Dec 19, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-695

 

અધ્યાય-૪૨-સનત્સુજાતનો ઉપદેશ 


II वैशंपायन उवाच II 

ततो राजा धृतराष्ट्रो मनीषी संपूज्य वाक्यं विदुरेरितं तत् I सनत्सुजातं रहिते महात्मा पप्रच्छ्म् बुद्धिं परमां वुभुषन II १ II

વૈશંપાયને કહ્યું-પછી બુદ્ધિમાન તથા મહાત્મા ધૃતરાષ્ટ્ર રાજા,વિદુરનાં કહેલાં વાક્યને સારી રીતે અભિનંદન આપી,

પોતે પરબ્રહ્મરૂપ થવાની ઈચ્છાથી એકાંતમાં સનત્સુજાતને બ્રહ્મવિદ્યા પૂછવા લાગ્યા.

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સનત્સુજાત,'મૃત્યુ નથી'એવું તમારું જે દ્રઢતાથી કહેવું છે,તે મેં વિદુરના મુખેથી સાંભળ્યું.

પણ (એવું પણ સંભળાય છે કે)દેવો-અસુરોએ મૃત્યુરહિત થવા માટે બ્રહ્મચર્ય પાળ્યું હતું,તો આ બંનેમાં સત્ય શું છે?

સનત્સુજાત બોલ્યા-હે રાજન,કર્મ વડે મૃત્યુ દૂર કરાય છે માટે 'મૃત્યુ છે' એવો એક પક્ષ છે તો 'મૃત્યુ નથી' એવો 

બીજો પક્ષ છે.આ બંનેમાંથી કયો પક્ષ સત્ય છે તે વિશે હું કહું છું તે તમે સાંભળો અને એમાં તમે શંકા ન રાખો.

હે ક્ષત્રિય,એ બંને પક્ષ એક જ પુરુષને માટે સત્ય છે એમ તું જાણ.મોહથી મૃત્યુ થાય છે એમ વિદ્વાનોનું કહેવું છે.

હું પ્રમાદ (આત્મતત્વના અજ્ઞાન કે બંધન)ને મૃત્યુ કહું છું અને અપ્રમાદ(બંધનનો અભાવ) ને મોક્ષ કહું છું.(4)


અસુરો પ્રમાદથી જ મૃત્યુને વશ થયા છે અને અપ્રમાદથી બ્રહ્મરૂપ થયા છે.મૃત્યુ કંઈ વાઘની જેમ પ્રાણીઓને ખાઈ જતું નથી,કારણકે તેનું કોઈ રૂપ જણાતું જ નથી.કેટલાએક અજ્ઞાનરૂપી-મૃત્યુથી ભિન્ન એવા યમને મૃત્યુ કહે છે.

વાસ્તવિક રીતે તો તે (મૃત્યુ)આત્મામાં જ લીન(કે કલ્પિત) છે.બ્રહ્મચર્ય,એ આત્માનું સંધાન (મોક્ષહેતુ કે અમૃત) છે.

અર્થાંત,બ્રહ્મચર્ય એ યમભય મટાડવાનું સાધન છે.યમદેવ પિતૃલોકમાં રાજ્ય કરે છે અને તે પુણ્યકર્મ કરનારાઓનું 

કલ્યાણ તથા પાપકર્મ કરનારાઓનું અકલ્યાણ કરે છે (6)


આ યમની આજ્ઞાથી મનુષ્યોને ક્રોધ,પ્રમાદ અને લોભરૂપ 'મૃત્યુ' ઉત્પન્ન થાય છે.જીવ અહંકારને આધીન થઈને અવળે માર્ગે જાય છે અને કોઈ આત્મયોગને (સ્વસ્વરૂપને)પામતો નથી.(7) ક્રોધ-આદિથી મોહિત થયેલા જીવો,આ ક્રોધ-આદિ-રૂપ-મૃત્યુને અધીન થઈને આ લોકમાંથી યમલોકમાં જઈ વારંવાર નરકમાં પડે છે અને ઇન્દ્રિયો પણ તેઓની પાછળ ત્યાં જ ગતિ કરે છે.એથી 

તે મૃત્યુ (અજ્ઞાન) નામની 'મરણ સંજ્ઞા' ને પ્રાપ્ત થાય છે.(8)


કર્મફળનાં ભોગમાં પ્રીતિવાળા જીવો,ભોગ આપનારા કર્મનો ઉદય થતાં સ્વર્ગલોકમાં જાય છે પણ,મૃત્યુને તરતા નથી.

જીવને,બ્રહ્મપ્રાપ્તિ કરાવનારા અષ્ટાંગયોગનો લાભ ન થવાથી કેવળ ભોગની લાલસા વડે.દેવ,મનુષ્ય તથા પશુ-પક્ષીની યોનિઓમાં જન્મ્યા કરે છે(9) પુરુષને (મિથ્યા)વિષયોમાં જે પ્રીતિ અને તેને માટેની જે પ્રવૃત્તિ છે તે સ્વાભાવિક છે અને તે જ ઇન્દ્રિયોને મહામોહ કરે છે.પુરુષ વિષયસંગ વડે વ્યાકુળ ચિત્તવાળો થઈને વિષયોનું સ્મરણપૂર્વક સેવન કરે છે (10)


પ્રથમ,વિષયોનું સ્મરણ,લોકોને હણે છે,મોહિત કરે છે અને તે પછી કામ અને ક્રોધ તેઓને તત્કાળ પોતાને સ્વાધીન કરે છે.

આ રીતે વિષયસ્મરણ,કામ,તથા ક્રોધ,એ અવશ ચિત્તવાળા મનુષ્યોને મૃત્યુ (એટલે કે મોહને) સ્વાધીન કરે છે.

પણ (તેમાં)ધીર પુરુષો ધૈર્ય (આત્મચિંતન) વડે આ મૃત્યુને તરી જાય છે(11) ધીર પુરુષ આત્માનું ચિંતન કર્યા કરે છે અને પાસે આવેલા વિષયો તુચ્છ છે,એવી બુદ્ધિ રાખી તેઓનું ચિંતન ન કરતાં તેઓનો નાશ કરે છે.જે પુરુષ આમ વિવેકી થઈને કામનાઓનો નાશ કરે છે તેને મૃત્યુ (અજ્ઞાન)યમની જેમ ગળી જતું નથી (12)