Dec 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-684

 

બુદ્ધિ,કુલીનતા,શાસ્ત્રજ્ઞાન,ઇન્દ્રિય નિગ્રહ,પરાક્રમ,અલ્પ ભાષણ,યથાશક્તિ દાન અને કૃતજ્ઞતા આ આઠ ગુણો પુરુષોને દીપાવે છે.વળી રાજા જે મનુષ્યનો સત્કાર કરે છે તે મનુષ્યમાં બીજા ગુણો ન હોય તો પણ આ રાજસન્માનરૂપી ગુણ જે મનુષ્યમાં હોય તે ગુણી છે એમ મનાય છે,ને આ ગુણ તેને દીપાવે છે.(32)

સ્નાન કરનારા મનુષ્યને બળ,રૂપ,સ્વરશુદ્ધિ,સ્પષ્ટ વર્ણોચ્ચાર,ત્વચાની કોમળતા,સુગંધ,પવિત્રતા,શોભા,લાવણ્ય અને ઉત્તમ સ્ત્રીઓ-આ દશ ગુણો પ્રાપ્ત થાય છે.માપસર ભોજન કરનારને આરોગ્ય,આયુષ્ય,બળ,સુખ,સ્વચ્છ પ્રજા અને ખાઉધરાપણાની નિંદાથી બચાવ-આ છ ગુણો પ્રાપ્ત થાય છે.આળસુ,બહુ ભોજન કરનાર,લોકનો અણગમતો,મહામાયાવી,ક્રૂર,દેશકાળને ન જાણનાર અને ખરાબ વેશવાળો-એટલાને ઘરમાં રહેવા દેવા નહિ.કંજૂસ,ગાળ ભાંડનાર,મૂર્ખ,માછી,ધૂર્ત,હલકાને માનનાર,નિર્દય,વૈરકર્તા,અને કૃતઘ્ની-એટલાની પાસે પોતાને બહુ દુઃખ હોય તો પણ કદી યાચના કરવી નહિ.(36)


બંડખોર,અતિપ્રમાદી,નિત્ય ખોટું બોલનાર,અદૃઢ઼ ભક્તિવાળો,સ્નેહ છોડી દેનાર,અને પોતાને ચતુર માનનાર-આ છ પુરુષોને મનુષ્યે સેવવા નહિ.સહાયકો હોવાથી ધન મળે છે અને ધનથી સહાયકો મળે છે એ બંને એકબીજાનો આશ્રય કરીને રહેલા છે,એથી તેમાંના એક વિના બીજાની સિદ્ધિ થતી નથી.પુત્રોને ઉત્પન્ન કરી,તેઓને ઋણ વિનાના કરી તથા તેઓને કૈંક આજીવિકા કરી આપી,પુત્રીઓને યોગ્ય ઠેકાણે પરણાવી પછી અરણ્યમાં રહીને મુનિ થવાની ઈચ્છા કરવી.જે કર્મ સર્વ પ્રાણીને હિતકારી હોય અને પોતાને સુખકારક હોય,તે કર્મ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવું કારણકે સર્વ ફળની સિદ્ધિ માટે એ પ્રકારનાં કર્મ જ મૂળ સાધનરૂપ છે.ધનાદિની વૃદ્ધિ,પ્રભાવ,તેજ,ધર્મ તથા જ્ઞાનના ઐશ્વર્યરૂપ સત્વ,ઉદ્યોગ અને નિશ્ચય-આટલું જેને હોય તેને જીવીકાનો અભાવ ક્યાંથી હોય? (41)


હે રાજા,પાંડવોનો વિરોધ કરવામાં કેટલા દોષો છે-તે તમે જુઓ.આ વિરોધ થતાં સર્વ દેવો વ્યથા પામશે,પુત્રો સાથે વેર થશે,નિત્ય ચિંતાતુર રહેવું પડશે,યશ નાશ પામશે અને શત્રુઓ રાજા થશે.ભીષ્મનો,દ્રોણનો અને યુધિષ્ઠિરનો કોપ વૃદ્ધિ પામશે તો આકાશમાં આડા ઉગતા ધૂમકેતુની જેમ આ લોકનો નાશ થશે.તમે આ વિરોધ શાંત કરો તો તમારા સો પુત્રો ને પાંચ પાંડવો આખી પૃથ્વીનું રાજ્ય કરશે.હે રાજા,મારા મત પ્રમાણે,તમારા પુત્રો વનરૂપ છે અને પાંડવો તેમાંના વાઘ છે,માટે તમે વાઘ સાથે વનનો નાશ કરશો નહિ.અને વનમાંથી વાઘનો નાશ થાઓ નહિ.વાઘ વિના વન રહેતું નથી અને વન વિના વાઘ રહેતા નથી,કારણકે વાઘથી વનનું રક્ષણ થાય છે અને વન વાઘોનું રક્ષણ કરે છે (46)