શાણાને સેવનાર,વિદ્વાન,ધાર્મિક,આંખને પ્રિય લાગે એવો,મિત્રવાળો,અને મધુર વાણીવાળો જે સ્નેહી હોય તેનું પરિપાલન કરવું.
કુલીન હોય અકુલીન હોય પણ જે મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી,ધર્મની અપેક્ષા રાખે છે,વૃત્તિ સરળ રાખે છે અને દુષ્કાર્યમાં લજ્જા રાખે છે તે સેંકડો કુલીનો કરતાં પણ શ્રેષ્ઠ છે.જે બે મિત્રોના મન સાથે મન,બુદ્ધિ સાથે બુદ્ધિ અને ગુપ્ત વિચાર સાથે ગુપ્ત વિચાર મળતા આવે છે તે બંનેની મિત્રતા ક્ષીણ થતી નથી.
વિદ્વાન મનુષ્યે,દુર્બુદ્ધિવાળા મૂર્ખ મનુષ્યનો ઘાસથી ઢંકાયેલા કૂવાની જેમ ત્યાગ કરવો કારણકે તેવાની મૈત્રી નાશ પામે છે.ડાહ્યા મનુષ્યે,ગર્વિષ્ઠ,મૂર્ખ,ક્રોધી,સાહસિક અને ધર્મભ્રષ્ટ મનુષ્યની મૈત્રી કરવી નહિ,પણ કૃતઘ્ન,ધાર્મિક,સત્યનિષ્ઠ,મોટા મનવાળો,દ્રઢ ભક્તિવાળો,જિતેન્દ્રિય સ્થિતિમાં રહેનારો અને આપણને ન છોડનારો-એવો મિત્ર કરવો જોઈએ.ઇન્દ્રિયોને વિષયોમાં જવા ન દેવી,એ કામ મૃત્યુ કરતાં પણ વધારે કઠિન છે,ને ઇંદ્રિયોની છૂટ એ દેવતાઓનો પણ નાશ કરે છે.
કોમળ વૃત્તિ,સર્વ પ્રાણી પ્રત્યે અદેખાઇનો ત્યાગ,ક્ષમા,ધૈર્ય અને મિત્રોનો આદર-એ આયુષ્ય વધારનારાં છે.
કોઈ પણ કાર્ય,અન્યાયને લીધે બગડ્યું હોય,તેને દૃઢ નિશ્ચયપૂર્વક ન્યાયથી પાછું પૂર્વ સ્થિતિમાં લાવવું,એ ઉત્તમ પુરુષનું વ્રત છે.
જે મનુષ્ય,આવનારાં દુઃખનો ઉપાય જાણે છે,દુઃખના સમયમાં દૃઢ નિશ્ચય રાખે છે અને દુઃખ ગયા પછી બાકીનું કાર્ય કેમ કરવું-તે જાણે છે,તે અર્થથી ભ્રષ્ટ થતો નથી.મનુષ્ય,મન,વાણી ને કર્મથી જે કામ વારંવાર કરે છે,તે કામ તેને ખેંચી જાય છે માટે મનુષ્યે કલ્યાણકારક કર્મ જ કરવાં.મંગલ વસ્તુનો સ્પર્શ,સહાયસંપત્તિ,શાસ્ત્રજ્ઞાન,ઉદ્યમ,સરળતા અને સત્પુરુષોનું દર્શન-એ સર્વ સમૃદ્ધિ આપનારાં છે.ઉદ્યોગપરાયણતા,એ લક્ષ્મી-લાભ અને શુભનું મૂળ છે.ઉદ્યોગ પરાયણ મનુષ્ય મોટો થઇ પડે છે અને અક્ષય સુખ ભોગવે છે.સત્તાવાન મનુષ્યે,શક્તિ વગરના મનુષ્યે અને જેને અર્થ-અનર્થ સમાન છે તેને પણ હંમેશા સર્વના પર ક્ષમા રાખવી.
જે સુખનું સેવન કરતાં,મનુષ્ય ધર્મ અને અર્થથી ભ્રષ્ટ થતો નથી,તે સુખ ઈચ્છાપૂર્વક સેવવું પણ,મૂઢની જેમ અત્યંત વિષયપરાયણ થવું નહિ.દુઃખાતુર,પ્રમત્ત,નાસ્તિક,આળસુ,ઈંદ્રિયાધીન અને નિરુત્સાહી-એટલાની પાસે લક્ષ્મી વાસ કરતી નથી.
સરળતાવાળો પુરુષ સરળતાને લીધે અયોગ્ય કામ કરવામાં શરમાય છે ત્યારે તેને રૂષ્ટબુદ્ધિવાળાઓ અશક્ત માનીને તેને સતાવ્યા કરે છે.અતિઆર્ય,અતિઉદાર,અતિશૂર,અતિવ્રતનિષ્ઠ અને ડહાપણનું અભિમાન રાખનારા પાસે લક્ષ્મી,ભયથી જતી નથી.લક્ષ્મી અતિગુણવાન કે અત્યંત ગુણહીનની પાસે રહેતી નથી.લક્ષ્મી,ગુણને ચાહતી નથી કે ગુણહીનપણાથી પણ પ્રસન્ન થતી નથી.ઉન્મત્ત ગાયના જેવી અંધ લક્ષ્મી,કોઈક ઠેકાણે જ સ્થિર રહે છે.(65)