Dec 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-688

 

અધ્યાય-૩૯-વિદુરનીતિ (ચાલુ)


II धृतराष्ट्र उवाच II अनिश्वरोयं पुरुषो भवाभवे सुत्रप्रोता दारुभयिव योषा I धात्रा तु दिष्टस्य वशे कृतोऽयं तस्माद्वद त्वं श्रवणे ध्रुतोहम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-સૂતર પરોવેલી લાકડાની પૂતળીની જેમ,આ પુરુષને વિધાતાએ દૈવને આધીન કરેલો છે,તેથી તે ઐશ્વર્ય તથા અનૈશ્વર્યના સંબંધમાં સ્વતંત્ર નથી,માટે તું મને દોષ ન દેતાં બોધવચન કહે,હું તે ધૈર્યથી સાંભળવા તૈયાર છું 

વિદુર બોલ્યા-હે ભારત,સમયને અયોગ્ય વચન સાક્ષાત બૃહસ્પતિ બોલે તો પણ તેનું અપમાન થાય છે અને તેની બુદ્ધિની અવજ્ઞા થાય છે.કોઈ દાનથી પ્રિય થાય છે,કોઈ પ્રિય બોલવાથી પ્રિય થાય છે,કોઈ મંત્ર તથા મૂળના બળથી પ્રિય થાય છે પણ નિષ્કારણ જ પ્રિય લાગે તે જ ખરો પ્રિય છે.જે પોતાને જ અપ્રિય હોય તે સજ્જન હોય,બુદ્ધિશાળી હોય તથા પંડિત હોય તો પણ સારો લાગતો નથી.જે પ્રિય હોય તેના સર્વ કાર્યો સારાં લાગે છે ને અપ્રિયનાં કાર્યો પાપભરેલાં લાગે છે (4)

હે રાજા,મેં દુર્યોધનનો જન્મ થયો તે  વખતે જ કહ્યું હતું કે-'તમે આ એક પુત્રને ત્યજી દો કારણકે તેના એક ત્યાગથી સો પુત્રોની વૃદ્ધિ થશે અને તેનો ત્યાગ ન કરવાથી સો પુત્રોનો નાશ થશે' જે વૃદ્ધિ પરિણામે ક્ષય કરે,તે વૃદ્ધિને શ્રેષ્ઠ માનવી નહિ,પણ જે ક્ષય પરિણામે વૃદ્ધિ કરે તે ક્ષય જ શ્રેષ્ઠ માનવા જેવો છે.હે રાજન,કેટલાએક ગુણથી સમૃદ્ધિવાળા હોય છે,તો કેટલાએક ધનથી સમૃદ્ધિવાળા હોય છે,તેમાંના ધનથી સમૃદ્ધ પણ ગુણરહિત એવાઓનો તમે ત્યાગ કરો (8)


ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે વિદુર,તું જે બોલે છે તે સર્વ પરિણામે હિતકારી અને વિદ્વાનોને માન્ય છે,

વળી,હું જાણું છું કે જ્યાં ધર્મ છે ત્યાં જય છે પરંતુ હું પુત્રને ત્યજી દેવા સમર્થ થતો નથી'


વિદુર બોલ્યા-હે રાજન,જે ઘણો ગુણવાન તથા વિનયસંપન્ન હોય છે તે પ્રાણીઓના થોડાક દુઃખ તરફ પણ કદી બેદરકાર રહેતો નથી,જેઓ પરનિંદા કરવામાં,બીજાને દુઃખ દેવામાં,પરસ્પર વિરોધ કરાવવામાં તત્પર છે,જેઓનું દર્શન દોષ ઉત્પન્ન કરનાર છે,જેઓના સહવાસમાં મહાન ભય છે,જેઓને પૈસા આપવામાં કે જેઓની પાસેથી પૈસા લેવામાં ભય રહેલો છે,જેઓ કામી,નિર્લ્લજ થતા શઠ હોય છે,જેઓ પાપી તરીકે પ્રખ્યાત છે ને મહાદોષોથી યુક્ત છે તે મનુષ્યોનો ત્યાગ કરવો 

કારણકે મિત્રતાનું કારણ સમાપ્ત થતાં જ તેમના સ્નેહનું સુખ નાશ પામે છે,તથા જો તેમનું થોડું પણ બૂરું થાય તો તે મિત્રનો વિનાશ કરવા પ્રયત્ન કરે છે અને મૂર્ખતાને લીધે તે કોઈ રીતે શાંત થતો નથી.માટે તેમની સંગતિને દૂરથી જ ત્યજી દેવી (10)