Dec 13, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-689

 

જે મનુષ્ય દરિદ્રી,દીન તથા દુઃખી એવા પોતાના જ્ઞાતિબંધુ પર કૃપા કરે છે તેમનું કુટુંબ વૃદ્ધિ પામે છે અને તે પરમ કલ્યાણ ભોગવે છે,માટે જેઓ શુભ ઇચ્છતા હોય તેઓએ ન્યાતિલાઓની વૃદ્ધિ કરવી.હે રાજન,માટે તમે પણ સારી રીતે કુળની વૃદ્ધિ થાય તેવું આચરણ કરો.જ્ઞાતિજનો ગુણરહિત હોય તો પણ તેઓનું રક્ષણ કરવું જોઈએ,ત્યારે પાંડવો તો ગુણસંપન્ન છે અને તમારી કૃપાની આકાંક્ષા કરનારા છે તો મારે કહેવું જ શું? હે રાજન,તમે પાંડવો પર કૃપા કરો,તેઓને જીવિકા માટે કેટલાંએક ગામો આપો,ને તેમ કરવાથી તમને યશ પ્રાપ્ત થશે.તમે વૃદ્ધ છો માટે તમારે પુત્રોને શિખામણ આપવી જોઈએ અને મારે પણ તમને હિત કહેવું જોઈએ.મને તમારો હિતૈષી જાણો.(22)

હે તાત,પોતાનું શુભ ઇચ્છનારે જ્ઞાતિજનો સાથે વિરોધ કરવો નહિ,પણ તેમની સાથે રહીને સુખ ભોગવવાં.આ લોકમાં જ્ઞાતિઓ જ તારે છે અને જ્ઞાતિઓ જ ડુબાડે છે.માટે તમે પાંડવો પ્રત્યે સદવર્તન રાખો કે જેથી તેઓથી વીંટાયેલા એવા તમે શત્રુઓથી પરાભવ પામશો નહિ.હે રાજન,જો યુદ્ધ થશે તો તે યુદ્ધમાં પાંડવોને કે કૌરવોને મરેલા સાંભળીને તમને તે વખતે પાછળથી સંતાપ થશે માટે તે સંબંધી તમે પ્રથમથી જ વિચાર કરો.જીવન અનિશ્ચિત છે માટે તેમાં જે કામ કરવાથી ખાટલે પડ્યા પડ્યા પશ્ચાતાપ કરવો પડે તે કામ પ્રથમથી જ કરવું જોઈએ નહિ.નીતિશાસ્ત્રકર્તા શુક્રાચાર્ય સિવાય બીજો કોઈ પણ પુરુષ અન્યાય કરતો નથી એમ નથી,પણ અન્યાય ધ્યાનમાં આવ્યા પછી બાકી રહેલા કામમાં વિચારપૂર્વક વર્તવું,બુદ્ધિમાનોનું લક્ષણ છે (30)


હે નરેશ્વર,પાંડવોને રાજ્યપદ ઉપર બેસાડવાથી તમે,લોકમાં નિર્દોષ થશે ને વિદ્વાનોમાં માન્ય થશો.જે મનુષ્ય,ધીર પુરુષોનાં સારાં વચનોનાં પરિણામનો વિચાર કરીને કાર્ય કરવાનો નિશ્ચય કરે છે તે ઘણો કાળ યશસ્વી રહે છે.જો પુરુષે,ઉપદેશેલા જ્ઞાનમાંથી જાણવા જેવું જાણ્યું નહિ અને જાણ્યા છતાં તે પ્રમાણે વર્તન કર્યું નહિ તો તેને ઉપદેશેલું જ્ઞાન નિષ્ફળ છે.જે મનુષ્ય,પરિણામે પાપફળ આપનારાં કર્મને જાણીને તેનો આરંભ જ કરતો નથી,તે અભ્યુદય પામે છે.પરંતુ પૂર્વે કરેલા પાપનો વિચાર કર્યા વિના જ ફરી પાપ જ કર્યા કરે છે તે દુર્બુદ્ધિ મનુષ્યને અગાધ ભયંકર નરકમાં નાખવામાં આવે છે (36)


ડાહ્યા મનુષ્યે મસલત ફૂટવાનાં આ છ દ્વારો લક્ષ્યમાં રાખવાં અને સંપત્તિની ઇચ્છાવાળાએ આ દ્વારોનું નિત્ય રક્ષણ કરવું.

મદિરાપાનથી થયેલો મદ,નિંદ્રા,અન્યના ગુપ્ત દૂતને ન ઓળખવો,પોતાના મુખનો ને નેત્રનો વિકાર,દુષ્ટ મંત્રીનો વિશ્વાસ અને મૂર્ખ દૂત-આ દ્વારો જાણીને જે તેને સાચવી રાખે છે અને ધર્મ,અર્થ તથા કામ -એ ત્રિવર્ગનું સેવન કરે છે તે શત્રુના માથા પર પગ મૂકે છે.બૃહસ્પતિ જેવાને પણ શાસ્ત્રના અધ્યયન વિના ધર્મ અને અર્થનું જ્ઞાન થતું નથી.સમુદ્રમાં પડેલું પામેલું,ના સાંભળનારને કહેલું વચન મિથ્યા પામેલું,અવિવેકીનું શાસ્ત્રઅધ્યયન નષ્ટ પામેલું અને અગ્નિ વિના રાખમાં હોમેલું નાશ પામેલું જ સમજવું 


બુદ્ધિમાન પુરુષે,બુદ્ધિ વડે પરીક્ષા કરી,પોતાના અનુભવ વડે કાર્યની યોગ્યતાનો નિશ્ચય કરી,બીજાથી તેના ગુણદોષ સાંભળી,

જાતે નજરે જોઈ,તથા સારી રીતે માહિતી મેળવીને જ પછી ડાહ્યા મનુષ્યોની જ મિત્રતા કરવી.

વિનય અપકીર્તિનો નાશ કરે છે,પરાક્રમ અનર્થનો નાશ કરે છે,ક્ષમા નિત્ય ક્રોધનો નાશ કરે છે અને સદાચાર કુલક્ષણનો નાશ કરે છે.હે રાજા,ભોગ્ય વસ્તુની સામગ્રી,જન્મસ્થાન,ઘર,આચરણ,ભોજન અને વસ્ત્ર-એ પરથી કુળની પરીક્ષા કરવી.

જીવન્મુક્ત પુરુષ પણ સમીપમાં આવેલી ઇષ્ટ વસ્તુઓનો નિષેધ કરતો નથી તો વિષયાશક્ત માટે તો કહેવું જ શું?