Dec 17, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-693

હે ભારત,જીવ,એક નદી છે,તેમાં પુણ્ય,એ ઓવારો છે,બ્રહ્મ તેનું ઉત્પત્તિસ્થાન છે,ધૈર્ય કિનારા છે,દયા તેના તરંગ છે,તેમાં જે પુણ્યકર્મવાળો પુરુષ સ્નાન કરે (આત્મનિમગ્ન થાય) તે પવિત્ર થાય છે.લોભરહિત સ્થિતિ એ જ પુણ્ય છે.કામ-ક્રોધ-રૂપી મગરવાળી અને પાંચ ઇન્દ્રિય-રૂપી જળવાળી આ સંસારરૂપી નદીમાં ધૌર્યરૂપી નૌકાનો આશ્રય કરીને તમે જન્માદિ દુઃખોને તરી જાઓ.કયું કાર્ય કરવું ને કયું ન કરવું એ સંબંધમાં જે જ્ઞાનવૃદ્ધ,ધર્મવૃદ્ધ,વિદ્યાવૃદ્ધ અને વયોવૃદ્ધ એવા પોતાના સંબંધીઓને માન  આપીને પૂછે છે તે કોઈ દિવસ મૂંઝાતો નથી.(23)

કામવાસનાને અને ખાઉધરાપણાને ધૈર્યથી જીતી,શિશ્ન તથા ઉંદરને દોષથી બચાવવાં,દ્રષ્ટિ વડે સારી રીતે જોઈને વસ્તુ લેવાથી તથા પવિત્ર જગાએ પગલું મુકવાથી હાથ-પગનું દોષથી રક્ષણ કરવું,મન વડે સ્ત્રી વગેરેનાં દર્શનથી અટકાવી નેત્ર અને દુષ્ટ શબ્દથી કાનને અટકાવી તેમની (મન-નેત્ર-આદિની) રક્ષા કરવી અને નિયમમાં રાખવારૂપી કર્મ વડે મન તથા વાણીની રક્ષા કરવી.

નિત્ય યોગ્ય સમયે સ્નાન-સંધ્યા કરનારો,નિત્ય જનોઈ ધારણ કરનારો,નિત્ય વેદાધ્યયન કરનારો,પતિત(પાપી)ના અન્નનો ત્યાગ કરનારો,સત્ય બોલનારો અને ગુરુની સેવા કરનારો બ્રાહ્મણ,બ્રહ્મલોકથી ભ્રષ્ટ થતો નથી.


જે ક્ષત્રિય,વેદનો અભ્યાસ કરી,અગ્નિહોત્ર કરી,યજ્ઞોથી દેવોનું યજન કરી તથા પ્રજાનું પાલન કરીને ગૌ-બ્રાહ્મણને માટે સંગ્રામમાં હણાય છે તે પવિત્ર ચિત્તવાળો થઈને સ્વર્ગમાં જાય છે.જે વૈશ્ય,વેદાધ્યયન કરી,યોગ્ય સમયે બ્રાહ્મણ,ક્ષત્રિય અને આશ્રિતોને ધનનો વિભાગ આપીને,ગાર્હપત્ય,આહવનીય તથા દક્ષિણાગ્નિ-આ ત્રણ અગ્નિનો પવિત્ર ધુમાડો સૂંઘીને મરણ પામે છે તે સ્વર્ગમાં દિવ્ય સુખો ભોગવે છે.બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્યની અનુક્રમે સેવા કરનારાઓ (શુદ્ર) તેઓ (બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય) સંતુષ્ટ થવાથી દુઃખ-પાપરહિત થાય છે અને દેહત્યાગ કરીને સ્વર્ગનાં સુખો ભોગવે છે.હે રાજન,મેં તમને આ ચાર વર્ણનો ધર્મ કહ્યો તે કહેવાનું કારણ તમે એ જાણો કે-પાંડુપુત્ર યુધિષ્ઠિર,પૃથ્વીપાલનરૂપી ક્ષાત્રધર્મથી ભ્રષ્ટ ન થાય,તે માટે તેમને રાજધર્મમાં જોડો.(29)


ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સૌમ્ય,તમે મને જે નિત્ય ઉપદેશ કરો છો તે સત્ય છે અને તમારા કહેવા પ્રમાણે જ કરવું એવી જ મારી બુદ્ધિ થાય છે.પાંડવો પ્રત્યે હંમેશાં મારી એવી જ બુદ્ધિ થાય છે,પણ તે દુર્યોધનનો મેળાપ થતા પાછી ફરી જાય છે.કોઈ પણ પ્રાણી દૈવનું ઉલ્લંઘન કરવા સમર્થ નથી,દૈવ એ જ ખરું છે અને પુરુષયત્ન તેની આગળ નિરર્થક છે એમ હું માનું છું (32)

અધ્યાય-40-સમાપ્ત 

પ્રજાગર પર્વ સમાપ્ત