વિષયોને અનુસરનારો પુરુષ,વિષયોની પાછળ વિનાશ પામે છે અને જે પુરુષ વિષયોનો ત્યાગ કરે છે,તે જે કંઈ દુઃખરૂપ હોય તે સર્વનો નાશ કરે છે (13) વિષયની એ કામના,પ્રાણીઓને અજ્ઞાન કરનારી,વિવેકનો નાશ પમાડનારી તથા નરકરૂપ દુઃખદાયી જણાય છે.જેમ,મદિરાથી ગાંડા થયેલાઓ,માર્ગમાં ચાલતા,ખાડાઓ તરફ દોડે છે,તેમ,કામનાવાળા પુરુષો સુખ જેવા જણાતા,ભાર્યા વગેરે વિષયોની પાછળ દોડે છે (14)
આ લોકમાં,જે પુરુષનું ચિત્ત,કામના વડે પરાભવ પામ્યું નથી,તે નિર્મોહ વૃત્તિવાળા પુરુષને,ઘાસના બનાવેલા વાઘની જેમ,મૃત્યુ શું કરી શકે તેમ છે?માટે એ કામનાના જીવનરૂપ,મૂળ અજ્ઞાનને દૂર કરવા,બીજું જે કંઈ કામના કરવા જેવું હોય,તેને પણ ન ગણકારી તેનું ચિંતન કરવું નહિ (15)તારા શરીરમાં જે આ અંતરાત્મા છે તે અજ્ઞાનને લીધે મોહવાળો બન્યો છે અને તે જ ક્રોધ,લોભ તથા મૃત્યુરુપ થાય છે.આમ,મૃત્યુ (મોહથી) ઉત્પન્ન થાય છે,એમ જાણીને જે જ્ઞાનમાં સ્થિતિ કરે છે,તે મૃત્યુથી ડરતો નથી,કારણકે જેમ,દેહ મૃત્યુની પાસે આવતાં વિનાશ પામે છે,તેમ મૃત્યુ,જ્ઞાનની પાસે આવતાં વિનાશ પામે છે(16)
ધૃતરાષ્ટ્ર બોલ્યા-વેદવેત્તાઓ કહે છે કે-ઉપાસનાયુક્ત અશ્વમેઘ-આદિ યજ્ઞોના કર્મ વડે,દ્વિજ વર્ણવાળાઓને જે સનાતન લોકો પ્રાપ્ત થાય છે તે લોકો મોક્ષની પ્રાપ્તિ કરાવનારા છે.આ રીતે 'કર્મો,ક્રમેક્રમે મુક્તિ આપનારાં છે' એમ જાણનારો પુરુષ કર્મનો આશ્રય કેમ ન કરે ? (અર્થાંત કર્મોથી જ મોક્ષ મળે છે તો જ્ઞાનની શી જરૂર છે?) (17)
સનત્સુજાત બોલ્યા-જેમ,તમે કહો છો તે ક્રમથી અવિદ્વાન (કર્મમાર્ગનો આશ્રય કરનારો)મોક્ષપદમાં પહોંચે છે તેમ,વેદો પણ કર્મનાં ભોગ અને મોક્ષરૂપી સામાન્ય પ્રયોજન કહે છે.અવિદ્યા વડે,દેહને આત્માપણાથી સ્વીકારનારો જીવ,કામનાથી રહિત થતાં,નિર્ગુણ આત્મભાવને પામે છે,પણ તે જ જીવ જો નિષ્કામ ન થાય તો,સુષુમ્ણા નાડીરુપ માર્ગ વડે સ્વર્ગ લોકને પ્રાપ્ત કરાવનારા માર્ગોને અનુક્રમે ઓળંગીને,બ્રહ્મલોક દ્વારા પરમપદને પામે છે (18)
