અધ્યાય-૩૭-વિદુરનીતિ (ચાલુ)
II विदुर उवाच II सप्तदशेमान राजेन्द्र मनुः स्वायंभुवोब्रवीत I वैचित्रविर्य पुरुषानाकाशं मुष्टिभिर्न्घत :II १ II
વિદુર બોલ્યા-હે વિચિત્રવીર્યના પુત્ર,હે રાજેન્દ્ર,હવે પછી કહેલા સત્તર પુરુષોને સ્વાયંભુવ મનુએ,
મુષ્ટિથી આકાશને પ્રહાર કરનારા (અર્થાંત અતિમૂર્ખ) કહ્યા છે.
જે ઉપદેશ કરવા યોગ્ય ના હોય તેને ઉપદેશ કરનારો,અલ્પ લાભથી સંતોષ માનીને બેસી રહેનારો,પોતાના કાર્ય માટે વારંવાર શત્રુની સેવા કરનારો,સ્ત્રીઓને સાચવ્યા કરવાથી પોતાનું કલ્યાણ માનનારો,યાચના ન કરવા જેવાની યાચના કરનારો,બડાઈ માનનારો,સારા કુળમાં જન્મી અયોગ્ય કામ કરનારો,પોતે નિર્બળ છતાં બળવાનની સામે નિત્ય વેર રાખનારો,અશ્રધ્ધાળુને હિતની વાત કહેનારો,ન ઇચ્છવા જેવી વસ્તુની ઈચ્છા રાખનારો,સસરો હોઈને વહુની મશ્કરી કરનારો,વહુના પિતા વગેરેથી આપત્તિમાં રક્ષણ મેળવીને તેઓથી જ માનની ઈચ્છા રાખનારો,પરસ્ત્રીમાં બીજ વાવનારો,સ્ત્રીની સાથે વારંવાર લડાઈ કરનારો,વસ્તુ લીધા પછી 'મને યાદ નથી'તેમ કહેનારો,વાણીથી આપવાનું કહ્યા પછી યાચક યાચના કરે એટલે દાન આપ્યા વિના જ બડાઈ મારનારો,અને ખોટાને ખરું ઠરાવનારો-આ સત્તરને યમદૂતો નરકમાં લઇ જાય છે.(6)
જે મનુષ્ય જેના પ્રત્યે જેવું વર્તન રાખે,તેવા પ્રત્યે તેવું જ વર્તન રાખવું,એ ધર્મ છે.કપટી સાથે કપટથી
અને સદાચરણ સાથે સદાચરણથી વર્તવું.ઘડપણ રૂપનો,આશા ધૈર્યનો,મૃત્યુ પ્રાણોનો,ઈર્ષા ધર્માચરણનો,
કામ લજ્જાનો,નીચની સેવા સદવર્તનનો,ક્રોધ લક્ષ્મીનો અને અભિમાન સર્વનો નાશ કરે છે (8)
ધૃતરાષ્ટ્ર બોલ્યા-જયારે સર્વ વેદોમાં પુરુષોને સો વર્ષનો આયુષ્યવાળો કહ્યો છે
તો શા કારણથી તે આ લોકમાં સર્વ આયુષ્ય ભોગવતો નથી?
વિદુર બોલ્યા-મહાઅભિમાન,મર્યાદા રહિત ભાષણ,મોટો અપરાધ,ક્રોધ,એકલપેટાપણું અને મિત્રદ્રોહ-આ છ કારણો જ તીક્ષ્ણ તલવારો સમાન હોઈને દેહધારીઓના આયુષ્યને કાપે છે અને મનુષ્યોનો નાશ કરે છે.જે વિશ્વાસુની સ્ત્રીનો,ગુરુપત્નીનો,બ્રાહ્મણ હોઈ શુદ્રિનો સમાગમ કરે છે,જે બ્રાહ્મણ હોઈ મદિરાપાન કરે છે,જે ગામોટનું કામ કરે છે,જે વૃત્તિની નાશ કરે છે,જે દ્વિજો પાસે દાસપણું કરાવે છે અને જે શરણે આવેલાને હણે છે તે સર્વ બ્રહ્મહત્યાના કરનારા જેવો જ થાય છે,તેઓનો સંસર્ગ થાય તો પ્રાયશ્ચિત કરવું-તેવી વેદાજ્ઞા છે.(13)
