેવું છે? તે કહો.
સનત્સુજાત બોલ્યા-જેઓ,આચાર્ય (ગુરુ)ના સ્થાનમાં પ્રવેશ કરી,નિષ્કપટપણાથી સેવા કરી,આચાર્યના આભ્યંતર થઈને બ્રહ્મચર્ય પળે છે તેઓ જ આ લોકમાં શાસ્ત્રકાર થાય છે ને દેહ છોડ્યા પછી,બ્રહ્મની સાથે એકતા પામે છે (6)
તેઓ,બ્રહ્મભાવને પામવા માટે આ લોકમાં ટાઢ-તાપ વગેરે દ્વન્દ્વોને સહન કરતા,કામનાઓનો વિજય કરે છે.તે સત્વગુણી મનુષ્યો,આ લોકમાં મુંજ નામના ઘાસમાંથી તેમાં રહેલી સળીની જેમ,દેહથી આત્માને છૂટો પડે છે (7)
પિતા અને માતા એ બંને આ નાશવંત શરીરને ઉત્પન્ન કરે છે પણ આચાર્યની બ્રહ્મભાવ પમાડનારી જાતિ (જન્મ)તો પુણ્યરૂપ,અજર અને અમર છે (8)જે આચાર્ય,વાણી વડે બ્રહ્મનો ઉપદેશ કરીને તેના ફલરૂપ મોક્ષને આપે છે અને સત્ય ચિદાત્માથી વ્યાપ્ત કરી દે છે તે આચાર્યને માતા-પિતા માનવા અને તેમના કરેલા ઉપકારને જાણીને તેમનો દ્રોહ કરવો નહિ.
શિષ્યે,ગુરુને નિત્ય પ્રણામ કરવા,પવિત્ર તથા સાવધાન રહીને સ્વાધ્યાયની ઈચ્છા કરવી,અભિમાન કરવું નહિ અને
રોષ ધારણ કરવો નહિ-આ બ્રહ્મચર્યનો પ્રથમ પાદ છે (10)જે પવિત્ર રહી,શિષ્યવૃત્તિના ક્રમથી જ વિદ્યા પ્રાપ્ત કરે છે
તે શિષ્યના બ્રહ્મચર્ય વ્રતનો પ્રથમ પાદ કહેવાય છે.(11)
કર્મ,મન,વાણી,ધન અને પ્રાણવડે પણ આચાર્યનું પ્રિય કરવું-એ બ્રહ્મચર્યનો બીજો પાદ કહેવાય છે.જે પ્રમાણે ગુરુની સાથે
વર્તન હોય તે પ્રમાણે જ ગુરુપત્ની તથા ગુરુપુત્ર સાથે વર્તન રાખવું એ પણ બ્રહ્મચર્યનો બીજો પાદ કહેવાય છે (13)
આચાર્યે,વિદ્યાદાન વડે પોતાના પર ઉપકાર કર્યો છે,એમ જાણીને તથા દુઃખનિવૃત્તિ અને આનંદની પ્રાપ્તિરૂપી તે વિદ્યાનું પ્રયોજન સમજીને શિષ્ય 'એમણે મને ઉન્નત કર્યો છે' એમ માનીને પ્રસન્ન ચિત્તવૃત્તિથી ગુરુને જે માન આપે તે બ્રહ્મચર્યનો ત્રીજો પાદ છે(14)બુદ્ધિમાન શિષ્યે આચાર્યના વિદ્યાદાનરૂપી ઋણને દક્ષિણાદાન દ્વારા ફેડયા વિના,ગુરુગૃહમાંથી નીકળીને બીજા આશ્રમમાં સ્થિતિ કરવી નહિ.તેમ 'હું ગુરુને દક્ષિણા આપું છું' એમ મનમાં માનવું નહિ તે બ્રહ્મચર્યનો ચોથો પાદ છે (15)