જે રાજાની મસલતને બહારનું તથા ઘરનું કોઈ જાણતું નથી અને જે દૂતો દ્વારા બીજાની મસલતો જાણી લે છે તે રાજા ઘણો સમય ઐશ્વર્ય ભોગવે છે.ધર્મ,કામ અને અર્થનાં કાર્યો કરવા ધારેલાં હોય તે કહેવાં નહિ,પણ તે કરેલાં જ દેખાડવાં,એમ કરવાથી મસલત ફૂટતી નથી.ઉત્તમ મસલત જાણવાને મિત્ર વિના બીજો લાયક નથી.છતાં,જો મિત્ર બહુ બોલકણો હોય તો તેને ગુપ્ત વિચાર જણાવવો નહિ.રાજાએ પરીક્ષા કર્યા વગર કોઈને પણ પોતાનો મંત્રી કરવો નહિ,કારણકે ધનલાલસાની પૂર્તિ અને મંત્રરક્ષણ એ બંને મંત્રીને આધીન હોય છે.આવા ગુપ્ત મસલતવાળા રાજાના કાર્યો અવશ્ય સિદ્ધ થાય છે.(21)
જે રાજા મોહને લીધે નિંદ્ય કાર્યો કરે છે,તે કાર્યોનો વિપરીતપણાને લીધે નાશ થતાં,રાજા પણ નાશ પામે છે.પ્રસંશાપાત્ર કાર્ય કરવાથી સુખ મળે છે અને તે ન કરવાથી પશ્ચાતાપ થાય છે તેવું વિદ્વાનોનું માનવું છે.સંધિ,વિગ્રહ,યાન,આસન,દ્વૈધીભાવ અને સમાશ્રય-આ છ ગુણોની સમજ વિનાનો પુરુષ મસલત સાંભળવાને યોગ્ય નથી.અને આ છ ગુણોના જ્ઞાન વડે પોતાના સ્વરૂપને ઓળખનારો અને સત્કાર કરવા યોગ્ય શીલવાળો રાજા પૃથ્વીને સ્વાધીન કરે છે.જે રાજાનો,ક્રોધ તથા હર્ષ સફળ છે,જે પોતે કામ કરીને તેની વારંવાર દેખરેખ રાખે છે અને પોતે જ ભંડારની ખબર રાખે છે તેને પૃથ્વી ધન આપ્યા જ કરે છે.(26)
રાજાએ રાજપદ અને છત્રથી જ સંતુષ્ટ રહેવું અને સંપત્તિ સેવકોને વહેંચી આપવી,પણ એકલાએ જ સર્વ લઇ લેવું નહિ.
બ્રાહ્મણ,બ્રાહ્મણના સ્વરૂપને,પતિ,પત્નીના સ્વરૂપને,રાજા,અમાત્યના સ્વરૂપને અને પોતાના સ્વરૂપને પોતે જ ઓળખે છે.
વધ કરવા યોગ્ય શત્રુ તાબામાં આવ્યો હોય તો તેને છોડી દેવો નહિ,કેમ કે તેવો શત્રુ જીવતો જતાં થોડા જ સમયમાં તેનાથી ભય ઉત્પન્ન થાય છે.દેવતા,રાજા,બ્રાહ્મણ,વૃદ્ધ,બાળક અને રોગી,એટલાની સાથે પ્રસંગ પડતાં,સર્વદા પ્રયત્નથી ક્રોધને વશમાં રાખવો.ડાહ્યા મનુષ્યે નિરર્થક ક્લેશનો ત્યાગ કરવો કેમકે તેના ત્યાગથી લોકમાં કીર્તિ મળે છે ને કોઈ અનર્થ થતો નથી.(31)
જેમ,સ્ત્રીઓ નપુંસક પતિને ઇચ્છતી નથી,તેમ,પ્રજા,જેની કૃપા નિષ્ફળ હોય ને જેનો ક્રોધ નિરર્થક હોય તેવા રાજાને ઇચ્છતી નથી.બુદ્ધિ,કંઈ ધનનો લાભ કરાવતી નથી કે મૂર્ખતા ધનની હાનિ કરાવતી નથી,પણ ધન તો કર્મફળને અધીન છે.
મૂર્ખ મનુષ્ય જ વિદ્યાવૃદ્ધ,શીલવૃદ્ધ,વયોવૃદ્ધ,ધનવૃદ્ધ અને કુળવૃદ્ધ-એ સર્વનું અપમાન કરે છે.જે દુરાચરણી,મૂર્ખ,
ઇર્ષાખોર,અધર્મી,દુષ્ટ વાણીવાળો તથા ક્રોધી હોય તેના પર જલ્દી સંકટો આવી પડે છે. (35)
છેતરપિંડીનો ત્યાગ,દાન,કરેલા ઠરાવનું પાલન અને સારી રીતે બોલેલી વાણી-એટલાથી પ્રાણીઓને પોતાના પક્ષમાં વાળી લેવાય છે.જે ઉલટું બોલતો નથી,દક્ષ છે,કૃતજ્ઞ છે,બુદ્ધિમાન છે અને સરળ પ્રકૃતિનો છે,તેનો ભંડાર ક્ષીણ થયો હોય તો પણ,તેને સેવક,મિત્ર,પરિવાર આવી મળે છે.ધૈર્ય,શાંતિ,ઇન્દ્રિયનિગ્રહ,પવિત્રતા,દયા,કોમળ વાણી અને મિત્રદ્રોહનો ત્યાગ-આ સાત લક્ષ્મીને વૃદ્ધિ પમાડે છે.જે રાજા પોતે જ સર્વ પચાવી પાડતો હોય તેવાનો ત્યાગ કરવો.પોતે દોષયુક્ત હોવા છતાં,જે ઘરમાં નિર્દોષ મનુષ્યોને કોપાવે છે,તેને રાત્રે સુખથી ઊંઘ આવતી નથી.(40)
જેઓના ક્રોધે ભરાવાથી પોતાના યોગક્ષેમની અડચણ આવે તેવાઓને,દેવતાઓની જેમ રાખવા.
જે ધન વગેરે અર્થો,સ્ત્રી,પ્રમાદી,પતિત અને અનાર્યને હાથે ગયા હોય તે ભાગ્યે જ પાછા મળે છે.હે રાજન,જ્યાં સ્ત્રી,ધૂર્ત
અને બાળકની સત્તા ચાલતી હોય ત્યાંના લોકો નદીમાં પથ્થરની નાવમાં બેઠેલાની જેમ,પરાધીન થઈને ડૂબી જાય છે.
હે રાજન,જેઓ,મુખ્ય કાર્યમાં જ પ્રવૃત્ત થાય છે ને વધારે ભાંજગડમાં પડતા નથી તેઓને જ હું પંડિત માનું છું.
ધૂર્તો (જુગારીઓ),ચારણો અને વેશ્યાઓ જેનાં વખાણ કરે છે-તે મનુષ્ય જીવી શકતો નથી.તમે પાંડવોનો ત્યાગ કરીને દુર્યોધનને મોટું ઐશ્વર્ય આપ્યું છે,પરંતુ જેમ,ઐશ્વર્યના મદથી મૂઢ થયેલો બલિરાજા,ત્રણે લોકના રાજ્યથી ભ્રષ્ટ થયો હતો,તેમ,તમે પણ દુર્યોધનને થોડા સમયમાં જ રાજ્યથી ભ્રષ્ટ થયેલો જોશો (47)
અધ્યાય-38-સમાપ્ત