Dec 18, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-694

 

સનત્સુજાત પર્વ 

અધ્યાય- ૪૧-વિદુરે સનત્સુજાતની પ્રાર્થના કરી 


II धृतराष्ट्र उवाच II अनुक्तं यदि ते किंचिद्वाचा विदुर विद्यते I तन्मे शुश्रुषतो ब्रुहि विचित्राणि हि भाषसे II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે વિદુર,તમે વાણી વડે હજી,જે ન કહ્યું હોય તે મને કહો,

હું શ્રવણ કરવાની ઇચ્છાવાળો છું,કારણકે તમે અદભુત ભાષણ કરો છો.

વિદુર બોલ્યા-હે રાજન,પુરાતન એવા સનાતન નામધારી કુમાર સનત્સુજાત મુનિ કહે છે કે-મૃત્યુ (જન્મ-મરણના પ્રવાહરૂપ સંસાર)નથી.

સર્વ બુધ્ધિમાનોમાં શ્રેષ્ઠ તે મુનિ તમારા હૃદયમાં રહેલા ગુપ્ત અને પ્રગટ પ્રશ્નોના ઉત્તર કહેશે.

ધૃતરાષ્ટ્ર બોલ્યા-તે મુનિ મને જે કહે તે શું તમે જાણતા નથી? તમારું જ્ઞાન કંઈ બાકી હોય તો તમે જ મને કહો (4)

વિદુર બોલ્યા-હું શૂદ્રયોનિમાં જન્મ્યો છું,માટે આ નીતિજ્ઞાન ઉપરાંત બીજું (બ્રહ્મજ્ઞાન)કહેવાનો મારો અધિકાર નથી,બ્રહ્મવિદ્યાના સંબંધમાં તે મુનિની બુદ્ધિ સ્થિર થયેલી છે એ હું જાણું છું.જે બ્રાહ્મણયોનિમાં ઉત્પન્ન થયો હોય,તે પરમગુહ્ય જ્ઞાનનો ઉપદેશ કરે તો પણ તેને દેવો નિંદતા નથી માટે જ હું તમને સનત્સુજાતથી જ્ઞાન મેળવવા કહું છું 

ધૃતરાષ્ટ્ર બોલ્યા-મને તે સનત્સુજાત મુનિનો સમાગમ કેવી રીતે થાય?તે તમે કહો (7)


વૈશંપાયને કહ્યું-હે જન્મેજય,તે સાંભળીને વિદુરે તે તીવ્ર વ્રતધારી ઋષિનું ચિંતન કર્યું.ઋષિએ તે ચિંતન જાણીને વિદુરને દર્શન આપ્યાં.વિદુરે તેમનો શાસ્ત્રોક્ત સત્કાર કર્યો,અને તે ઋષિ શાંત થઈને બેઠા ત્યારે વિદુરે તેમને કહ્યું કે-

'હે ભગવન,ધૃતરાષ્ટ્રના મનમાં કંઈક શંકા ઉત્પન્ન થઇ છે,પરંતુ તેનું સમાધાન મારે કરવું યોગ્ય નથી,તમે તેને કહેવા યોગ્ય છો,કે જે સાંભળીને તે રાજા,સર્વ દુઃખોનું ઉલ્લંઘન કરે તથા લાભ-હાનિ,પ્રિય-અપ્રિય,જરા-મૃત્યુ,ભય,અક્ષમા,ભૂખ,તરસ,મદ,ઉત્તમ ઐશ્વર્ય,અરુચિ,આળસ,કામ,ક્રોધ,ક્ષય-ઉદય આ સર્વ તેમને બાધ કરે નહિ'(12)

અધ્યાય-41-સમાપ્ત