જેમ,હંસો સુકાયેલા સરોવરને છોડી દૂર જાય છે તેમ,ચંચળ ચિત્તવાળા,અવિવેકી,ઇન્દ્રિયોના દાસ થયેલા પુરુષને લક્ષ્મી છોડીને દૂર જાય છે.જેમ,વાદળાં કે ક્ષણમાં એકઠાં થાય છે અને ક્ષણમાં નષ્ટ થઇ જાય છે તેમ,દુર્જનોનો એવો સ્વભાવ છે કે તેઓ કારણ વિના જ એકાએક ક્રોધ કરે છે ને કારણ વિના જ પ્રસન્ન થાય છે.મિત્રોએ પોતાનો સત્કાર કરીને કે પોતાનું કામ કરી આપ્યું હોય છતાં જેઓ મિત્રોનું હિત કરતા નથી તેવા કૃતઘ્નીઓ જયારે મરી જાય છે ત્યારે તેમના શબને માંસભક્ષક પ્રાણીઓ પણ
(પોતે તેવા થઇ જાય એ ડરથી)ખાતા નથી.પોતાની પાસે ધન હોય અથવા ન હોય તો પણ મિત્રોની પાસે માંગણી કરવી જ જોઈએ કારણ કે માગ્યા વિના મિત્રોના સારની તથા અસારતાની પરીક્ષા થતી નથી (43)
સંતાપથી રૂપ નાશ પામે છે,બળની હાનિ થાય છે,જ્ઞાન નષ્ટ થાય છે અને વ્યાધિ પ્રાપ્ત થાય છે.શોકથી ઇષ્ટ વસ્તુ મળતી નથી,શરીર બળે છે અને શત્રુઓ રાજી થાય છે માટે તમે શોકમાં મન લગાડો નહિ.મનુષ્ય મરે છે ને ફરી જન્મે છે,હીન થાય છે અને ફરી વૃદ્ધિ પામે છે,ને ફરી ફરી બીજાની યાચના કરે છે.વળી,તે બીજાનો શોક કરે છે ને બીજાઓને પોતાનો શોક કરાવે છે.
સુખ-દુઃખ,ચડતી-પડતી,લાભ-હાનિ અને જન્મ-મરણ,આ જોડકાંઓ અનુક્રમથી સર્વને પ્રાપ્ત થાય છે જ માટે ધીર મનુષ્ય તે સમ્બન્ધી હર્ષ-શોક કરવો નહિ.પાંચ જ્ઞાનેન્દ્રિયો અને છઠ્ઠું મન,એ છ ઇન્દ્રિયો ચંચળ છે,તેમાંથી જે જે ઇન્દ્રિય વિષયમાં આસક્ત થાય છે,તે ઇન્દ્રિય દ્વારા પુરુષની બુદ્ધિ,કાણા ઘડામાંથી પાણીની જેમ ઝરી જાય છે (48)
ધૃતરાષ્ટ્ર બોલ્યા-કાષ્ટમાં રૂંધાયેલા અગ્નિની જેમ,સૂક્ષ્મ ધર્મથી રૂંધાયેલા યુધિષ્ઠિર સાથે મેં કપટથી વર્તન કર્યું છે તેથી તે
યુદ્ધ કરીને મારા મૂર્ખ પુત્રોનો અંત લાવશે-આ વિચારથી મને સર્વ જગત ઉદ્વેગભર્યુ લાગે છે,મારુ મન ભયભીત રહે છે
તેથી હે મહામતિ,જે પદ ભયરહિત તથા અચલ હોય તે મને કહો (50)
વિદુર બોલ્યા-હે રાજન,જ્ઞાન,તપ,ઇન્દ્રિયોનો નિગ્રહ,તથા લોભના ત્યાગ વિના બીજા કશાથી તમને શાંતિ થાય એમ હું જોતો નથી.આત્મજ્ઞાન વડે પુરુષ સંસારના ભયને દૂર કરે છે,તપ વડે તેને સદગુરુ ને શાસ્ત્ર મળે છે,ગુરુસેવાથી ગ્રંથોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ચિત્તવૃત્તિના નિરોધ-રૂપી યોગ વડે શાંતિ મળે છે.તે શાંતિ પ્રાપ્ત થતાં,મોક્ષાધિકારી પુરુષો,દાન તથા વેદાધ્યનના પુણ્યની એટલે કે સ્વર્ગના ફળની કામના ન રાખતાં,રાગ-દ્વેષ રહિત થઈને પૃથ્વી પર સંચાર કરે છે.
