મદ ના ઉપર જણાવેલ અઢાર દોષો છે અને (આગળ દર્શાવેલ) છ પ્રકારનો ત્યાગ છે.તે ત્યાગના વિપર્યાસ રૂપે છ (બીજા)દોષો છે.આ છ દોષો અને ઉપરના અઢાર મળીને ચોવીસ દોષો મદ ના કહેલા છે.છ પ્રકારનો ત્યાગ અતિશ્રેષ્ઠ છે,પરંતુ તેમાં ત્રીજો ત્યાગ દુષ્કર છે કારણકે તે ત્યાગ કરવાથી દ્વૈતનો વિજય થાય છે ને તેથી (તે અનિર્વચનીય) પુરુષ દુઃખને તરી જાય છે.(27)
છ પ્રકારનો ત્યાગ આ પ્રમાણે છે.લક્ષ્મી કે વિદ્યા પ્રાપ્ત કરીને ગર્વ કરવો નહિ,નિત્ય વૈરાગ્યને લીધે ઇષ્ટ (યજ્ઞ-આદિ)
તથા પૂર્ત (તળાવો બંધાવવા-આદિ)કર્મોનો ત્યાગ અને ત્રીજો કામનાનો ત્યાગ (29)
સ્ત્રી વગેરે ભોગ્ય દ્રવ્યોનો ત્યાગ કરવાથી જે નિષ્કામપણું પ્રાપ્ત થાય છે તે ભોગ્ય વસ્તુનો યથેષ્ટ ઉપભોગ કરવાથી,ભોગ્ય વસ્તુઓ મળવાથી તથા ભોગને માટે તેમને ખર્ચવાથી પણ પ્રાપ્ત થતું નથી (30) જે પુરુષ કીર્તિ વગેરે સર્વગુણોથી સંપન્ન હોય તથા દ્રવ્યવાન હોય છતાં તેને કાર્યો સિદ્ધ ન થાય તો પણ તેણે દુઃખ કરવું નહિ ને ગ્લાનિને પ્રાપ્ત થવું નહિ.અપ્રિય પ્રાપ્ત થતાં પણ દુઃખ પામવું નહિ અને ઇષ્ટવર્ગ,પુત્રો તથા સ્ત્રીની પાસે કદી યાચના કરવી નહિ (32) યોગ્ય યાચકને દાન આપવું એ શુભ છે.આ છ પ્રકારના ત્યાગ વડે પુરુષ અપ્રમાદી થાય છે અને આ અપ્રમાદ એ આઠ ગુણોવાળો છે (33)
સત્ય,ધ્યાન,સમાધાન,ચોદ્ય,વૈરાગ્ય,અસ્તેય,બ્રહ્મચર્ય,અને અસંગ્રહ-આ આઠ અપ્રમાદના ગુણો છે (34)
ઉપર મદ ના જે દોષો કહેલા છે તે દોષોનો ત્યાગ કરવો તથા ત્યાગ અને આઠ ગુણવાળા અપ્રમાદનું સેવન કરવું (35)
પાંચ ઇન્દ્રિયોથી,મનથી અને ભૂત-ભવિષ્યકાળના ક્લેશથી પ્રમાદના આઠ દોષો ઉત્પન્ન થાય છે,તે દોષોનો સારી રીતે ત્યાગ કરવાથી મનુષ્ય સુખી થાય છે.(36) હે રાજન,તું સત્યાત્મા થા કારણકે સર્વ લોકો સત્યમાં રહેલા છે.અને આ દમ,ત્યાગ,અપ્રમાદ વગેરેને પણ પંડિતો સત્યમુખ (સત્યપ્રધાન) કહે છે.વળી આ સત્યમાં અમૃત (મુક્તિ) રહેલી છે.(37)
આ લોકમાં દોષ દૂર કરીને જ તપરૂપી વ્રત આચરવું,એવો વિધાતાએ નિયમ કરેલો છે.સત્પુરુષોનું વ્રત એ સત્ય જ છે (38)
ઉપર કહેલા દોષોથી મુક્ત અને ઉપર કહેલા ગુણોથી યુક્ત એવા પુરુષનું એ જ તપ અત્યંત સમૃદ્ધિવાળું
તથા મોક્ષસાધક થાય છે.હે રાજન,તમે મને જે પૂછ્યું તે મેં સંક્ષેપમાં કહ્યું છે,
કે જે પાપ હરનારું,પુણ્ય ઉત્પન્ન કરનારું ને જન્મ,મૃત્યુ જરાને હણનારું છે (40)
ધૃતરાષ્ટ્ર બોલ્યા-પાંચમા વેદ,ઇતિહાસ-પુરાણ-આદિને સાથે,ચારે વેદો બ્રહ્મને જગતરૂપ કહે છે.
કેટલાએક ચતુર્વેદી (ચાર વેદ કહેનારા),કેટલાએક ત્રિવેદી,કેટલાએક દ્વિવેદી,કેટલાએક એકવેદી અને
કેટલાએક અનૃચ (અદ્વૈત બ્રહ્મવાદી) છે,તો તેઓમાં એવો કોણ છે?કે જેને હું બ્રાહ્મણ તરીકે જાણું? (42)
સનત્સુજાત બોલ્યા-હે રાજન,સત્ય એવા એક વેદ્યના અજ્ઞાનને લીધે બહુ વેદોની કલ્પના કરવામાં આવી છે,પણ એક સત્ય વેદ્યમાં સ્થિતિ કરનારો કોઈક જ હોય છે (43) એ પ્રમાણે વેદ્ય બ્રહ્મને જાણ્યા વિના,મનુષ્ય હું પોતે બુદ્ધિમાન છું-એમ માને છે અને બાહ્યસુખના લોભથી દાન,અધ્યયન તથા યજ્ઞ કરવા તત્પર થાય છે (44) સત્ય વસ્તુથી ભ્રષ્ટ થયેલાઓનો,તેવો સંકલ્પ થાય છે અને તેઓ વેદવચનને જ પ્રમાણ માનીને યજ્ઞાદિક કાર્ય કરે છે.કોઈનો યજ્ઞ મન વડે થાય છે,કોઈનો વાણી વડે તો કોઈનો યજ્ઞકર્મ વડે થાય છે,પણ સત્યસંકલ્પવાળો બ્રહ્મજ્ઞાની તો કલ્પિત પદાર્થોનો એટલે બ્રહ્મ-લોકનો અધિષ્ઠાતા થાય છે.(46)