Jan 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-701

 

આત્મજ્ઞાનના અભાવને લીધે,સંકલ્પની સિદ્ધિ ન થાય તો દીક્ષિતવ્રત આચરવું.સત્પુરુષો તો સત્ય પરબ્રહ્મને જ શ્રેષ્ઠ માને છે.

જ્ઞાનનું ફળ પ્રત્યક્ષ છે અને તપનું ફળ પરોક્ષ હોય છે.જે દ્વિજ બહુ પઠન કરે તેને બહુપાઠી જાણવો.(48)

હે ક્ષત્રિય,તું કેવળ અધ્યયન વડે જ બ્રાહ્મણ માન નહિ,પણ જે સત્યથી ચલિત થાય નહિ તેને જ બ્રાહ્મણ માનવો (49)

પૂર્વે,મહામુનિ અથર્વા,મહર્ષિઓના સમૂહમાં જે કંઈ બોલ્યા હતા તે ઉપનિષદ-રૂપ-છંદો કહેવાય છે.જેઓ આ ઉપનિષદો સહીત વેદોને અર્થસહિત ભણ્યા હોય તેઓ પણ છંદોવેત્તા ગણાતા નથી કારણકે વેદવેદ્ય અને ઉપનિષદમાં વર્ણવેલા પુરુષ પરમાત્માના તત્વને તેઓ જાણતા નથી (50) વેદો બ્રહ્મને વિષે સ્વતંત્ર સંબંધ ધરાવે છે,તે દ્વારા બ્રહ્મનું જ્ઞાન થવાથી જ મનુષ્યો છંદોવેત્તા થાય છે.આર્ય પુરુષો તેઓની પાસે જઈને વેદોથી વેદ્ય એવા બ્રહ્મને પ્રાપ્ત થતા નથી એમ નથી.(પ્રાપ્ત થાય જ છે) (51)


હે રાજન,વેદોના રહસ્યને જાણનારો કોઈ નથી,કોઈક જ (ચિત્તશુદ્ધિની અધિકતાને લીધે) રહસ્યને પ્રતિપાદન કરનારા વેદોને જાણે છે.જે વેદોને (માત્ર ભણ્યો છે)તે વેદ-બ્રહ્મને જાણતો નથી પણ જે સત્યતત્વમાં સ્થિર છે તે વેદ્ય(જાણવા યોગ્ય અહંકાર આદિ જડ પદાર્થો)ને જાણે છે (52) વેદ્ય એવા અચેતન અહંકાર આદિને જાણનારો પણ વેદિતા (જાણનારો)નથી,તેથી જ વેદ્ય ચિત્ત વડે કોઈ વેદથી જણાતા આત્મા કે અનાત્માને જાણી શકતો નથી.જે આત્માને જાણે છે તે સર્વ અનાત્મવર્ગને પણ જાણે છે પણ જે (માત્ર)અનાત્મવર્ગને જાણે છે તે સત્યસ્વરૂપ બ્રહ્મને (આત્મા કે પરમાત્માને) જાણતો નથી (53)


જે,પરમાત્માને જાણે છે તે વેદ્યને પણ જાણે છે,તે પરમાત્માને વેદો તથા વેદ્ય જાણતા નથી,તથાપિ જે બ્રાહ્મણો વેદવેત્તાઓ છે તેઓ વેદના 'પ્રમાણ' વડે જ સર્વને જાણનારા પરમાત્માને જાણે છે (54) જેમ,ચંદ્રની કળા દેખાડવામાં,પ્રથમ (જે ઝાડની ડાળી નજીક ચંદ્ર દેખાતો હોય તે)ઝાડની ડાળી દેખાડવામાં આવે છે,તેમ,પરમાત્માના સર્વથા અબાધ્ય એવા જ્ઞાનને માટે વેદો ગ્રહણ કરવામાં આવે છે એમ વિદ્વાનો માને છે.(55) વિચક્ષણ,છિન્નસંશય (નિઃસંશય) અને બીજાના સર્વ સંશયોને દૂર કરનારા વ્યાખ્યાતા પુરુષને જ હું બ્રાહ્મણ (ગુરુ) માનું (જાણું) છું (56)


પૂર્વ-પશ્ચિમ,ઉત્તર-દક્ષિણ,નીચે કે આડાં સ્થાનોમાં અથવા દિશારહિતમાં (અંતરહૃદયમાં) ક્યાંય પરમાત્માને શોધવાનું સ્થાન જડતું નથી.(57)આત્મા તરીકે પ્રસિદ્ધ છતાં આત્માથી ભિન્ન એવા પાંચ કોશોમાં આત્માને શોધવો એ ક્લેશ સાધ્ય છે.

તપસ્વી પુરુષ એ આત્માને વેદમાં ન ખોળતાં કેવળ ધ્યાનથી જ તે પ્રભુ (પરમાત્મા કે બ્રહ્મ)નાં દર્શન કરે છે (58)

વાણી વગેરે બાહ્ય ઇન્દ્રિયોનો વ્યાપાર બંધ કરીને પરમાત્માની ઉપાસના કરવી.તે વખતે મનની પણ ચેષ્ટા કરવી નહિ.

આ રીતે તું વેદમાં પ્રખ્યાત એવા અને વાણીથી અવિષય એવા બ્રહ્મની હૃદયાકાશમાં ઉપાસના કર (59)


પુરુષ મૌનથી મુનિ થતો નથી કે અરણ્યમાં વાસ કરવાથી પણ મુનિ થતો નથી,પરંતુ જે પ્રત્યગાત્માનું લક્ષણ જાણે છે 

તે (જ્ઞાની) જ શ્રેષ્ઠ મુનિ કહેવાય છે.(60) જ્ઞાની સર્વ વિષયોનું વ્યાકરણ (પ્રગટીકરણ)કેરે છે તેથી જ તે વૈયાકરણ કહેવાય છે,

તે વ્યાકરણ,મૂળ કારણ એવા બ્રહ્મને પામવાથી જ થાય છે,કારણકે પરમાત્મા જ વ્યાકર્તા એટલે કે સર્વને વિશેષરૂપે પ્રગટકર્તા છે (61)સર્વ લોકોને (આત્મભિન્ન ચરાચર વસ્તુને) પ્રત્યક્ષ જોનારો પુરુષ સર્વદર્શી થાય છે પરંતુ સત્યસ્વરૂપ બ્રહ્મમાં સ્થિતિ કરનારો (દેહાદિ આકારવાળી વૃત્તિમાં ન રહેનારો)બ્રહ્મવેત્તા બ્રાહ્મણ તો સર્વજ્ઞ થાય છે (62)


હે ક્ષત્રિય,આ પ્રમાણે સાધનવાન,પૂર્વોક્ત ધર્માદિકમાં સ્થિતિ પામેલો અને વેદોમાં અનુક્રમથી આરૂઢ થયેલો પુરુષ 

બ્રહ્મનાં દર્શન કરે છે.આ હું તને સ્નેહયુક્ત બુદ્ધિથી કહું છું (63)

અધ્યાય-43-સમાપ્ત