દુષ્ટ બુદ્ધિવાળા લોકો,જેવી બીજાના દોષ જોવાની ઈચ્છા રાખે છે તેવી તેમના ઉત્તમ ગુણો જોવાની ઈચ્છા રાખતા નથી.ઉત્કૃષ્ટ અર્થસિદ્ધિની જેઓને ઈચ્છા હોય તેણે પ્રથમથી જ ધર્માચરણ કરવું કારણકે જેમ,અમૃત સ્વર્ગલોકમાંથી દૂર જતું નથી તેમ અર્થ-ધન ધર્મથી દૂર જતું નથી,જેણે પાપથી દૂર થયેલા પોતાના મનને કલ્યાણમાં જોડ્યું છે,તેણે પ્રકૃતિ (માયા)તથા વિકૃતિ(મહત તત્વ-આદિ) સર્વને જાણ્યું છે.જે મનુષ્ય ધર્મ,અર્થ તથા કામનું યથાસમય સેવન કરે છે તેને આ લોકમાં ધર્મ,અર્થ અને કામનો સંબન્ધ પ્રાપ્ત થાય છે.જે મનુષ્ય ક્રોધ તથા હર્ષના ઉપડેલા વેગને સારી રીતે કબ્જે રાખે છે અને જે સંકટમાં મુંઝાતો નથી તેને લક્ષ્મી પ્રાપ્ત થાય છે (51)
પુરુષનું બળ નિત્ય પાંચ પ્રકારનું છે.જે બાહુબળ છે તે હલકું બળ કહેવાય છે.અમાત્યનો લાભ બીજું બળ છે,ધનલાભ ત્રીજું બળ છે,કુળબળ ચોથું બળ છે અને જે બળમાં સર્વનો સમાવેશ થાય છે અને જે સર્વ બળમાં શ્રેષ્ઠ છે તે બુદ્ધિબળ છે.
જે મનુષ્ય,મનુષ્યનું મહાઅનિષ્ઠ કરવામાં સમર્થ હોય તેવા મનુષ્યનો સાથે વેર કરીને 'હું તેનાથી દૂર છું' એમ વિશ્વાસ રાખવો નહિ.સ્ત્રી,રાજા,સર્પ,વેદાધ્યયન,સમર્થ શત્રુ,વૈભવ અને આયુષ્ય-એટલાનો વિશ્વાસ કયો ડાહ્યો મનુષ્ય કરે?(57)
બુધ્ધિરૂપી બાણથી હણાયેલા પ્રાણીને સાજો કરવા વૈદ્યો,ઔષધો,હોમ,મંત્રો,પુણ્યકર્મો અને અથર્વવેદના રસાયણ પ્રયોગો પણ સફળ થતા નથી.હે રાજન,સર્પ,સિંહ,અગ્નિ અને જ્ઞાતિ એ ચારનું મનુષ્યે અપમાન કરવું નહિ કારણકે એ સર્વે અતિતેજસ્વી હોય છે.અગ્નિ,કાષ્ટમાં ગુપ્ત રહે છે અને ચેતાવ્યું ના હોય ત્યાં સુધી પોતાના રહેવાના કાષ્ટને બાળતું નથી,પણ જયારે લાકડાઓનું મંથન કરીને ચેતાવવામાં આવે ત્યારે તે અગ્નિ તે લાકડાને ને બીજા વનને પણ સપાટાબંધ ભસ્મ કરી નાખે છે.એ જ પ્રમાણે પાંડવો અગ્નિ જેવા તેજસ્વી છે,ક્ષમાશીલ છે અને બહારથી પોતાનો આકાર ઢાંકીને કાષ્ટમાં રહેલા અગ્નિની જેમ રહેલા છે.વળી,મારા માનવા પ્રમાણે તમે પુત્રો સહિત લતારૂપ છો અને પાંડવો મહાવૃક્ષરૂપ છે.મહાવૃક્ષનો આશ્રય કર્યા વિના લતા કદી વૃદ્ધિ પામતી નથી-એમ જ તમે સમજો.(64)
અધ્યાય-37-સમાપ્ત