Dec 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-699

સનત્સુજાત બોલ્યા-હે રાજન,ક્રોધાદિક બાર દોષો અને તેર નૃશંગનો વર્ગ એ કલ્મષ (કામ-આદિ વાળું) તપ છે.

અને દ્વિજોના જાણીતા એવા ધર્માદિક બાર ગુણો છે કે જે પિતૃઓના શાસ્ત્રમાં કહેલા છે (15)

ક્રોધ,કામ,લોભ,મોહ,વિધિત્સા(તૃષ્ણા),અકૃપા(નિર્દયતા),અસૂયા(પારકામાં દોષ જોવા),માન,શોક,સ્પૃહા,

ઈર્ષ્યા અને જુગુપ્સા આ બાર મનુષ્યના દોષો છે તે મનુષ્યોએ સદા ત્યાગ કરવા યોગ્ય છે (16)

પારધી જેમ મૃગોનો લાગ ખોળે છે તેમ,આ દોષોમાંનો એકેક દોષ મનુષ્યોના છિદ્રો ચોમેરથી ખોળવાની ઉપાસના કરે છે (17)

નીચેના છ આ લોક કે પરલોકમાં પ્રાપ્ત થતાં સંકટથી ત્રાસ ન પામનારા પાપી પુરુષોના પાપકર્મો છે.

વિકત્થન (બીજાના ગુણોની સામે પોતાના ગુણોની અધિકતા દર્શાવનાર),સ્પૃહદયાળુ (પરસ્ત્રીના ભોગની ઈચ્છાવાળો),

મનસ્વી,બિભ્રતકોપ (સદા કોપવાળો),ચપળ,અરક્ષણ (શક્તિ છતાં સ્ત્રી વગેરેનું પાલન ન કરનારો)(18)

નીચેના સાત અને પહેલાંના છ મળીને-તેર-નૃશંગવર્ગ કહેવાય છે.સંભોગવિદ્વિસમ (સ્ત્રીસંગમાં બુદ્ધિ હોવાથી દુર્વ્યવસ્થામાં પડેલ),અતિમાની,દત્તાનુતાપી (દાન કર્યા પછી સંતાપ કરનાર),કૃપાં,બલીયાન(પ્રજા પાસેથી અધિક કર લેનાર),

વર્ગપ્રશંસી(બીજાના દુઃખથી સુખી થનારો) અને વનિતાસુદ્વેષ્ટા (પરણેલી સ્ત્રીનો દોષ કરનારો)(19)


નીચેના બાર,બ્રહ્મને પ્રાપ્ત થવાની ઇચ્છાવાળાના વ્રતો છે.ધર્મ,સત્ય,દમ,તપ,આમાત્સર્યં (પરગુણને સહન કરવું),

હ્રીં (લજ્જા),તિતિક્ષા (ક્રોધનું કારણ હોય છતાં ક્રોધ ન કરવો),અનસૂયા (પરગુણોમાં દોષ ન પ્રગટ કરવા),યજ્ઞ,

દાન,ધૃતિ અને શ્રુત(વેદાધ્યયન).જે આ બાર વ્રતોના ઉપર પોતાનું પ્રભુત્વ ચલાવી શકે છે તે આ પૃથ્વીનું શાસન કરે છે 

અને જે પુરુષ આ ગુણોમાંના ત્રણ,બે કે એકને પણ વશ કરે છે તેને સંપત્તિવાળો જાણવો (21)


દમ (જિતેન્દ્રિયપણું),ત્યાગ (કર્મો ઈશ્વરને અર્પણ કરવાં) અને અપ્રમાદ (તત્વનુસંધાન)-

આ ત્રણમાં અમૃત રહેલું છે અને બુદ્ધિમાન બ્રાહ્મણો તેઓને સત્યમુખ કહે છે (22)

કૃત(વૈદિક કર્મ) અકૃત (વ્રત-આદિ)માં પ્રતિકૂળતા (અશ્રદ્ધા-આળસ-જીભ-આદિની લોલુપતા),અનૃત (મિથ્યાપણું),

અભ્યસૂયા (ગુણમાં દોષારોપ કરવો),કામ,અર્થ,સ્પૃહા,ક્રોધ,શોક,તૃષ્ણા,લોભ,ચાડિયાપણું(પૈશુન્ય),મત્સર,વિહિંસા,

પરિતાપ,અરતિ (સત્ક્રિયાની અભિલાષનો ત્યાગ),અપસ્માર (કર્તવ્યનું વિસ્મરણ)અને 

આત્મસંભાવના(પોતામાં મહત્વ બુદ્ધિ) આટલા દોષથી જે મુક્ત છે તે પુરુષને સજ્જનો 'દાન્ત' કહે છે (25)