Dec 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-686

 

અધ્યાય-૩૮-વિદુરનીતિ (ચાલુ)


II विदुर उवाच II ऊर्ध्व प्राणात्ध्युत्क्रामंति यूनः स्थविर आयति I प्रत्युथानाभिवादाभ्यां पुनस्तान्प्रतिपध्यते  II १ II

વિદુર બોલ્યા-વૃદ્ધ પુરુષ આવે ત્યારે (તેનું સ્વાગત કરવા) તરુણના પ્રાણો ઊંચે ચડી જાય છે,છતાં તે ઉઠીને તેને અભિવંદન કરીને પુનઃ પ્રાણોને પોતાના સ્થાનમાં પ્રાપ્ત કરે છે.પણ,ધીર પુરુષે જયારે પોતાને ઘેર સત્પુરુષ આવે ત્યારે પ્રથમ તેને બેસવા માટે આસન આપવું,પછી પાણીથી તેના પગ ધોવા,ને પછી કુશળ પૂછીને તેને આદરથી ભોજન કરાવવું.

વૈદ્ય,શસ્ત્રકર્તા,બ્રહ્મચર્યથી ભ્રષ્ટ,ચોર,ક્રૂર,મદ્યપાન કરનારો,ગર્ભપાત કરાવનારો,સેનાથી જીવિકા ચલાવનારો અને વેદવિક્રય કરનારો-એટલા તો પાણીને માટે પણ યોગ્ય નથી છતાં એમાંનો કોઈ અતિથિ તરીકે પોતાને ત્યાં આવેલો હોય તો તેનું પ્રેમથી સ્વાગત કરવું.મીઠું,રાંધેલું અન્ન,દહીં,દૂધ,મધ,તેલ,ઘી,તલ,માંસ,ફળ,મૂળ,શાક,રંગીત વસ્તુ,સર્વ સુગંધી પદાર્થો અને ગોળ,એટલી વસ્તુઓ વેચવા યોગ્ય નથી,પરંતુ એ વેચનારો અતિથિ તરીકે આવ્યો હોય તો તેનું સ્વાગત કરવું (5)

જે ક્રોધ વિનાનો,માટી ને સોનાને સમાન ગણનારો,શોકરહિત,સ્નેહ તથા વેર વિનાનો,નિંદા તથા પ્રસંશાથી ઉપરામ પામેલો,સુખ-દુઃખને સમાન ગણનારો ને ઉદાસીનની જેમ રહેનારો હોય તેને ખરો ભિક્ષુ-સન્યાસી જાણવો.

શાકભાજી પર નિર્વાહ કરનાર,મનને સારી રીતે વશમાં રાખનાર,અગ્નિહોત્રના કાર્યમાં દક્ષ,વનમાં વાસ કરનાર,

અતિથિ સત્કર્મ સાવધાન અને પુણ્યકર્મ કરનાર પુરુષને મહાન તપસ્વી જાણવો (7)


બુદ્ધિમાન પુરુષનો અપકાર કરીને 'હું દૂર છું' એવા વિશ્વાસથી બેસી રહેવું નહિ કારણકે તેના બુધ્ધિરૂપી હાથ લાંબા હોય છે,કે જે હાથથી તે અપકાર કરનારાનો નાશ કરે છે.અવિશ્વાસુ મનુષ્યનો વિશ્વાસ કરવો નહિ ને વિશ્વાસુનો એ અતિવિશ્વાસ રાખવો નહિ કેમ કે વિશ્વાસથી ઉત્પન્ન થયેલો ભય મૂળને પણ કાપી નાખે છે.પુરુષે કોઈને ઈર્ષા કરવી નહિ,પોતાની સ્ત્રીનું રક્ષણ કરવું,જે મળે તે પોષણ કરવા યોગ્ય વર્ગને વહેંચી આપવું,પ્રિય બોલવું,સ્ત્રીઓની સાથે કોમળ રહેવું પણ તેઓનુ વશ થઇ જવું નહિ.

પૂજવા યોગ્ય,મહાભાગ્યશાળી,પવિત્ર અને ઘરને શોભાવનારી સ્ત્રીઓને ઘરની લક્ષ્મી કહી છે માટે તેઓનું રક્ષણ કરવું.(11)


પિતાને અંતઃપુરનું રક્ષણ સોંપવું,માતાને રસોડું સોંપવું,અને ખેતી પર જાતે જ જવું.સેવકો પાસે વ્યાપારકાર્ય કરાવવું અને પુત્રો દ્વારા બ્રાહ્મણોની સેવા કરવી.પાણીથી અગ્નિ ઉત્પન્ન થયો છે,બ્રાહ્મણોથી ક્ષત્રિયો અને પાષાણથી લોઢું ઉત્પન્ન થયું છે.તેઓનું તેજ સર્વગામી છે પરંતુ તે પોતાના ઉત્પત્તિસ્થાનમાં શાંત થઇ જાય છે.ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા સજ્જનો નિત્ય અગ્નિના જેવા તેજસ્વી હોય છે છતાં તેઓ કાષ્ટમાં ગુપ્ત રહેલા અગ્નિની જેમ બહારથી શાંત તથા ગૂઢ રહે છે.(15)