અધ્યાય-૪૦-વિદુરનીતિ (ચાલુ)
II विदुर उवाच II योभ्यर्चित: सद्भिरसज्जमानः करोत्यर्थ शक्तिमहापयित्वा I क्षिप्रं यशस्तं समूपैति संतभलं प्रसन्ना हि सुखाय संतः II १ II
જે સજ્જનોથી માન પામ્યા છતાં અભિમાનરહિત થઈને પોતાની શક્તિ પ્રમાણે કામ કરે છે તે ભલા માણસને તત્કાળ યશ પ્રાપ્ત થાય છે કારણકે પ્રસન્ન થયેલા સજ્જનો સુખ આપવા સમર્થ છે.જે મનુષ્ય બીજાઓથી અડચણ ન આવ્યા છતાં,અધર્મવાળા મોટા અર્થલાભનો પણ ત્યાગ કરે છે તે દુઃખોથી મુક્ત થઈને સુખે નિંદ્રા લે છે.અસત્ય બોલીને વિજય મેળવો,રાજા પાસે ચાડી ખાવી અને ગુરુ આગળ મિથ્યા આગ્રહ કરવો એ બ્રહ્મહત્યા તુલ્ય છે.ઈર્ષા કરવી એ ખરેખર મૃત્યુ જ છે,વધારે પડતું બોલવું એ લક્ષ્મીનો નાશ કરે છે.ગુરુની સેવા ન કરવી,ઉતાવળ કરવી અને આત્મશ્લાઘા કરવી એ ત્રણ વિદ્યાના શત્રુ છે (4)
આળસ,મદમોહ,ચપળતા,વાતોડાપણું,ઉદ્ધતાઈ,અભિમાન અને લોભ-આ સાત સર્વદા વિદ્યાર્થીઓના દોષ મનાય છે.
સુખની ઇચ્છાવાળાને વિદ્યા ક્યાંથી મળે? અને વિદ્યાની ઇચ્છાવાળાને સુખ ક્યાંથી મળે?માટે સુખની ઇચ્છાવાળાએ વિદ્યાનો અને વિદ્યાની ઇચ્છાવાળાઓએ સુખનો ત્યાગ કરવો.અગ્નિ,લાકડાંથી તૃપ્ત થતો નથી,સમુદ્ર,નદીઓથી તૃપ્ત થતો નથી,મૃત્યુ,સર્વ પ્રાણીઓથી તૃપ્ત થતું નથી અને સ્ત્રી,પુરુષોથી તૃપ્ત થતી નથી.હે રાજન,આશા,ધૈર્યનો નાશ કરે છે,કાળ,સમૃદ્ધિનો નાશ કરે છે,કૃપણતા,યશનો નાશ કરે છે,આરક્ષણ,પશુઓનો નાશ કરે છે ને ક્રોધ પામેલો એક બ્રાહ્મણ આખા દેશનો નાશ કરે છે (8)
હે રાજા,બકરાં,કાંસુ,રૂપું,મધ,ઝેર ચુસનારું મહોરું,પક્ષી,વૈદિક બ્રાહ્મણ,વૃદ્ધ જ્ઞાતિજન,અને પડતીમાં આવેલો કુલીન-એટલા તમારે ઘેર સદૈવ રહો.બકરો,બળદ,ચંદન,વીણા,આરસો,મધ,ઘી,લોઢું,તાંબાનું પાત્ર,શંખ,શાલિગ્રામ,અને ગોરોચન-આટલી મંગલકારક વસ્તુઓ,દેવ,બ્રાહ્મણ તથા અતિથિઓની પૂજા માટે ઘરમાં રાખવી એમ મનુએ કહ્યું છે.
હે તાત,હું તમને આ સર્વોત્તમ પુણ્યકારક અને મંગળદાયક વાત કહું છું-કે કામ,ભય કે લોભથી,જીવનને માટે કદી પણ ધર્મનો ત્યાગ કરવો નહિ.ધર્મ નિત્ય છે અને સુખદુઃખ અનિત્ય છે.તેમ જ જીવ નિત્ય છે અને તેના કારણરૂપ અવિદ્યા-અજ્ઞાન અનિત્ય છે માટે તમે અનિત્યનો ત્યાગ કરીને નિત્યવસ્તુમાં નિષ્ઠા રાખો અને સંતુષ્ટ રહો કેમ કે સંતોષ એ મોટો લાભ છે.(13)
મહાબળવાન અને મહામહિમાવાળા રાજાઓ,આ પૃથ્વી પર રાજ્ય કરીને,તે રાજ્યો છોડીને મૃત્યુને વશ થયા છે તે ધ્યાનમાં લો.
હે રાજા,દુઃખ વેઠીને મોટો કરેલો પુત્ર,મરણ પામતાં,મનુષ્યો તેને ઉપાડીને ઘરમાંથી દૂર લઇ જાય છે,દયાજનક રુદન કરે હે અને પછી ચિતામાં,કાષ્ટની જેમ મૂકી દે છે.મરણ પામેલા મનુષ્યનું ધન બીજો ખાય છે,અગ્નિ તેના શરીરની સાત ધાતુઓ ખાય છે અને તે મરનારો પુરુષ,પુણ્ય-પાપથી વીંટાઇને તેની સાથે પરલોકમાં જાય છે.જેમ,પુષ્પ-ફળ વિનાના ઝાડનો પક્ષીઓ ત્યાગ કરે છે તેમ,મરનારના દેહનો ત્યાગ કરીને જ્ઞાતિવાળાઓ,સ્નેહીઓ અને પુત્રો પાછા વળે છે.અગ્નિમાં નાખેલા પુરુષની પાછળ તેનું પોતાનું કરેલું કર્મ જ જાય છે માટે પુરુષે પ્રયત્નપૂર્વક ધીરેધીરે ધર્મકર્મનો સંગ્રહ કરવો (18)
આ લોકથી ઉપર રહેલા સ્વર્ગથી તથા આ લોકથી નીચે રહેલા પાતાળમાં અંધતામિશ્ર નામનું નરક છે,તે નરક તમને પ્રાપ્ત ન થાઓ.હે રાજા,મારાં આ વચન સાંભળીને તમે જો સર્વ જાણવા સમર્થ થશો,તો મનુષ્યલોકમાં ઉત્તમ યશ પામશો અને તમને આ લોકમાં તથા પરલોકમાં ભય રહેશે નહિ.(20)