સારા અધ્યયનની,સારા યુદ્ધની,સારા કર્મની તથા સારા તપની અંતે મનુષ્યને સુખ મળે છે.(54)
જ્ઞાતિથી ભિન્ન થયેલા પુરુષો,ઉત્તમ બિછાનાવાળી શય્યા પર પણ સુઈ શકતા નથી,સ્ત્રીના સમાગમમાં પ્રીતિ અનુભવતા નથી,ને ભાટ ચારણોની સ્તુતિથી પ્રસન્ન થતા નથી.તેઓ કદી ધર્માચરણ કરતા નથી,આ જગતમાં સુખ પામતા નથી,ગૌરવ પામતા નથી અને શાંતિને પસંદ કરતા નથી.વળી તેઓને હિતકારક કહેલું રુચતું નથી,તેઓનું યોગક્ષેમ ચાલતું નથી અને વિનાશ વિના બીજું કોઈ પરિણામ તેમને જણાતું નથી.ગાયોમાં દૂધની,બ્રાહ્મણમાં તપની,સ્ત્રીમાં ચંચળતાની અને જ્ઞાતિથી ભયની સંભાવના રાખવી.નાના નાના ઘણા તાંતણાઓ એકઠા થવાથી મજબૂત થઈને મોટા પ્રયાસને સહન કરે છે,આ એનું ઉદાહરણ છે.
બળતાં લાકડાંઓ છૂટાં પડવાથી ધૂમાય છે અને એકઠાં થવાથી બળે છે,એ જ વાત જ્ઞાતિને લાગુ પડે છે.(60)
હે રાજન,મનુષ્યમાં શ્રીમંતાઈ અને આરોગ્ય વિના,એકે ગુણ નથી કારણકે રોગીઓ તો મરણ પામેલા જેવા જ છે.વગર વ્યાધિએ અરુચિ કરનાર,માથામાં વેદના કરનાર,પાપ સાથે સંબંધ રાખનાર એવા ક્રોધને તમે પી જાઓ અને સારી પેઠે શાંત થાઓ.રોગથી પીડાયેલાઓ,પુત્ર,પશુ વગેરેનો આદર કરતા નથી,વિષયોમાં ઇષ્ટ અનિષ્ટનો વિવેક જાણતા નથી અને દુઃખી થયેલા તે રોગીઓ સર્વદા ધનનો ભોગ અને તેનું સુખ જાણતા નથી (69)
પૂર્વે,દ્યુતમાં દ્રૌપદીને જીતેલી જોઈને મેં તમને કહ્યું હતું કે તમે જુગારની રમતમાંથી દુર્યોધનને વારો,પરંતુ તે સમયે તમે મારુ કહેવું કર્યું નહિ.સરળ પ્રકૃતિવાળાની સાથે વિરોધ કરવા લાગે તે બળ કહેવાય નહિ.હે રાજન,ધર્મ સૂક્ષ્મ છે ને તે આગ્રહથી સેવવા જેવો છે.ક્રુરની પાસે આવેલી લક્ષ્મી નાશ પામે છે,ને તે જ લક્ષ્મી સરળ પુરુષના હાથે વૃદ્ધિ પામે છે.હે રાજન,તમે તમારા પૌત્રો પાંડવોનું પાલન કરો અને પાંડવો તમારા પુત્રોનું પાલન કરો.બંને મળીને સર્વ કુરુવંશીઓ સમૃદ્ધિવાળા થઇ સુખથી જીવો.
તમે આજે કૌરવોના નેતા છો,આ કુરૂકૂળ તમારે આધીન છે માટે તમે તે પાંડવોનું પાલન કરો ને પોતાના યશનું રક્ષણ કરો.
હે મહારાજ,તમે પાંડવો સાથે સંધિ કરો.શત્રુઓ તમારી વચ્ચે ભેદની ઈચ્છા ના કરો.સર્વે પાંડવો
સત્યનું અવલંબન કરીને રહેલા છે માટે હે નરેન્દ્ર,તમે દુર્યોધનને યુદ્ધથી અટકાવો (74)
અધ્યાય-36-સમાપ્ત