વિદ્યાવાન,નીતિવેત્તા,દાતા,પંચયજ્ઞ કાર્ય પછી શેષ રહેલું જમનારો,કોઈને દુઃખ ન આપનારો,અનર્થકારક કૃત્ય ન કરનારો,કરેલા ઉપકારને લક્ષ્યમાં રાખનારો,સત્યનિષ્ઠ અને સૌમ્ય વર્તનવાળો વિદ્વાન પુરુષ સ્વર્ગલોકમાં જાય છે.હે રાજન,મીઠું બોલનારા પુરુષો હંમેશાં સુલભ હોય છે પણ અપ્રિય છતાં હિતકારક વચનો કહેનાર દુર્લભ છે ને સાંભળનાર પણ દુર્લભ છે.જે પુરુષ ધર્મ તરફ દ્રષ્ટિ રાખીને પોતાના સ્વામીને પ્રિય લાગશે કે અપ્રિય-તેની પરવા કર્યા વિના અપ્રિય છતાં હિતકારક વચન કહે છે તેનાથી જ રાજા સહાયવાન છે.કુળના ભલા માટે એક પુરુષનો ત્યાગ કરવો,ગામના માટે કુળનો ત્યાગ કરવો,દેશના માટે ગામનો ત્યાગ કરવો ને પોતાના માટે પૃથ્વીનો પણ ત્યાગ કરવો.(17)
આપત્તિમાં કામ આવે એટલા માટે ધનનું રક્ષણ કરવું,ધનનો ખર્ચ કરીને પણ સ્ત્રીનું રક્ષણ કરવું,અને દ્રવ્ય તથા સ્ત્રી વડે પોતાનું રક્ષણ કરવું.દ્યુત એ મનુષ્યોમાં વેર કરાવનારું છે માટે ગમ્મતમાં પણ દ્યુત રમવું નહિ.દ્યુત વખતે મેં તમને 'આ યોગ્ય નથી'એમ મેં તમને કહ્યું હતું,પણ તમને મારુ વચન રુચ્યું નહોતું.હે નરેન્દ્ર,તમે કાગડા જેવા કૌરવો વડે મયૂરરૂપી પાંડવોનો પરાજય કરાવ્યો,પરંતુ સિંહોને છોડીને શિયાળોને રાખનારા-એવા તમે સમય આવતાં રડશો (21)
જે સ્વામી,સેવા કરનારા હિતપરાયણ સેવકના પર ક્રોધ કરતો નથી,તે સ્વામીના પર સેવકો વિશ્વાસ રાખે છે અને સંકટ વખતે તેનો ત્યાગ કરતા નથી.પોતાના સેવકોની આજીવિકા અટકાવીને નવું રાજ્ય અથવા ધન મેળવવાની ઈચ્છા કરવી નહિ,કેમ કે એ રીતે છેતરાયેલા સેવકો,પોતે આજીવિકા વિનાના થવાથી વિરુદ્ધ થઈને સ્વામીનો ત્યાગ કરે છે.જે સેવક,પોતાના સ્વામીનો અભિપ્રાય સમજીને સર્વ કર્યો આળસરહિત થઈને કરે છે,હિતકારક વચન કહે છે,પ્રેમ રાખે છે,પોતાની શક્તિને જાણે છે અને ઉત્તમ આચરણ રાખે છે તેને સ્વામીએ પોતાના જેવો જ સમજીને તેના પર અનુગ્રહ કરવો.પણ જે સેવક કહેલા વચનોનો અનાદર કરે છે,ને સામો ઉત્તર આપે છે,તથા પોતાની અક્કલ માટે અભિમાની હોય તેવા સેવકને તત્કાળ કાઢી મુકવો.
ગર્વરહિત,સામર્થ્યવાન,શીઘ્ર કામ કરનાર,દયાળુ,રમુજી,બીજાથી ભેદ ન પામનારો,નીરોગી અને યુક્તિ ભરેલું તથા મહાન અર્થવાળું બોલનારો આ આઠ ગુણોથી સંપન્ન હોય તેને દૂત કહે છે (27)
સમજણવાળા મનુષ્યે,સાયંકાળ જેવા કસમયે અવિશ્વાસુને ઘરમાં જવું નહિ,રાત્રે ચકલામાં છુપાઈ રહેવું નહિ,અને રાજા જે સ્ત્રીની ઈચ્છા કરતો હોય તે સ્ત્રીના ઉપભોગની ઈચ્છા કરવી નહિ.ઘણાએ મળીને જેની મસલત કરી હોય,તે ખરાબ હોય તો પણ તેનો નિષેધ કરવો નહિ,તેમ જ 'હું તારા પ્રત્યે વિશ્વાસ રાખતો નથી'એમ પણ કહ્યા વિના કંઈ સકારણ બહાનું કાઢીને ત્યાંથી દૂર થઇ જવું.બીકણ રાજા,વ્યભિચારી સ્ત્રી,રાજસેવક,પુત્ર,ભાઈ,બાળકપુત્રની માતા,સેનાથી નિર્વાહ કરનાર અને અધિકારથી દૂર કરેલો-એ સર્વની સાથે કાર્ય વ્યવહાર રાખવો નહિ (30)