અધ્યાય-૪૩-સનત્સુજાતનો ઉપદેશ (ચાલુ)
II धृतराष्ट्र उवाच II कस्यैष मौनः कतरन्नु मौनं प्रब्रूहि विद्विन्नीह मौनभावं I मौनेन विद्वानुत याति मौनं कथं मुने मौनमिहाचरन्ति II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે વિદ્વાન,મૌનનું પ્રયોજન શું છે?વાણીનો નિયમ અને નિદિધ્યાસન એ બેમાંથી કયું મૌન
કહેવાય છે?મૌનનું લક્ષણ શું છે?મૌન દ્વારા વિદ્વાન પુરુષ મૌન (નિર્વિકલ્પ)પદને પામે છે કે કેમ?
અને આ જગતમાં મૌનનું કેવી રીતે આચરણ કરાય છે? એ સર્વ મને સારી રીતે કહો
સનત્સુજાત બોલ્યા-જે કારણથી,મનની સાથે વેદો,એ પરમાત્મામાં પ્રવેશ કરી શકતા નથી,તે કારણથી જ પરમાત્માનું નામ મૌન છે.જે પરમાત્મામાંથી વેદશબ્દ તથા આલૌકિક શબ્દ (ૐ)પ્રગટ થયો છે,તે ભૂમાત્મા (વ્યાપક)શબ્દમયપણાથી પ્રકાશે છે (2)
ધૃતરાષ્ટ્ર બોલ્યા-જે ઋગ્વેદ,યજુર્વેદ તથા સામવેદ જાણતો હોય,ભણ્યો હોય,તે પાપ આચરવાથી પાપ વડે લેપાય છે?
સનત્સુજાત બોલ્યા-ઋગ્વેદ,યજુર્વેદ તથા સામવેદ-એ અવિચક્ષણ એટલે વાણી અને મનનો નિગ્રહ કરવા અસમર્થ એવા પુરુષનું પાપથી રક્ષણ કરી શકતા નથી,એ હું તમને મિથ્યા કહેતો નથી (4)વેદો,માયાવડે વર્તનાર માયાવી પુરુષોને પાપથી તારતા નથી,પણ,જેમ,પાંખ આવ્યા પછી પક્ષીઓ માળાનો ત્યાગ કરે છે,તેમ,વેદો,માયાવી પુરુષોનો અંતકાળે ત્યાગ કરે છે (5)
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે મુનિ,જો,સ્વાભાવિક ધર્મ વિના વેદો રક્ષણ કરી શકતા નથી,
તો અનાદિકાળથી,વેદવેત્તા બ્રાહ્મણોના માહાત્મ્યને સૂચવનારો પ્રલાપ કેમ ચાલ્યો છે?(6)
સનત્સુજાત બોલ્યા-વેદશાસ્ત્ર-આદિ પ્રપંચ (માયા)જેની વાણી છે,તે પરમાત્મા જ નામરૂપને પામે છે ને તેનું જ સ્વરૂપ આ જગતરૂપે ભાસે છે.વેદો,'અધ્યારોપ' પ્રસંગમાં વિશ્વને બ્રહ્મરૂપ જણાવીને 'આ સર્વ બ્રહ્મરૂપ છે' એમ સારી રીતે કહે છે.
અને 'અપવાદ'ના પ્રસંગમાં બ્રહ્મને 'વિશ્વથી વિલક્ષણ' કહે છે.તાત્પર્ય એ છે કે-જે વેદ પરમાત્માથી ઉત્પન્ન થયેલો હોઈને માન્ય ગણાય છે તે પરમાત્માનું વેદોક્ત માર્ગ વડે અનુષ્ઠાન ન કરવારૂપી અપમાન કરનારનું વેદાધ્યયન નિષ્ફળ થાય છે.(7)
બ્રહ્મપ્રાપ્તિને માટે આ તપ તથા યજ્ઞયાગાદિ કહ્યાં છે.વિદ્વાન તે બંને વડે પુણ્ય સંપાદન કરે છે અને પુણ્યથી પાપનો નાશ કર્યા પછી,માત્ર (આત્મ) 'જ્ઞાન' વડે જ આત્મતત્વ પ્રકાશિત થાય છે (8) આમ,વિદ્વાન પુરુષ જ્ઞાન વડે આત્મલાભને પ્રાપ્ત થાય છે પણ,આત્મજ્ઞાન વિના,તે ઇન્દ્રિયોના વિષયસુખનો અભિલાષી થાય,તો આ લોકમાં કરેલાં સર્વ પુણ્ય અને પાપ ગ્રહણ
કરીને તે સ્વર્ગ કે નરકમાં તેનાં ફળ ભોગવે છે ને તે પછી,બાકી રહેલાં કર્મો વડે આ લોકમાં પાછો આવે છે (9)
જ્ઞાનરહિત પુરુષો આ લોકમાં વેદાધ્યયન વગેરે તપ કરે-તેનું ફળ પરલોકમાં ભોગવે છે
અને શમદમાદિક તપને સેવનારા જ્ઞાની બ્રાહ્મણોને તો આ લોક જ ફળ આપે છે (10)
ધૃતરાષ્ટ્ર બોલ્યા-એક જ શુદ્ધ તપ સમૃદ્ધિ વાળું અને અસમૃદ્ધિવાળું કેવી રીતે થાય ?તે કહો
સનત્સુજાત બોલ્યા-કામ,અશ્રદ્ધા વગેરેથી રહિત (નિષ્કલ્મષ) એવું તપ 'કેવલ' કહેવાય છે અને તે જ તપ શ્રદ્ધા આદિથી યુક્ત
હોવા છતાં જો સકામ હોય તો તે 'સમૃદ્ધ' કહેવાય છે ને જો તે કેવળ દંભને માટે કરવામાં આવે તો 'રુદ્ધ' કહેવાય છે (12)
તમે મને જે પૂછો છો એ સર્વ તપથી પ્રાપ્ત થાય છે.વેદવેત્તા વિદ્વાનો તપ વડે અમૃતને (મુક્તિને)પામે છે (13)
ધૃતરાષ્ટ્ર બોલ્યા-નિષ્કલ્મષ તપ સાંભળ્યું પણ તપનું કલ્મષ શું?કે જેનાથી રહિત તપ વડે હું સનાતન બ્રહ્મને જાણું.(14)