અગ્નિહોત્ર પાળવું-એ વેદાધ્યયનનું ફળ છે,સુશીલતા અને સદાચરણ એ શાસ્ત્રઅધ્યયનનું ફળ છે,રતિસુખ અને પુત્રપ્રાપ્તિ એ સ્ત્રી પરણ્યાનું ફળ છે અને દાન તથા ભોગ એ ધનનું ફળ છે.જે મનુષ્ય,અધર્મથી સંપાદન કરેલા ધન વડે,ભલે પરલોકના સાધનભૂત યજ્ઞ,દાન વગેરે કરે,પણ તે કુમાર્ગના ધનને લીધે તેનું ફળ તેને મળતું નથી.ઉદ્યોગ,ઇન્દ્રિયનિગ્રહ,
દક્ષતા,સાવધાની,ધૈર્ય,સ્મરણશક્તિ અને વિચારપૂર્વક કાર્યારંભ-એ ઐશ્વર્યનું કારણ છે.
તપસ્વીઓનું બળ તપ છે,બ્રહ્મવેત્તાઓનું બળ બ્રહ્મ છે,દુર્જનોનું બળ હિંસા છે ને ગુણવાનોનું બળ ક્ષમા છે.(70)
જળ,મૂળ,ફળ,દૂધ,હવિષ,ઔષધ અને બ્રાહ્મણ તથા ગુરુની આજ્ઞા (પ્રમાણે કરવું)-એ આઠના સ્વીકારથી ઉપવાસ-આદિ વ્રતનો ભંગ થતો નથી.પોતાને જે પ્રતિકૂળ લાગે તે બીજા પ્રત્યે કરવું નહિ-એ એકંદર ધર્મ છે અને ઈચ્છા પ્રમાણે વર્તવાથી અધર્મ થાય છે.શાંતિથી ક્રોધને જીતવો,સૌજન્યથી દુર્જનને જીતવો,દાનથી કૃપણને જીતવો અને સત્યથી અસત્યને જીતવું.
સ્ત્રી,ઠગ,આળસુ,બીકણ,ક્રોધી,અભિમાની,ચોર,કૃતઘ્ની અને નાસ્તિક-એટલાનો વિશ્વાસ કરવો નહિ.(74)
જે ધન,અત્યંત કષ્ટથી મળતું હોય,ધર્મના ઉલ્લંઘન કરવાથી મળતું હોય,કે શત્રુના પગે પડવાથી મળતું હોય તેમાં તમે મન ન રાખો.વિદ્યા વિનાનો પુરુષ શોચનીય છે,પ્રજા વિનાનું મૈથુન શોચનીય છે,જીવિકા વિનાની પ્રજા શોચનીય છે અને રાજા વિનાનું રાજ્ય શોચનીય છે.પ્રાણીઓને મુસાફરીથી ઘડપણ આવે છે,પર્વતોને પાણીથી ઘડપણ આવે છે,સ્ત્રીઓને સંભોગથી ઘડપણ આવે છે અને કઠોર વાણી એ મનને ઘરડું કરી દે છે.(78)
અનભ્યાસ વેદને મલિન કરે છે,વ્રતનો ત્યાગ બ્રાહ્મણને મલિન કરે છે,અસત્ય ભાષણ પુરુષને મલિન કરે છે,કોઈપણ વાતનું કુતુહલ અને પ્રવાસ -સાધ્વી સ્ત્રીને મલિન કરે છે.સોનાને રૂપું મલિન કરે છે,રૂપાને કથિર મલિન કરે છે,કથિરને સીસું મલિન કરે હે અને સીસાને માટી મલિન કરે છે.પુષ્કળ ઊંઘવાથી નિંદ્રાને જીતવાનો,કામતૃપ્તિથી સ્ત્રીને હરાવવાનો,લાકડાં નાખવાથી અગ્નિને જીતવાનો અને પુષ્કળ પીવાથી મદિરાને-પરાજય કરવાનો પ્રયત્ન કરવો નહિ.જેણે,દાનથી મિત્રને વશ કર્યો છે,યુદ્ધથી શત્રુઓને જીત્યા છે અને ખાનપાનથી સ્ત્રીઓને વશ કરી છે તેનું જીવન સફળ છે.(83)
હે ધૃતરાષ્ટ્ર,હજારો નાણાવાળા,થોડા નાણાવાળા કે નાણા વગરના પણ જીવે છે માટે તમે આ આખા રાજ્યની ઈચ્છા છોડી દો,
કોઈ પણ સ્થિતિમાં જીવાતું નથી-એમ નથી.આ પૃથ્વીનું બધું ધન,ધાન્ય,પશુ ને સ્ત્રીઓ એ સર્વ એકને મળે તો પણ તેને તૃપ્તિ થતી નથી-એ જોઈને ડાહ્યો મનુષ્ય મોહ પામતો નથી.હે રાજન,હું તમને ફરીથી કહું છું કે જો તમારી,પોતાના પુત્રો અને પાંડવોમાં સમાન ભાવના હોય તો તમે તે બંને પ્રત્યે સમાનતાથી વર્તો (86)
અધ્યાય-39-સમાપ્ત