ધૃતરાષ્ટ્ર બોલ્યા-પુણ્યકર્મ કરનારા દ્વિજાતિઓને પોતાના ધર્મના ફળરૂપ સનાતન લોકો મળે છે એમ વેદો કહે છે.
તેઓના ક્રમ કહો અને તેનાથી બીજા લોકો પણ કહો.હું નિષિદ્ધ તથા કામ્યકર્મ જાણવાની ઈચ્છા રાખતો નથી (26)
સનત્સુજાત બોલ્યા-જેમ,બળવાનોમાં બળની વિશેષ સ્પર્ધા હોય છે,તેમ,જે બ્રાહ્મણોને વ્રત (યમ-નિયમ-આદિ)
વગેરે સાધવામાં વિશેષ સ્પર્ધા હોય છે,તે બ્રાહ્મણો આ દેહ છોડ્યા પછી બ્રહ્મલોકમાં વિરાજે છે (27)
જેઓને યજ્ઞયાગાદિ ધર્મમાં વિશેષ સ્પર્ધા હોય છે તેઓને ધર્મ,જ્ઞાનનું સાધન થાય છે અને તે બ્રાહ્મણો આ લોકથી છૂટીને સ્વર્ગલોકમાં જાય છે (28) ધર્મનું સારી રીતે અનુષ્ઠાન કરવું એને વેદવેત્તા લોકો શ્રેષ્ઠ કહે છે.જે મનુષ્યો (વર્ણાશ્રમના અભિમાનને લીધે)આત્મજ્ઞાનથી બહિર્મુખ હોય છે અને (વૈદિક કર્મો કરવાથી તથા નિષ્કામ હોવાથી)આત્માભિમુખ હોય છે,તેઓને બહુ નહિ તો થોડું પણ માન આપવું જ જોઈએ (29)
વર્ષાકાળમાં ઉગી નીકળેલા ઘાસની જેમ,જે ઘરમાં,'બ્રાહ્મણ (સન્યાસી) માટે પુષ્કળ અન્ન તથા જળ વગેરે પદાર્થો છે' એમ જાણતો હોય તે ઘેર જઈને ભીક્ષા માગી સન્યાસીએ પ્રાણનિર્વાહ કરવો,પણ ભૂખ વેઠી આત્માને પીડવો નહિ (30)
જે દેશમાં પોતાનું માહાત્મ્ય પ્રગટ ન કરવાથી અમંગળ ભય આવી પડતો હોય,તેવા દેશમાં જઈ ચડતાં પણ
જે પોતાની શ્રેષ્ઠતા પ્રકાશમાં લાવતો નથી તે મનુષ્ય શ્રેષ્ઠ છે બીજો નહિ (31)જે પુરુષ,આત્મશ્લાઘા કરનારા બીજા પર
તપી જતો નથી અને બ્રાહ્મણદ્રવ્યનો ઉપભોગ કરતો નથી,તેવા પુરુષનું અન્ન સત્પુરુષો શ્રેષ્ઠ ગણે છે.(32)
જેમ,કૂતરો,પોતાના અક્લ્યાણને માટે પોતાનું ઓકેલું પોતે જ ખાય છે,તેમ,જે સન્યાસીઓ પોતાનું પાંડિત્ય વગેરે દર્શાવીને ભિક્ષાની ઈચ્છા કરે છે,તે પોતાનું ઓકેલું જ ખાય છે એમ સમજવું (33)જે બ્રાહ્મણ (બ્રહ્મવેત્તા)પોતાની જ્ઞાતિમાં રહેવા છતાં પણ મનમાં એવી નિત્ય ભાવના રાખે છે કે-'મારા જ્ઞાતિજનો મારી યોગગતિને ન જાણે તો સારું' તે જ બ્રાહ્મણ છે.(34)
આ પ્રકારના વર્તન વિના કયો બ્રાહ્મણ ઉપાધિથી મુક્ત,અનુમાન વગેરેથી અગમ્ય,વ્યાપક,નિઃસંગ અને સર્વ દ્વૈતથી રહિત એવા પરમાત્માને જાણી શકે?(35)આ પ્રકારના વર્તનવાળા ક્ષત્રિયને પણ બ્રહ્મ સ્વયંપ્રકાશ વડે પ્રકાશિત થાય છે જેથી તે પોતાના બ્રહ્મભાવને જુએ છે.(36)જે મનુષ્ય આત્મારૂપે ભક્ત દેહાદિકથી વિપરીત છતાં,આત્માને દેહાદિકરૂપે માને છે
તે આત્માની ચોરી કરનારા ચોરે કયું પાપ નથી કર્યું?(37)
શ્રમરહિત,પરિગ્રહ વિનાનો,શિષ્ટમાન્ય,ઉપદ્રવરહિત,પોતે શિષ્ટ છતાં શિષ્ટતા ન દેખાડનારો તથા કવિ-બ્રાહ્મણ બ્રહ્મવેત્તા થઇ શકે છે.જેઓ,માનુષી દ્રવ્યથી દરિદ્ર હોય છે પરંતુ દૈવી થતા ક્રતુ સંપત્તિથી સંપન્ન હોય છે,તેઓ દુર્જયઃ તથા કશાથી પણ કંપાવી ન શકાય તેવા હોય છે,તેઓને બ્રહ્મસ્વરૂપ જાણવા (39)જે કોઈ,આ લોકમાં ઉત્તમ ઇષ્ટ કરનારા સઘળા દેવોનો સાક્ષાત્કાર કરે,તે પુરુષ,બ્રહ્મવેત્તાના સમાન થતો નથી કારણકે તેને તે ઇષ્ટ વસ્તુ માટે પ્રયત્ન કરવો પડે છે (40)
સ્વર્ગાદિકને માટે પ્રયત્ન ન કરનારા જે પુરુષને દેવાદિકો માન આપે છે,તે માનવંતો ગણાય છે.બીજાઓ માન આપે તો પણ તેવા પુરુષે પોતાને માનપાત્ર ગણવો નહિ અને અપમાન થતાં સંતાપ કરવો નહિ (41)(ચક્ષુના)નિમેષ અને ઉન્મેષની જેમ,લોક પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તે છે.'આ લોકમાં વિદ્વાનો જ બીજાને માન આપ્યા કરે છે' એવું પોતાને માન મળતાં માની લેવું.(42)
આ લોકમાં અધર્મ કરવામાં કુશળ,માયામાં નિપુણ અને માનપાત્ર પુરૂષોનું અપમાન કરનારા મૂર્ખ લોકો માન્ય પુરુષને માન આપતા નથી (43) યોગીનું વર્તન (મૌન) અને માન એ બંને સર્વદા સાથે રહેતાં નથી.
આ લોક માનને માટે છે અને પરલોક મૌનને માટે છે તે જ્ઞાનીઓ જાણે છે (44)
હે ક્ષત્રિય,આ લોકમાં લક્ષ્મી એ સુખના આધારરૂપ છે પરંતુ તે લક્ષ્મી,પરલોકનો નાશ કરનારી છે.અને બ્રાહ્મી લક્ષ્મી,પ્રજ્ઞારહિત પુરુષને અત્યંત દુર્લભ છે (45)સંત પુરુષો,બ્રહ્મસુખ પ્રાપ્ત કરવામાં ઘણી જાતનાં સાધનો કહે છે પરંતુ તે ધારણ કરવાં બહુ કઠિન છે.સત્ય,સરળતા,લજ્જા,ઇન્દ્રિયનિગ્રહ,શૌચ અને વિદ્યા-એ છ મોહને અટકાવનારાં છે (46)
અધ્યાય-42-સમાપ્ત