ધૃતરાષ્ટ્ર બોલ્યા-જન્માદિકથી રહિત તે પુરાણ પુરુષને (જગતરૂપ થવા માટે) કોણ પ્રેરણા કરે છે?જો તે પરમાત્મા પોતે જ અનુક્રમે સર્વરૂપ થાય છે (એમ જો તમે કહો) તો તેમ કરવામાં તેમને શું પ્રયોજન કે સુખ રહેલું છે? તે યથાયોગ્ય રીતે કહો
સનત્સુજાત બોલ્યા-પરમાત્મા અને જીવાત્માને જૂદા માની તે બંનેનું ઐક્ય કરવામાં મહાન દોષ આવે છે.સ્થૂળ અને સૂક્ષ્મ એવા બે દેહરૂપી ક્ષેત્રોના સંબંધને લીધે પરમાત્માથી (પરમાત્માના ઉપાધિના સંયોગથી)જીવો પેદા થાય છે પણ આવા ઉપાધિના ભેદથી પરમાત્માની અધિકતા લેશમાત્ર નાશ પામતી નથી.જીવો અજ્ઞાનના યોગથી જન્માદિ ભાવને પ્રાપ્ત થયા કરે છે (20)
ચોતરફ દેખાતું જે આ જગત સત્ય જેવું જણાય છે,તે નિર્વિકારી સર્વ ઐશ્વર્યસંપન્ન પરમાત્મા જ છે.તે પરમાત્મા માયા (શક્તિ કે ઉપાધિ)ના યોગથી વિશ્વની રચના કરે છે.આ માયા તેમની શક્તિ છે એમ વેદ પણ માને છે અને આ શક્તિ તથા શક્તિમાન(પરમાત્મા) નો સંબંધ પણ અભેદ હોય છે એમાં લોક તથા વેદો પ્રમાણભૂત છે (21)
ધૃતરાષ્ટ્ર બોલ્યા-કેટલાએક મોક્ષને માટે ધર્મો એટલે કે અગ્નિહોત્રાદિક કર્મો કરતા નથી,પણ સન્યાસ જ ગ્રહણ કરે છે ત્યારે કેટલાએક મુક્તિને માટે ધર્મોનું આચરણ કરે છે.જેઓ તેવો અલ્પ ધર્મ કરે છે તેઓનો ધર્મ,રાગ-દ્વેષ આદિ પાપ વડે નાશ પામે છે કે ધર્મ પોતે જ પાપને નાશ પમાડે છે? (22)
સનત્સુજાત બોલ્યા-મોક્ષની પ્રાપ્તિમાં સન્યાસ અને ઉપાસનાસહિત કર્મ-એ બંને ઉપયોગી છે.ધર્મનું પણ ફળ છે ને પાપનું પણ ફળ છે.સન્યાસ અને ઉપાસનાયુક્ત કર્મ એ બંને નિત્ય એટલે કે અચળ સાધન છે.વિદ્વાન જ્ઞાન વડે સિદ્ધ થઇ બ્રહ્મને પ્રાપ્ત થાય છે ત્યારે દેહાભિમાની પુરુષ ઉપાસનાયુક્ત કર્મ કરવાથી સિદ્ધ થઇ (બ્રહ્મને નહિ પણ) દેવતા-આદિ ભાવને પ્રાપ્ત થાય છે.પણ,કર્મસિદ્ધ પુરુષને કદાચ મનુષ્યદેહના અભિમાનથી થયેલું પાપફળ પણ પ્રાપ્ત થાય છે (24)
આમ,(ઉપાસના) કર્મ કરનારો પુરુષ પુણ્ય તથા પાપનાં નાશવંત ફળ ભોગવીને પાછો આ લોકમાં આવીને કર્મ કરવામાં જોડાય છે,પરંતુ,વિદ્વાન કર્મયોગી તો ધર્મરૂપ-કર્મ વડે પણે નાશ પમાડે છે અને આ ધર્મ અતિબળવાન છે,તેથી તેને મુક્તિ મળે છે (25)